અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/નીકળે


નીકળે

રમેશ પારેખ

હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે.

બૉમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે.

કોઈ સપનું છીછરું વાગ્યું હતું
ને જનોઈવઢ સબાકા નીકળે.

સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે.

એ શું કબ્રસ્તાનનું ષડ્યંત્ર છે?
મુઠ્ઠીઓ ખૂલે તે મડદાં નીકળે.

દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે.

વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઈ અશ્મીભૂત શ્રદ્ધા નીકળે.

માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઈ હરએક રસ્તા નીકળે.

‘ર’ નિરંતર મેશ-માં સબડે અને
સૂર્ય પણ નીકળે તો કાળા નીકળે.