અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/આપણે પ્રવાસી પારાવારના

Revision as of 12:37, 22 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આપણે પ્રવાસી પારાવારના

લાભશંકર ઠાકર

આપણે પ્રવાસી પારાવારના
ઠેબાતા પછડાતા
આપણે પ્રવાસી પારાવારના.
અકબંધ કોચલા જેવા
ક્હોવાયેલા
આપણે પ્રવાસી પારાવારના.
અટકાતા
બટકાતા
સંધાતા સમૂહોમાં
પરસ્પરથી સૂંઘાતા
આપણે પ્રવાસી પારાવારના.
ખભા વગરના હાથ વગરના પગ વગરના
પાછળથી ધક્કાતા
અતીતાતા
આપણે પ્રવાસી પારાવારના.
ઉચ્ચારાતા – સંભળાવાતા – સંગ્રહાતા
ભૂંસાતા – ભુલાઈ જવાતા – ઉકેલાતા
આપણે પ્રવાસી પારાવારના.
સંતોના – ભદંતોના – હંતોના – મહંતોના
મનમાં મનોવાતા
પંથાતા
આપણે પ્રવાસી પારાવારના.
આપણે તો દેશ કેવા ગાતા ગાતા દેશાતા
વિદેશાતા
વેશાતા
કાવ્યપુરુષની કિચૂડ કિચૂડ નીકમાં
દિગમ્બરાતા
ભાષાતા
આપણે પ્રવાસી પારાવારના.
૧૭-૬-૧૯૯૮



આસ્વાદ: વીખરાયેલું ધ્રુવપદ – રમણીક સોમેશ્વર

એક તરફ આ બળબળતા ઉનાળાનો તાપ અને બીજી તરફ વલખાં મારી જીવ્યે જતા માણસનો સંતાપ એ બેની વચ્ચે ભીંસાતો હું બેઠો છું આ કાવ્ય લઈને.

જેમની કવિચેતના અક્ષરમેળ-માત્રામેળ છંદો; મધ્યકાલીન દેશીઓ, લયભરી લોકવાણી કે ગીતોમાં ગુંજતી લયધારાને આત્મસાત્ કરવા હંમેશાં તન્મય રહી છે એવા કવિ લાભશંકર ઠાકરની આ રચના છે. ગીત તો ગાઈને જ વંચાય એવું કહેનારા અને મીઠા હલકથી ગીતોનો ગુંજારવ કરી લેનારા આ કવિ એક સ્થળે પોતાની કેફિયત આપતાં કહે છે :

‘જીવનલય અને શબ્દલય અભિન્ન લાગ્યા છે. તારુણ્યના કોઈ તબક્કે આછો આછો વિરોધ અને ક્રમશ: ઉત્કટ સંઘર્ષ આરંભાય. આંતરયુદ્ધ જીવનલય અને યુગપદ્ શબ્દલયનું ખેલાય, સર્જકના અંત:શ્રુતિપટ પર. અછાંદસ-અલ્પછાંદસ કે નર્યા ગદ્યકાવ્યનો આવિષ્કાર ઉક્ત ઘમસાણનો સંકેત છે.’ (સોનેરી ચુંબન, પૃ. ૧૦૦)

હા, તો આપણે અત્યારે જે કાવ્યની વાત કરી રહ્યા છીએ તે પણ કવિના અંત:શ્રુતિપટ પર ખેલાતા જીવનલય અને શબ્દલયના આંતરયુદ્ધના સંકેતો લઈને આવે છે, એક એક પંક્તિ ખોલતા જઈ રસચર્વણા કરવાનું આ કાવ્ય નથી, પણ પદે પદે પ્રવાસ કરી આપ ઓળખની મથામણ કરવાની આ કવિતા છે.

