અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક સોમેશ્વર/અધૂરો કંપિત કાંડ


અધૂરો કંપિત કાંડ

રમણીક સોમેશ્વર

(૧)

ક્ષણનો વિસ્ફોટ
કથા
યુગોની

(૨)

લાવા ઓકતો જ્વાળામુખી પર ઊભીને
લખી શકું
તો લખું હવે કવિતા,
બધું જ તળે ઉપર નાખતી ધ્રુજારીનો
ક્યાંથી લાવું લય?
ભાષા!
પૃથ્વીના પેટાળમાં
માઈલો ઊંડે ચાલતા કંપનમાં
અટવાઈ ગઈ છે –
એ ભાષાની આપો મને લિપિ
મારું ચાલે તો એક ઝીણી લકીરમાં ચીતરું આકાશ
ધરતી-સમુદ્ર-આકાશને હવે હું જુદાં નથી પાડી શકતો!
(દિવસો વીત્યા પછી)

(૩)

– ના, હું ચિત્કારી નહીં શકું
અટકી ગયેલી શિલાઓ
કદાચ
મારા ચિત્કારથી
ફરી કાટમાળ થઈ ખરવા લાગે!!!
– હજુય કંપ શમ્યો નથી
ડોલે છે બધું
ઘૂમે છે...
એમાં
ક્યાંથી સ્થિર થાય શબ્દ!!!

(૪)

– કાટમાળનો ઢગલો
ને પાસે
તાજી વિયાએલી બિલાડી
– ઓહ!
બિલાડીની આંખોમાં
ચકરાવા લેતું
અગાંધ
ઊંડાણ!


(‘થોડાં કંપનકાવ્યો’, ‘શબ્દસૃષ્ટિ’ ઑગસ્ટ, ૨૦૦૧)



આસ્વાદ: સ્થિર શબ્દની શોધમાં સિસૃક્ષા… – રાધેશ્યામ શર્મા

રચનાના મથાળાથી જ જરીક વિસ્મય થાય. કંપિત કાંડ તો સમજાય પણ અધૂરો ક્યાં અને કેવી રીતે એવું કુતૂહલ ના જાણીએ ત્યાં સુધી એ ડોકું કાઢ્યા કરે ભાવકચેતનામાં.

રામાયણના ભિન્ન ભિન્ન કાંડ જાણીતા છે, અહીં કાંડ છે પણ કંપિત. તેય અધૂરો–પધૂરો. રચનાની દૃશ્યલિપિ ૧–૨–૩–૪ ખંડમાં જડાઈ છે.

(૧) ખંડમાં ત્રણ પદપગથિયાં મહાકાવ્યની વિદૂર સ્મૃતિ, કહો કે પૌરાણિક પ્રલયસમયની યાદ જગાવી શકે. વિસ્ફોટ ઘડીતડીનો, પણ શું ક્ષણાર્ધનો, તોય એ યુગપ્રવર્તક કક્ષાનું પરિમાણ ધારણ કરે છે – નાયકદષ્ટિમાં.

જુગજુગાન્તરની કથા રચી ગયો ક્ષણનો પ્રસ્ફોટ!

હવે ખંડ (૨)

સર્જક નાયક સ્તબ્ધ થયો હશે વિસ્ફોટથી, પણ કવિતા લખવાની શક્યતા સાવ ચોકડી મારી નથી બેઠો. ‘લખી શકું તો લખું હવે કવિતા’ એ કડીમાં આવી સંભાવનાનો ઇશારો છે. અહીં અવઢવ છે અને જાત સાથે શરત પણ છે. જો આમ થઈ શકે તો તેમ બનવાનો અવકાશ છે – એવા તર્કનો દોર ને દારોમદાર છે:

લાવા ઓકતા જ્વાળામુખી પર ઊભીને લખી શકું તો લખું હવે કવિતા. આ શક્ય છે? ઉત્તર ‘ના’માં જ ઊતરે.

શાથી? તો સીધુંસટ વર્ણન છે: બધું જ તળેઉપર કરી નાખતી ધ્રુજારી તો ક્યાંથી લાવું લય?

કંપની વાત ચોક્કસ છતાં ‘ક્યાંથી લાવું લય?’ પદ નાયકની સર્જકતા, સિસૃક્ષા તરફ નિર્દેશ આપે છે. ભૂ–કમ્પ બધું જ તળેઉપર કરી નાખે; જળને સ્થાને સ્થળ, સ્થળને સ્થાને જળ. ઊથલપાથલ કરતી ધ્રુજારીને લયબદ્ધ કરવાની અસંભવિત ઝંખના સર્જકની કાંઈ નહિ તોય ધ્રુજારીની સહોપસ્થિતિ કવિના કલ્પન–સંકલનની ક્ષમતા સૂચવે.

