અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યજ્ઞેશ દવે/ત્રણ ચિલિકા-ચિત્રો, ૧. સીમાંકન


ત્રણ ચિલિકા-ચિત્રો, ૧. સીમાંકન

યજ્ઞેશ દવે

તરતી, જળ ઝૂલે ઝૂલતી હિલોળે હીંચતી
જળમાં ગરકી લગાવતી ડૂબકી જળમાંથી ફરી જન્મતી
ફરી લગાવી ડૂબકી સરકી ક્યાંની ક્યાં નીકળતી આ જલની
ડૂબકી બતક તરે છે તગતગતા તડકા પર.

દિગંતમાંથી પતંગિયાની જેમ હળવેથી આવી
એક અબાબીલ
એક લિસોટો આંકી ફરી દિગંતમાં ટપકું થઈ ગયું.

ઉપરથી ધોળી ધજાની જેમ લહેરાતી એક બગપંક્તિ
ઊડી ભળી ગઈ દિગંતમાં
વિસ્તીર્ણ છે ઝળાંહળાં જળ
અબાધિત છે આલોકિત આકાશ.
દશેય દિશા પ્રકાશના પુંજ.

ત્યાં
મુંજના એ ઝુંડ પર આવ્યો એક કાળિયોકોશી
ચોતરફ ગર્વિષ્ઠ ડોક ફેરવી
સત્તાવાહી દૃષ્ટિથી સીમા આંકી
અબાધિત અસીમ જાણે પહેલી વાર સીમાંકિત થયું.