અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/ઠાગાઠૈયા

Revision as of 06:56, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઠાગાઠૈયા|રાવજી પટેલ}} <poem> ઠાગાઠૈયા ભલે કરે રામ! આપણે તો અલબ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઠાગાઠૈયા

રાવજી પટેલ

ઠાગાઠૈયા ભલે કરે રામ!
આપણે તો અલબત-શરબત ઊંચું મેલ્યું,
ભલે મારું નિર્વાણ ઊડી જાય!
ભલે મને મળે નહીં બ્રહ્મનું બટેરું ભરી છાશ.

દોમદામ પેઢીઓની ગીચતાને
મારે નથી શણગાર પ્હેરાવવા,
એની પર ખીજડા છો ઊગ્યા કરે;
સુગરીઓ ભલે બાંધે ઘર, ભલે સેલ્યૂટ ભર્યા કરે!
આપણે શા ઠાઠ
કવિતાને ઘર શું ને કરવા શા ઘાટ!
કવિતાને મોગરાની ખપે બસ, વાસ.
દોમદામ સાહ્યબી મારે મન ફફડતા પડદા —
ફફડતી ભીંત.
મારે મન હંમેશનાં હવડ કમાડ
ઘટમાળ-બટમાળ કશું નહીં,
સાહ્યબીનો ચ્હેરો હવે સૂર્ય નહીં —
સૂર્ય હવે છાણનું અડાયું મારે મન.
મારે મન કવિતાની સાહ્યબીના સૂરજ હજાર.
ઓરડામાં પડેલો આ અંધકાર ઊંચકું હું કેમ?
તમારે કહ્યે મારા નિજત્વને ફેંકી દઉં કેમ?
મને તો ઘણુંય થાય :
નજીક બેસાડી તારા ઘરને હું કવિતાની જેમ
કશો અર્થ દઉં;
તારી શય્યાને કવિતાની ગંધ દઉં.
કિંતુ વ્યર્થ
તમારે તો સાણસીનો કરવો છે અર્થ.
હું તો માત્ર કવિતાઈ રણનો પ્રલંબ પટ
કેવળ વેરાઈ જાણું પ્રણયની જેમ.
પણ તમારે તો દરિયાનો કરવો છે અર્થ.
હું તો માત્ર,
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર,
હું તો માત્ર
કવિ,
હું તો માત્ર
ઓરડામાં સબડતું આદિ મમી,
હું તો માત્ર
ભૂખથી રિબાતું મારું વલ્લવપુરા ગામ.
હું તો માત્ર
ખાલીબખ નિઃસહાય ૐ
પણ તમારે તો ગણિતનાં મનોયત્ન ગણવાં છે.
મારી પાસે નથી એ ગણિત
મારી પાસે નથી એનો અર્થ
મારી પાસે કવિતાનો નથી કશો નર્થ.
(અંગત, પૃ. ૩૪-૩૫)