પહેલી જ પંક્તિ વાંચીએ ત્યાં આપણી સ્મૃતિ આપણને લઈ જાય કવિ શ્રી બાલમુકુન્દ દવેના જાણીતા ગીત તરફ –

‘આપણે પ્રવાસી પારાવારના હે… જી’

કવિ લા૰ઠા૰એ મંદ સ્વરે આ ગીત ગાવાનું આરંભ્યું હશે, પણ ‘હે…જી’ની હલક કંઠ સુધી પહોંચે તે પહેલાં જ અંદરના કોઈ ઘમસાણે કવિને રોકી લીધા હશે અને આરંભાયો હશે આમ એક જુદી દિશાનો પ્રવાસ.

પૂર્વસૂરિઓની લયચેતના પાસે થોભવું અને પછી ફંટાઈ જવું, સજાગ રહીને એ કવિ લાભશંકરની કાવ્યરીતિનો એક વિશેષ છે. મને યાદ આવે છે નરસિંહની આ પંક્તિઓ :

‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે’

એ ગાતાં ગાતાં કવિ લા૰ઠા૰ કહી ઊઠે છે :

‘પિચ્છધર ક્યાંથી રે આવે ને પિવડાવે પ્રેમરસ? કામધેનુઓ ભાંભરતી ભાંભરતી ભાષામાં તારી મારી બહેરાશોને ચાટે છે.’

(આઇ ડોન્ટ નો, સર)

તો, આપણી બહેરાશોને ચાટતી કામધેનુનો હંભારવ અહીં પણ સંભળાય છે.

‘આપણે પ્રવાસી પારાવારના’…

હમણાં જ જાણે આકાશ હાથવગું થઈ જશે એવી ધૂનમાં આપણે આ પંક્તિ લયબદ્ધ વાંચવા કે ગાવા લાગીએ એટલામાં કવિ સટાક્ દઈને ભ્રમનું જાળું તોડી નાખે છે :

‘ઠેબાતા પછડાતા’

અડવડિયું ખાઈ જઈએ છીએ આપણે વાંચતાં વાંચતાં. પ્રારંભે જ લયભંગ દ્વારા મોહભંગ. જીવનના વીખરાવને દર્શાવતું વિખેરાઈ જાય છે આખું ધ્રુવપદ — કવિતાનું.

અહીં કવિતાની જે આકૃતિ રચાય છે તે પણ રસપ્રદ છે. ગીતના મુખડાની જેમ ‘આપણે પ્રવાસી પારાવારના’ એ પંક્તિ પુનરાવર્તિત થતી રહે. અને પછી ખોડંગાતી ક્રિયાઓ દર્શાવતાં વર્તમાન કૃદંતો આવતાં રહે. ધીમે ધીમે કૃદંતોમાં ભરતી આવે અને ધ્રુવપંક્તિ દૂર ઠેલાતી જાય. વળી, અતીતાતા, મનોવાતા, પંથાતા, દેશાતા, વિદેશાતા, જેવા કૃદંત-પ્રયોગો સાથે ભાષાનું પોત પણ પલોટાતું અનુભવાય.

માણસ પ્રવાસી તો ખરો પણ જીવન-પારાવારની આંટીઘૂંટીઓ અપાર. અણખૂટ વાંઝણી ઇચ્છાઓ લઈ ઠેબાં ખાતાં ભટક્યા કરવાનું અને રટતા રહેવાનું :

‘આપણે પ્રવાસી પારાવારના’

એક તરફ લહેરાતો સાગર અને બીજી તરફ આપણે તો –

‘અકબંધ કોચલા જેવા કહોવાયેલા’

વહે તે વિશુદ્ધ રહે અને સ્થગિત થાય તે ગંધાય. વિરોધાભાસ વચ્ચેનું આ છે વાસ્તવદર્શન. સુજ્ઞોને વધુ શું કહેવું! અહીં નર્મદ યાદ આવી જાય :

‘ઝટ ડ્હોળી નાખો રે મનજળ થંભ થયેલું’

આ થંભી ગયેલું મનજળ, કોહવાટભરી મનુષ્યચેતના એ કવિની ચિંતા છે. જીવનનો લય જ્યાં લપટો પડી જાય ત્યાં કવિતાનો લય કઈ રીતે સ્થિર થઈ શકે? આમ જીવન અને કવિતાના તૂટતા લયના સંદર્ભો આ કાવ્યમાં જોવા જેવા છે.

