અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુકુન્દરાય પારાશર્ય /એની ગાંઠે ત્રણ ભોમનું નાણું


એની ગાંઠે ત્રણ ભોમનું નાણું

મુકુન્દરાય પારાશર્ય

એની ગાંઠે ત્રણ ભોમનું નાણું
સાધુડા! જેના મનડામાં મોતી બંધાણું.

મોતી બંધાણું એનું દળદર દળાણું, વ્હાલા!
છૂટ્યું સંસારનું સરાણું;
હુંપદના બંધવાળું, કંચન-કામિનીવાળું,
જીવતર છે રાખનું છાણું... સાધુડા! જેના.

મોતી બંધાણું એનું સગપણ સંધાણું, વ્હાલા!
લાધ્યું અન્તનું લ્હાણું;
અમરત જીવનનું એને સહજ સમાધિ માંહે
વાયું કાલાતીત વ્હાણું... સાધુડા! જેના.

મોતી બંધાણું એથી ગોકુળ વસાણું, વ્હાલા!
જમુનાના નીરમાં નવાણું;
મધવની સંગે વ્રજમાં રાસે રમાણું, કેવળ
માધવના રહીને જિવાણું... સાધુડા! જેના.

મોતી બંધાણું એનું અંતર છલકાણું, વ્હાલા!
દૂધે ચરાચર ધરાણું;
એની પદરજને છોડી, મનને વૈકુંઠે જોડી
નહિ રે મુકુન્દથી જવાણું... સાધુડા! જેના.

(પ્રાણ પપૈયાનો, ૧૯૭૯, પૃ. ૨)