કવિતા લખવા ભાષા જોઈએ. હૃદયકવિ તો ઘણા હોય છે પણ પરિવ્યક્ત કવિનું બ્રહ્માસ્ત્ર એની ભાષા છે. જ્યારે અહીં તો પૃથ્વીપટોળે માઈલો ઊંડે ચાલતા (ચાલતા નહીં અકલ્પ્ય દોડતા) કંપનમાં ભાષા ખુદ અટવાઈ ગઈ છે.

કર્તા પણ ભાષા સાથે ગાઢ સંલગ્ન હોઈ ભાષાભેળો અટવાઈ ગયો છે. વિશુદ્ધ સર્જક માટે ઘટના બને. ઘાંઘો થયેલો તોય આખરે તો કવિ છે એટલે અદૃશ્ય અમૂર્ત તત્ત્વને તાકીને જાણે કહેતો કરગરતો હોય એમ બોલી બેસે છે:

‘એ ભાષાની, આપો મને લિપિ.’

શું આયે શક્ય છે?

પ્રસ્તુત અશક્યતાના ખાતામાંથી જ સંભાવનાનું સુમન કોળતું આછું ઝાંખું ઝંખી શકીએ. નાયકનો સમર્થ દાવો છે. આ

‘મારું ચાલે તો એક ઝીણી લકીરમાં ચીતરું આકાશ’

અહીં ‘ચાલે તો’માં પેલી અવઢવનો ડેરો છે. બાકી સર્જક તો એક ઝીણી રેખામાં, રેખાથી ગગનને આરેખી શકે!

આકાશ કીધું એટલે કેવળ ગગન નહીં, ધરતી સમુદ્રને પણ રેખામાં કંડારવાની અદ્વૈતી ગુંજાયશ છે. પંક્તિ સૂચક છે:

ધરતી–સમુદ્ર–આકાશને હવે હું જુદાં નથી પાડી શકતો.’

પંક્તિને સૂચક શા માટે કહી? અન્યત્ર અને કચ્છમાં ધરતીકંપ થયો અને હજુ ૨૦૦૫માં સુનામીને દુર્નામીને દુર્નામી કહી તેવો સમુદ્રકંપ સંભવ્યો અને હજુ મોટા પાયે આકાશની ગહેરી શક્યતા ડોકિયાં કરતી ખડી છે ત્યારે કર્તાની ૨૦૦૧ની કાવ્યકંડિકા આગાહીનાં અગમ એંધાણ પાલવતી ૨૦૧૬માં ના લાગે?

આ કૌંસમાં ‘દિવસો વીત્યા પછી’ના ટેબ્લો બાદ ત્રીજો (૩) આખરી ખંડ શરૂ થાય છે.

ધરતી–સમુદ્રનો પ્રકમ્પ ઘડીતડીમાં આવીને ચાલ્યો જાય પરંતુ કેવી વિભીષિકા પાછળ મેલતો જાય? નાયક ચિત્કાર ના કરી શકે એવી અવદશામાં મુકાતો જાય, તાત્પર્ય કે ચિત્કાર ડુમાયેલો જ, અધઅધૂરો રહી જાય, પોતે પૂરો પ્રકંપિત થયો છતાં અધૂરો–જ્વાળામુખીના ભારેલા અગ્નિ જેવો? – રહી જાય. ચિત્કાર બરાડવા-આરાડવાનું સ્વાતંત્ર્ય ઝૂંટવી ગયો પ્રકંપ. શાથી? એની અંગતતમ સ્વગતોક્તિને ધાર અપાઈ છે:

–ના, હું ચિત્કારી નહીં શકું,
અટકી ગયેલી શિલાઓ
કદાચ
મારા ચિત્કારથી
ફરી કાટમાળ થઈ ખરવા લાગે!!!

માટે ચિત્કારની તીવ્ર ભાવેચ્છાને ડૂમા લેખે સંઘરવું અનિવાર્ય કર્મધર્મ બની જાય.