લા૰ઠા૰ કહે છે કે, ‘‘માણસનું જીવન અતિ કરુણ અને અતિ હાસ્યજનક છે.’’ અપાર જિજ્ઞાસા અને જાણવા-પામવાની અપરિમેય ઇચ્છા હોવા છતાં માણસ નથી પામી શકતો પોતાને કે નથી પામી શકતો પોતાના વ્યાપ્ત સંદર્ભોને. આ કરુણ વિસંગતિ એની નિયતિ છે. માનવસમુદાયો રચાય છે, પણ કેવા?

‘અટકાતા / બટકાતા / સંધાતા સમૂહોમાં / પરસ્પરથી સૂંઘાતા’

બધું જ કૃતક. માપી માપીને, ફૂંકી ફૂંકીને, સૂંઘી સૂંઘીને રચાતા લટકણા માનવસંબંધો.

અનંતને આરે નાંગરવા ખાબકવાનું છે પારાવારમાં, પણ વિવશતા જુઓ, આ પ્રવાસીઓ તો છે –

‘ખભા વગરના હાથ વગરના પગ વગરના પાછળથી ધક્કાતા અતીતાતા’

આ વાંચતાં વાંચતાં કવિના દીર્ઘકાવ્ય ‘માણસની વાત’ની થોડી પંક્તિઓ યાદ આવી જાય છે. કહું :

‘…હવે હું જાણી ગયો છું કે મારે હાથ હોવા છતાં હાથ નથી પગ હોવા છતાં પગ નથી વાચા હોવા છતાં વાચા નથી.’

આધારો છે પણ કામના નથી. આમ હાથ-પગ-ખભા વગરનો માણસ ધક્કેલાતો, હડસેલાતો અવશ આગળ વધતો જાય છે — (પ્રવાસની આ કેવી પ્રતારણા!) અને ઓગળતો જાય છે પાછળ અતીતમાં. અને પછી –

‘ઉચ્ચારાતા — સંભળાવાતા — સંગ્રહાવાતા ભૂંસાતા — ભુલાઈ જવાતા — ઉકેલાતા’

(ધમણના લયમાં હાંફી જવાય આટલું વાંચતાં) — આમ અટવાતા અને ઉખાણાંની જેમ ઉકેલાતા માણસો — ગૂંગળાતું ને ગૂંચવાતું માનવ-સંવેદન આપણી સામે પ્રત્યક્ષ થતું રહે છે.

કવિના સ્વપ્નલોકમાં તો છે અખંડ મનુષ્ય. આખે આખો સુવાંગ માણસ. માણસનું મન એ કવિને મન તો છે વૈશ્વિક મન. એક નિબંધમાં તેઓ આગવી અદામાં કહે છે :

‘…મહાત્મા લા૰ઠા૰જી કહે છે : મનને વાંચો. રસપૂર્વક, લગનથી વાંચો. આમ વાંચવાથી તેનું શોધન થશે.’ (મૂંઝારો…, પૃ. ૧૨૮)

તો, મન અને મનધારી મનુષ્યના શોધનની આ કવિતા છે. અહીં ‘મનોવાતા’ શબ્દ મુકાયો છે અને તે દ્વારા આપઓળખ ગુમાવી ખંડિત થતા જતા મન અને મનુષ્યની વાત કહેવાઈ છે.

