અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર પટેલ/ખરતો તારો


ખરતો તારો

રાજેન્દ્ર પટેલ

ખરતો તારો
બ્રહ્માંડનો પડઘો.
પળમાં પહોંચાડે છે
કોઈ અશબ્દ શબ્દ
મારામાં.

ખરતું પીછું
અજાણ્યાં અર્થનો નકશો ઉકેલતું
આકાશ પારના ગીતોનો અર્ત સમજાવતું
મારામાં ઊતરે છે.

ખરતું પાંદડું
માીનો મૂક સંદેશ લઈને
મારા બારણે ટકોરા મારતું જાણે કહે છે:

‘બધા શબ્દ અને અર્થને ઓળંગી જા.’
એનો એ અવાજ
મારા હાડમાં હરહંમેશ ભમતો રહે છે.

ખરતું આંસુ
મારા પર લદાયેલી ધૂળને ધોતું,
ધસમસતું ફરી વળે છે
કાયમને માટે મારા
લોહીના બુંદબુંદમાં.

ત્યારથી
ખરતી દરેક ચીજ
મને જાણે તારા છે
અસીમ અંધારામાં.
કવિલોક: જાન્યુ.ફેબ્રુ. ૨૦૧૦