અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણભાઈ નીલકંઠ /સર્વસ્વ

સર્વસ્વ

રમણભાઈ નીલકંઠ

દિલને ખુશી દેખું નહીં કરવી મઝા કંઈ ના ગમે.
ખુબિદાર કવિતા વાંચતાં તે પણ પસંદ જ ના પડે;
કરૂં ખ્યાલ બીજી ચીજના પણ હોય દિલમાં એકલાં
નરગિસ સરીખાં નેન ને ઝુલફાં છુટાં દિલદારનાં.
ગમગીનિ રહે દિલમાં ઘણી બેચેનિથી ગમ ના પડે,
જૂદાઈની લાચારિમાં ના મદદ કોઈન ગમે;
હાલત થઈ આવી, જડે ત્યાં સબબ તેનો શોધતાં,
નરગિસ સરીખાં નેન ને ઝુલફાં છુટાં દિલદારનાં.
માશૂકના દીદારમાં દિલ તલસતું આ રોજ રહે,
મુજ ખ્યાલમાં ને ખ્લાબમાં ઝાંખું છબી હું તેની તે;
દોલત બધી ઊમેદને મુજ જાન છે ત્યાં, જ્યાં રહ્યાં
નરગિસ સરીખાં નેન ને ઝુલફાં છુટાં દિલદારનાં.
શેને વડે જીતાઈને લીધું ઝબાને નામ એ?
કયિ ચીજમાં બહુ જાદુ છે? ફિરદૌસ દેખું શું દિઠે?
શેના વિના માનું બધું હું ખાકસર જહાનમાં?
નરગિસ સરીખાં નેન ને ઝુલફાં છુટાં દિલદારનાં.

(સન ૧૮૮૯)