અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/આપણા દુઃખનું કેટલું જોર?


આપણા દુઃખનું કેટલું જોર?

રાજેન્દ્ર શાહ

         ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર!

ભારનું વાહન કોણ બની રહે? નહીં અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
         સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર. ભાઈ રે.

જલભરી દૃગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતનાં કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર. ભાઈ રે.

આપણે ના કંઈ રંક, ભર્યો ભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણ મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર. ભાઈ રે.

(સંકલિત કવિતા, ૧૯૮૩, પૃ. ૭૮૦-૭૯)