રોકાઈ જવાનું કારણ હજુ હાજરાહજૂર છે,

‘–હજુય કંપ શમ્યો નથી,
ડોલે છે બધું,
ઘૂમે છે…’

પરિસ્થિતિની વક્રતા કેવીક? ચિત્કારવું છે પણ એમ નહિ થઈ શકે, કેમ કે કંપનનું અનિચ્છનીય પુનરાવર્તન થાય, તો પછી અભિવ્યક્તિનું શું?

ખુલાસો છે:

એમાં
ક્યાંથી સ્થિર થાય શબ્દ!!!!

‘કાટમાળ ખરવા લાગે’ પછી અને ‘સ્થિર થાય શબ્દ’ પછી ત્રણ ત્રણ આશ્ચર્યચિહ્નો કર્તાનું અરમણીય ઝોકું છે. એક જ, નિયંત્રિત કરવા જેવું કેમ ના લાગ્યું?

અહીં વિ–માર્ગે વળેલો તર્ક છે. બધું આજુબાજુ ડોલતું ઘૂમતું હોય ત્યારે, તો શબ્દ સ્થિર ના થાય એવી પરંપરિત માન્યતા કામ કરી ગઈ હોય છતાં એમ હોઈ શકે કે સર્જક–નાયકની આત્મલક્ષી સર્જનપ્રક્રિયા એવી કે બધું ભમતું હોય ત્યારે એમની કવિતાનો શબ્દ તો સ્થિર ના જ થઈ શકે.

અંતિમ ચોથા કોઠા સમો (૪) ચતુર્થ ખંડ ભાવક ભાવવિભોર થાય એવી વિસ્મયસંભૃત ઘટનાને પ્રત્યક્ષ કરે છે. કાટમાળનો ઢગલો પડ્યો છે. એની સોડમાં નાયક સદ્યપ્રસૂતા માર્જારને નીરખે છે. (અહીં નરસિંહ જેવા ભક્ત પણ ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું?’ નહીં ગાય, નહીં ગાઈ શકે!) એક તરફ મરણોન્મુખ કંપનો કાટમાળ અને એની પડછે, ‘ઓહ! બિલાડીની આંખોમાં ચકરાવા લેતું અગાધ ઊંડાણ’… તાજી વિયાએલી બિલાડીના વર્ણનથી સૂચવાય કે ભૂકમ્પના ધક્કામાત્રથી સુખપ્રસૂતિ થઈ અને જગતમાં એક શિશુનો જન્મ સંભવ્યો. આપણે પણ નાયકની હારે ‘ઓહ!’ કહી રહીએ – કેમ કે કવિએ માર્જારનેત્રોમાં જઈ ‘કૅમેરા ક્લિક’ કરી ‘ચકરાવા લેતું ઊંડાણ’નો પરચો દીધો. ચિત્કારી ના શકાયું એનું (અભિમન્યુવત્) ચકરાવાના વર્ણનથી સાટું વાળી આપ્યું. અહીં ‘અગાધ જેવું વિશેષણ પણ વ્યંજનાસંમત અપેક્ષાની દૃષ્ટિએ સ્ફીત લાગશે.

રમણીક સોમેશ્વરની કૃતિને અભિનંદીએ, જુઓ, ચીનના કવિ શી યુઆનની થોડી દૂર પણ આને મળતી તાસીર અને તસવીર દર્શાવતી કૃતિનો સંસ્કાર–સ્તુલિંગ મારામાં ઝબકી ગયો હાલ:

જલ નજીકનું વૃક્ષ.
કોઈ જતું નથી
એ સૂમસામ સમુદ્રકાંઠે
પેલા એકાકી વૃક્ષને સ્પર્શવા.
વૃક્ષ, બે અડધિયામાં ચિરાઈ ગયેલું
વીજળીથી,
રહી ગયેલું અડધિયું ઊભું છે ગૌરવથી.
તેથી હું એની
નજીક જવાની હિંમત કરતો નથી.
વેલાવીંટ્યા ટેકરાની ટોચ પરથી
હું દૂર નજર નાખું છું.
કોઈ અજાણ્યું પંખી છે,
મૌન ઝળૂંબી રહ્યું છે નીચે
પણ ડાળ પર બેસતું નથી.

(અનુ. ચન્દ્રકાન્ત ટોપીવાળા)

સર્જક સોમેશ્વરની અગાધ ઊંડાણ ધરાવતી બિલાડી પણ શી યુઆનના વૃક્ષ-અડધિયાની જેમ ગૌરવથી ઊભી રહી છે, સુજ્ઞોની સંવેદનામાં. (રચનાને રસ્તે)