અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ પંડ્યા/મારી કુંવારી આંખોના સમ


મારી કુંવારી આંખોના સમ

યોગેશ પંડ્યા

મારી કુંવારી આંખોના સમ, મારા સાયબા!
અંગઅંગ મળવાને આડે છે ચાર માસ
અથરો ના થા જરા ખમ, મારા સાયબા!
મારી કુંવારી આંખોના સમ...

કુંવારા કાંડાનું વેણ રાખ સાજણ,
તું કુંવારું કાંડું મચકોડ મા,
કુંવારી વેદનાનું ભાન તને હોય નહીં,
નજરુંને નજરુંથી જોડ મા;
અરે! આટલી ઉતાવળ ન હોય, જરા થમ...
મારી કુંવારી આંખોના સમ...

આંગણામાં ઊભેલા વડલાનાં પાન રોજ
એક એક ખરતાં રે જાય છે,
એમ એમ આપણી વચાળે આ
ઊભેલી પાનખર ટૂંકાતી જાય છે;
પછી, ભીની કૂંપળની પથરાશે જાજમ...
મારી કુંવારી આંખોના સમ...

મધરાતે ખોરડાની પાછલી પછીતમાંથી
સપનાંઓ ચોરપગે આવતાં,
સાજણનું રૂપ લઈ ચોરીછૂપીથી મારાં
અંગો પર વ્હાલપ ભભરાવતાં;
આંખ ઊઘડી તો ઓરડામાં છલકાતો ભ્રમ...
મારી કુંવારી આંખોના સમ...



આસ્વાદ: સ્વપ્નસૃષ્ટિમાં ભાવસૃષ્ટિનાં સ્પંદન – વિનોદ જોશી

કોઈ કોઈ કવિતા વાંચીએ ત્યારે એવું લાગે છે કે તેમાં ભાષા તાજી કૂંપળની જેમ ફરકે છે. આપણને પરિચિત છતાં કોઈક નવીનવેલી દુલ્હન જેવી. લજ્જાળ અને મોહક. વળી એવી કવિતાની ભાવસૃષ્ટિ પણ ભાષાને અનુરૂપ હોય તો પછી પૂછવું જ શું? અહીં લેવામાં આવેલું ગીત અનુભૂતિ અને અભિવ્યક્તિ – બન્નેની તાજગી ધરાવે છે. બંને એકબીજાંને અનુરૂપ છે. વાત તો પ્રેમની છે. એક કુંવારી છોકરીનાં મુખે એ કહેવાયેલી છે. એના પિયુને એ ‘સાયબા’નું સંબોધન કરે છે. માની લઈએ કે એમનાં લગ્ન થવામાં થોડી વાર છે. થોડી એટલે ચાર મહિનાની. પણ સાયબો અથરો થયો છે. આ કાવ્યની પહેલી પંક્તિમાં જ ‘મારી કુંવારી આંખોના સમ’ એવું કહેતી છોકરી દેખીતી રીતે જ સમજદાર છે. એ પોતાના સાયબાના રઘવાટને સમ દઈને ખાળે છે. એમ કરવામાં તેનો વિવેક તો દેખાય જ છે, સાથોસાથ પોતાના કૌમાર્યની લજ્જાળુ ખેવના પણ વરતાય છે. ‘અથરો ના, થા, જરા ખમ’ એવા એના ઉદ્ગારોમાં સ્વસ્થ આદેશ છે તેટલો જ પ્રેમાળ ઇન્કાર પણ છે. પિયુ તો હઠીલો છે. એણે કાંડું પકડીને પોતાનો અધિકારભાવ જતાવી દીધો એ ક્ષણે જ કાવ્યનાયિકાએ કહી દીધુંઃ ‘કુંવારા કાંડાનું વેણ રાખ સાજણ,
 તું કુંવારું કાંડું મચકોડ મા,
કુંવારી વેદનાનું ભાન તેને હોય નહીં,
 નજરુંને નજરુંથી જોડ મા.’ કેવી છે આ સાયબાની માનીતી? એ કહે છે કે, ‘કુંવારા કાંડાનું વેણ રાખ’ હજી લગ્ન તો થયાં નથી. હજી આ કાંડાને સ્પર્શનો રોમાંચ અનુભવાયો નથી. એ અર્થમાં તેનું કુંવારાપણું અકબંધ છે. એ પરિસ્થિતિમાં તેને પકડીને મચકોડવાનું અનુચિત છે. કાંડું ઝાલવાનું બરાબર નથી એ તો ઠીક પણ આ નાયિકા તો એવી મર્યાદાવાળી છે કે કહી દે છેઃ ‘નજરુંને નજરુંથી જોડ મા’ આંખથી આંખ મળે એ પણ એને મંજૂર નથી. ઉતાવળની ભરતીને લગીરે આક્રોશ વિના, કેવળ પ્રેમથી લેવા મથતી નાયિકા કોઈ નાટ્યાત્મક લટકું કરી પિયુને આઘો રાખે છે, ઇચ્છા છતાં નજીક આવવા દેતી નથી.

