અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/એય...ને કાળુભાર


એય...ને કાળુભાર

મનોહર ત્રિવેદી

ચાલતી રહે એ...યને ઠુમકદાર બે કાંઠે મ્હાલતી રહે એય...ને કાળુભાર!
લૂનાં પીળાં ઝૂમખાંઓ ખંખોળિયું ખાવા આવતાં એને હળવે રે હુલાવતી રહે
એય...ને કાળભાર!

રેતના ઘાસલ થૂમડે બેસી કાળિયો કોશી ભરબપોરે સૂર રેલાવે મોકળે મને
અડવાણે પગ સોંસરી વીંધી સીમ આ પવન વાતવે વળે ઝાડની આછી છાંયડી કને
એકલવાયું ઊડતું પંખી ચાંચ બોળીને જાય એ મશે જળનો દઈ સાદ એને
બોલાવતી રહે એય...ને કાળુભાર!

અહીંથી તહીં પતંગિયાની પાંખ-શાં નયન રઘવાયાં થઈ ઠેકઠેકાણે ભટકે કદી
ગઈ વેળાનાં સગડ ક્યાંથી હોય વેળુમાં? – તોય થાકોડાભેર બે ચરણ અટકે કદી
પાનીએ રાતા લવકારાને ઠારવા ત્યારે કોઈ ભીનાં સંભારણે છાલક મારતી રહે
એય...ને કાળુભાર!


(25-3-1980)