અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/વર્ષા પછી


વર્ષા પછી

રાજેન્દ્ર શાહ

આ ધરિત્રી,
મેઘનાં આલિંગનોથી વિશ્લથ,
વિશ્વની એકાન્ત કુંજે એકલી જાણે રતિ,
વેગળી વાટે વહ્યો છે મન્મથ.

શ્યામ વનરાઈ સમા વદને
ઝીણાં જલબિંદુ શાં મલકી રહ્યાં પ્રસ્વેદનાં!
દુર્વા થકી અંજાયલાં આ ઝીલ નિર્મલ
અલસ ઊઘડ્યાં નેત્ર ના?!
ખેલના સમયે મીઠી સંતૃપ્તિની મૂર્છામહીં!
સરકી ગયેલું સપ્તરંગી લ્હેરિયું,
વ્યોમના આલોકનો થાતાં સહજ ઉઘાડ
એણે પુનઃ સત્વર પ્હેરિયું.
શું અહો લાવણ્ય એનું,
સુરતશ્રમિતા મુગ્ધ કો લલના તણું,
અંગ પર
ઊંડાણના આનંદની શાંતિ થકી સોહામણું!

ઊડતાં અવકાશ માંહી વિહંગમ,
આ ધરિત્રીના મધુર ઉચ્છ્‌વાસ કેરું
સુભગ તે શું દર્શન!