અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યજ્ઞેશ દવે/ત્રણ ચિલિકા-ચિત્રો, ૨. ફિલ્ડ અને ક્ષિતિજ


ત્રણ ચિલિકા-ચિત્રો, ૨. ફિલ્ડ અને ક્ષિતિજ

યજ્ઞેશ દવે

અહીં આવ્યા પછી અફસોસ થયો.
દૂરબીન લાવ્યો હોત તો સારું હતું
બ્રાહ્મણી બતકને તેનાં બજરિયાં પીંછાં પસવારતા જોઈ શકત.

ડૂબકી બતક ગરકીને નીકળે છે ક્યાં તે જોઈ શકત.
દૂરનો પહાડ અડકી શકાય તેટલો આવ્યો હોત નજીક,
ટપકું થઈ દેખાતા એ માછીમારને ભૂલથી બૂમ પાડી
બોલાવ્યો હોત.
જો દૂરબીન હોત તો ફિલ્ડ બધું પકડી શકત
જોકે

દૂરબીન હોત તો ફિલ્ડ જ જોઈ શકત
દૃશ્ય રહેત બહાર
દશ દિશા દૃશ્ય અને દ્રષ્ટાને ઓગાળતું
ઓજસે ઓપતું
છે જે સમસ્ત સુશ્લિષ્ટ
ભલે તે થયું હોત સ્પષ્ટ
એ થયું હોત ક્લિષ્ટ
સારું છે કે દૂરબીન નથી લાવ્યો.