અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/કેવડિયાનો કાંટો (વનવાસીનું ગીત: ૯)

Revision as of 09:24, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે, મૂઈ રે એની મ્હેક, કલેજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો
         ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
         કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે.
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

તાવ હોય જો કડો ટાઢિયો
         કુવાથ કૂલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
         ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે.
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

(સંકલિત કવિતા, પૃ. ૩૧૩)