અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મોમિન/નથી (એ મયકદામાં...)

નથી (એ મયકદામાં...)

મોમિન

એ મયકદામાં જેઓ કદાપિ ગયા નથી,
તેઓ કહે છે સાકીના દિલમાં દયા નથી.

ઉપહાસ સ્મિતમાં એ હશે કે હશે સ્વીકાર,
ખુશ્બૂ પરખવી દૃષ્ટિથી સ્હેલી કળા નથી.

એ તર્ક હો કે કલ્પના ‘જ્યાં ધૂમ્ર છે ત્યાં આગ’
અશ્રુ નયનમાં છે ને હૃદયમાં વ્યથા નથી.

સાકી કહે છે એવા શરાબીને સો સલામ,
આંસુ ભરે છે જામમાં જ્યારે સુરા નથી.

નિષ્ફળ જીવનમાં કોને ગણું કોને કામયાબ,
નૌકા ડૂબે છે ત્યાં બધે કારણ હવા નથી.

સમજાવું શી રીતે હું પ્રણયના બધા પ્રસંગ,
આ દિલ બળી રહ્યું છે ને બળતી હવા નથી.

‘મોમિન’ ઊભું છે દ્વાર પર આ કોણ ક્યારનું,
‘આવો’ કહ્યું તો કહે છે એ ‘અંદર જગા નથી’.