અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/માધવ રામાનુજ/અમે ઇચ્છયું એવું… (એક એવું ઘર)


અમે ઇચ્છયું એવું… (એક એવું ઘર)

માધવ રામાનુજ

એક એવું ઘર મળે આ વિશ્વમાં —
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું!
એક એવું આંગણું કે જ્યાં મને —
કોઈ પણ કારણ વગર શૈશવ મળે!

એક, બસ એક જ મળે એવું નગર
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું!
`કેમ છો?' એવુંય ના કહેવું પડે —
સાથ એવો પંથમાં ભવ ભવ મળે!

એક એવી હોય મહેફિલ જ્યાં મને
કોઈ બોલાવે નહીં ને જઈ શકું!
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે
પાનખરના આગમનને રવ મળે!

તોય તે ના રંજ કૈં મનમાં રહે :
— અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…


(અક્ષરનું એકાંત, ૧૯૯૭, પૃ. ૧૩)



આસ્વાદ: નિષ્કારણથી નિ-રંજ સુધીની વિરલ સૉનેટયાત્રા… – રાધેશ્યામ શર્મા

ઊર્મિકાવ્ય તો ઘણાં બધાં કાવ્યોને કહી શકાય, પણ ચૌદ પંક્તિની રચના – (૪–૪–૪–૨) ને, એટલે કે સૉનેટપ્રકારને આ પદ વિશેષ પ્રાપ્ત થયું છે.

કાવ્યનાયકના આત્મલક્ષી વિવિધ ભાવોનું પ્રત્યેક ગુચ્છ અહીં એટલી સફળતાપૂર્વક ગુંફન થયું છે કે કૃતિની કડીઓની સમાન્તર રહીને જ પ્રમાણી શકાય.

પ્રથમ સ્તબકમાં ઘર–આંગણું, બીજામાં નગર, ત્રીજામાં મહેફિલ સાથે પાનખર અને ચોથામાં જીવવાન્તનું રંજશૂન્ય ઉપશમન – રચનાને વિશિષ્ટ આકાર અર્પે છે.

કોઈના ઘેર કશા કારણ વિના જઈ શકીએ? જ્યારે નાયકની મૌલિક અપેક્ષા, સમગ્ર વિશ્વમાં એવા ઘરની શોધ છે જ્યાં તે નિષ્કારણ ગૃહપ્રવેશ કરી શકે!

આ લખનારને આ ક્ષણે નૉર્મન ડગ્લાસની ગૃહશોધ વર્ણવતી પંક્તિઓ પ્રસ્તુત લાગે છે:

‘મૅની અ મૅન હૂ થિન્કસ ટુ ફાઉન્ડ અ હોમ ડિસ્કવર્સ ધૅટ હી હેઝ મિયર્‌લી ઓપન્ડ અ ટેવર્ન ફૉર હિઝ ફ્રેન્ડ્ઝ.’

આવા લોકો ઘર તો શોધી કાઢે પણ શોધ્યા બાદ અનુભવે કે પોતાના દોસ્તો માટે જ જાણે એક વીશી–લૉજ ખોલી દીધી!

જોકે, કવિશ્રી માધવ રામાનુજના સૉનેટ–નાયકની અપેક્ષા તો એના પોતાના પૂરતી જ છે. કશા કારણ વિના પોતે એકલો ઘેર જઈ શકે.

અનુવર્તી પંક્તિમાં એવા પ્રાંગણની જિક્ર છે જ્યાં કોઈ પણ કારણ વિના ભૂતકાળમાં ઢબૂરાયેલું શૈશવ સાંપડે!

‘કારણ વિના’ શબ્દોનું પુનરાવર્તન, હેતુપ્રયોજનને અંડોળી તદ્દન સહજ અવસ્થાની આંગણવાડીને સંકેત છે!

‘એક, બસ એક જ મળે એવું નગર
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું’

બીજા ગુચ્છમાં. ‘એક, બસ એક જ’ જેવા ભારવાહક શબ્દોનો વિનિયોગ નગર પાસેની અભિલાષાઓ નીચે અન્ડરલાઇન કરવા પ્રેરે છે.

અહીં ‘અજાણ્યો’ એટલે આલ્બેર કામુનો ‘આઉટ સાઇડર’ માનવની ઉતાવળ કરવા જેવી નથી. માધવનો ‘સ્ટ્રૅન્જર ઇન સિટી’ નાયકનું નવું ડાઇમેન્શન (આયામ) દર્શાવે છે. કેવું? ‘જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું.’ ‘થઈ શકું’ એનો સાર એ કે જાણીતો હોય, ‘જાણ્યો’ હોય તોપણ અ–જાણ્યાનો પાઠ ભજવી શકે!

એથી આગળ નગરમાં ભાગમભાગ ભીડમાં કો’ક પરિચિત ભેટી જાય તો ‘કેમ છો?’ એવું ફૉર્મલ કહેવું ના પડે, કદાચ ભાવિ પંથમાં ભવોભવ સાથની પળોજણમાં જોતરાવું ના પડે!

પદાવલિના ત્રીજા સોપાને નાયક એક એવી – ‘મહેફિલ જ્યાં મને કોઈ બોલાવે નહીં ને જઈ શકું’ની કલ્પના કરે છે જ્યાં આમંત્રણ તો આઘું રહ્યું પણ ઓળખી જઈ કોઈ બોલાવેય નહીં એમ વાંછે છે.

સૉનેટમાં આવતો પ્રચલિત વળાંક છેક તેરમી–ચૌદમી પંક્તિમાં દેખા દેતો હોય છે.

આ લખનારને ‘મહેફિલ’ પાછળ તરત આવતી અગિયારમી–બારમી કડી કૃતિના દિશાપરિવર્તન સમી સ્પર્શી. માણીએ –

‘એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરના આગમનનો રવ મળે’

મહેફિલના માહોલને મેલી, રચના પંખીના એક ટહુકાર પાસે ભાવકને તાણી જાય અને ત્યાં રૂંવે રૂંવે પાનખરના આગમનનો રવ, શ્રવણ–દૃશ્ય કલ્પનમાં ઝબોળી દે તે કાબિલે દાદ છે. પાનખર તો આવી પહોંચી, પણ નાયક તો નિષ્કારણની જેમ જ નિ–રંજ છે:

‘તોય તે ના રંજ કંઈ મનમાં રહે:
– અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે!’

અપેક્ષાઓથી આરમ્ભી, નિરપેક્ષતાની અંતિમ જીવનયાત્રામાં ભાવકને સામેલ કરી સાહજિક સૌંદર્યનો ઉપહાર અર્પવા બદલ સક્ષમ સર્જક માધવ રામાનુજને સલામ… (રચનાને રસ્તે)