હવેની પંક્તિમાં આશ્વાસનનો સૂર છે. ઇન્કાર પછી આવતો આશ્વાસનનો આ તબક્કો વાતને વાળી લેવાનો કીમિયો બની રહે છે. વડલાની ડાળેથી રોજ રોજ ખરી જતાં પાન નાયિકાને દેખાઈ રહ્યાં છે. એક પછી એક પાનનું ખરવું એટલે એક પછી એક દિવસનું વિદાય થવું. અને એ રીતે એક ઋતુનું પણ વિદાય થવું અહીં સૂચવાયું છે. પાનના ખરતા જવાની સાથે જ પાનખર ટૂંકી થતી જાય છે તેનું આશ્વાસન આપતી નાયિકા વહેલેરા મળવાનો યોગ નજીક ને નજીક આવી રહ્યો છે તેવું લાક્ષણિક રીતે કહી દે છે. પાનખરની સાથે જતો વેદના કે રિક્તતાનો અર્થ જેટલો નાયકને લાગુ પડે છે તેટલો જ નાયિકાને પણ લાગુ પડે છે. પણ નાયિકા ધીરગંભીર છે. પ્રેમ તો એને પણ ઘેરી વળ્યો છે. ‘કુંવારી વેદનાનું ભાન’ એને પણ વળગેલું જ છે. પણ પેલો સુપ્રસિદ્ધ શે’ર યાદ આવે તેવી આ પરિસ્થિતિ છેઃ

‘હમારે ઔર તુમ્હારે પ્યાર મેં બસ ફર્ક હૈ ઇતના,

ઇધર તો જલ્દી જલ્દી હૈ ઉધર આહિસ્તા આહિસ્તા.’

નાયિકાને આ ‘આહિસ્તા આહિસ્તા’ની સ્થિતિ જ યોગ્ય લાગે છે. કારણ કે એને ખબર છે કે પાનખર પછી ‘ભીની કૂંપળની પથરાશે જાજમ’ અને તેમાં આળોટવાનું જ્યારે બને જ્યારે જ સાયબા સાથેનો સાચો સંગ માણ્યો ગણાશે. કૂંપળની ભીનાશ સાથે કૌમાર્યની વયસહજ તાજગીનું કાવ્યનાયિકા સાથે અહીં અત્યંત સ્વાભાવિક અને ભાવોને ઘનીભૂત કરતું અનુસંધાન સધાયું છે તે જોઈ શકાશે.

જેનું આવવું વાસ્તવમાં શક્ય નથી તે સાજન સ્વપ્નની નગરીમાં તો વિનાસંકોચે આવી શકે છે. નાયિકા આ જાણે છે. એટલે સાજનના આગમન માટે એને કોઈ નિષેધની પરવા કરવાની જરૂર નથી. એ આમ કહીને જાણે કાવ્યનાયકને પોતે કરે છે તે કીમિયો કરીને મળવાનું રાખવા સૂચવતી ન હોય? મળવું હોય તો સપનામાં મળ. એક આટલી શી વાતે પણ ઉતાવળિયો બની જતો પિયુ સપનાની પાલખીએ ચડીને આવી પહોંચે છે. અહીં કોઈ આવ્યાનો સીધો સંકેત નહીં કરીને કવિએ એટલું જ સ્પષ્ટ કરવા ધાર્યું છે કે ‘સપનાંઓ ચોરપગે આવતાં.’ પણ એ સપનાનો સર્જક તેની સાથે જ આવે તેવું તો કેમ બને? તેને સીધે ચીંધવાને બદલે અહીં જે વૈચિત્ર્ય રચી આપ્યું છે. તેમાં કવિની કાવ્યસૌંદર્ય નીપજાવવાની મુદ્રા દેખાય છે. બન્ને પંક્તિ બહુ પ્રભાવક છે.

‘મધરાતે ખોરડાની પાછલી પછીતમાંથી

સપનાંઓ ચોરપગે આવતાં

સાજણનું રૂપ લઈ ચોરીછૂપીથી

મારા અંગો પર વ્હાલપ ભભરાવતાં.’

એક અત્યંત સંવેદનશીલ એવો સ્પર્શનો ઇન્દ્રિયાનુભવ અહીં લગીરે બોલકો બન્યા વગર વ્યક્ત થાય છે. આ અનુભવને તીવ્રતાપૂર્વક માણી રહેલી નાયિકાને આ બધું તો ભ્રમણા છે તેવી ખબર તો એ જ્યારે આંખો ખોલે છે ત્યારે જ પડે છે. સ્વપ્નની સૃષ્ટિની ભંગુરતાનો એને તત્ક્ષણ ખ્યાલ આવે છે. જે થોડા દિવસ ‘અંગઅંગ મળવાને આડે’ બાકી રહ્યા છે તેમાં સ્વપ્નની સૃષ્ટિ સિવાય કશું સહાયક નથી, અને એ પણ ભ્રાન્તિસ્વરૂપે જ ઉપલબ્ધ છે; છતાં જરા ખમી જવા માટેની સૂઝબૂઝપૂર્વકની ગંભીર સમજદારી અહીં પ્રેમાળ રીતે વ્યક્ત કરતી નાયિકા આપણને નજરે દેખાવા લાગે છે. એની સમાંતરે, અથરો થઈ નજીક ને નજીક ખસતો જતો નાયક પણ ન દેખાય તો તે નવાઈ કહેવાય!