અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/લગ્નગીત (ઊડી ઊડી રે એક ચરકલડી)


લગ્નગીત (ઊડી ઊડી રે એક ચરકલડી)

મનોહર ત્રિવેદી

ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું —
એનાં હરિયાળાં આ પગલાંની ભાત્યે તો આજ લગી રાખ્યું રળિયામણું.

સીમમાંથી આવેલી કિરણોની પોટલીને
ખોલે હળવેથી મોંસૂઝણે
વ્હેલી સવાર કદી કલરવમાં ન્હાયઃ
કદી ઘરને ઘેર્યું’તું એનાં રૂસણે.

દિવસો તો ઊગે ને ઝાંખા થૈ જાયઃ પડે ઝાંખું ના એક્કે સંભારણું
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું.

પંખી કહેતાં જ હોય આંખ સામે દીકરી
ને હોય એક તુલસીનો ક્યારો
પાદરની ગોધૂલિવેળા છે દીકરી
કે વ્હેતિયાણ સરિતા-કિનારો

દીવો ઝાલીને અહીં માડીના વેશમાં સૂનું ઝૂરે છે હવે બારણું
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું.
(પરબ, ફેબ્રુઆરી)