અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુકુન્દરાય પારાશર્ય /એની ગાંઠે ત્રણ ભોમનું નાણું

From Ekatra Wiki
Revision as of 10:19, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> એની ગાંઠે ત્રણ ભોમનું નાણું સાધુડા! જેના મનડામાં મોતી બંધાણું....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

એની ગાંઠે ત્રણ ભોમનું નાણું
સાધુડા! જેના મનડામાં મોતી બંધાણું.

મોતી બંધાણું એનું દળદર દળાણું, વ્હાલા!
છૂટ્યું સંસારનું સરાણું;
હુંપદના બંધવાળું, કંચન-કામિનીવાળું,
જીવતર છે રાખનું છાણું... સાધુડા! જેના.

મોતી બંધાણું એનું સગપણ સંધાણું, વ્હાલા!
લાધ્યું અન્તનું લ્હાણું;
અમરત જીવનનું એને સહજ સમાધિ માંહે
વાયું કાલાતીત વ્હાણું... સાધુડા! જેના.

મોતી બંધાણું એથી ગોકુળ વસાણું, વ્હાલા!
જમુનાના નીરમાં નવાણું;
મધવની સંગે વ્રજમાં રાસે રમાણું, કેવળ
માધવના રહીને જિવાણું... સાધુડા! જેના.

મોતી બંધાણું એનું અંતર છલકાણું, વ્હાલા!
દૂધે ચરાચર ધરાણું;
એની પદરજને છોડી, મનને વૈકુંઠે જોડી
નહિ રે મુકુન્દથી જવાણું... સાધુડા! જેના.

(પ્રાણ પપૈયાનો, ૧૯૭૯, પૃ. ૨)