‘સંતોના — ભદંતોના — હંતોના — મહંતોના મનમાં મનોવાતા / પંથાતા’

કેવી કેવી ચુસ્ત જીવનરોધક દીવાલો આમ રચાતી રહે છે અને એમાં વહેંચાતો અને વહેરાતો રહે છે માણસ! આમ પંથાતો અને પોતાના ખરા પંથથી ભટકી જતો માણસ અહીં દર્શાવાયો છે.

ફરી કવિ બાલમુકુન્દને યાદ કરી આપણા કવિ કહે છે :

‘આપણે તો દેશ કેવા ગાતા ગાતા દેશાતા…’

કેવો મોટો વિરોધાભાસ! વર્તમાન સંદર્ભોમાં એ આપણી સામે વધુ ને વધુ ઘટ્ટ થતો જાય છે. દેશના અને તેથી વિદેશના, વેશના અને ગણવેશના અનેકવિધ બદ્ધ સીમાડાઓમાં માણસ વધુ ને વધુ અટવાતો જાય છે. પણ, કવિતા એટલે તો સીમોલ્લંઘન.

જુઓ, આવું વિપન્ન વાસ્તવદર્શન કરાવતાં કરાવતાં કવિ આપણને લઈ જાય છે એક એવા પ્રદેશમાં જ્યાં સંપ્રદાય — સંસ્કૃતિ — દેશ-વેશના બધા જ કૃતક વાઘા ઉતારી નિર્વચન થઈ શકાય — પરિશુદ્ધ થઈ શકાય.

‘કાવ્યપુરુષની કિચૂડ કિચૂડ નીકમાં દિગમ્બરાતા ભાષાતા આપણે પ્રવાસી પારાવારના’

આભાસી વસ્ત્રોનું સરી જવું, નિર્વસન થવું એટલે નવો જન્મ પામવો. દિશાઓના અંબર ઓઢી દશે દિશામાં વિસ્તરવાની, નવી ભાષા દ્વારા નવોન્મેષની આ છે અનોખી કવિતા.

‘કાવ્યપુરુષ’ની વાત લા૰ઠા૰ની કવિતામાં જુદી જુદી રીતે આવતી રહે છે. કાવ્યપુરુષ — કવિ — સરસ્વતીનો પુત્ર. આલંકારિકોએ કાવ્યપુરુષને ‘સાલંકાર ધન્ય’ કહ્યો છે. કવચ-કુંડળ સાથે જન્મેલા કર્ણની જેમ કાવ્યપુરુષ પણ અલંકારોની સાથે જ જન્મ્યો છે. એટલે કે એને કોઈ બાહ્ય અલંકારોથી વિભૂષિત થવાની જરૂર નથી. કાવ્યપુરુષનું હોવું એ જ એની અલંકૃતિ. વળી, કાવ્યપુરુષની ઉત્પત્તિ સંદર્ભે રાજશેખરે એવું કહ્યું છે કે બ્રહ્માના વરદાનથી સરસ્વતીએ કાવ્યપુરુષને જન્મ આપ્યો અને એણે જન્મતાની સાથે જ મા સરસ્વતીના ચરણોમાં વંદન કરીને છંદોબદ્ધ વાણીમાં કહ્યું : ‘‘હે માતા, આ સમગ્ર વાઙ્મય વિશ્વ જેના દ્વારા અર્થના વિવિધ રૂપો ધારણ કરે છે તે હું કાવ્યપુરુષ તારા ચરણોમાં વંદન કરું છું.’’ તો, આમ જે નિરર્થક જીવનને પણ નવા નવા અર્થો આપે છે તે કાવ્યપુરુષ છે.

કાટ અને કોહવાટના રુગ્ણ કિચૂડાટોને વળોટી, કાવ્યપુરુષની ખળખળ વહેતી કિચૂડ કિચૂડ નીકમાં લઈ જઈને અવશુદ્ધ મનુષ્યચેતનાને કવિતા દ્વારા અસીમમાં પુન:સ્થાપિત કરતી આ કવિતા ખોવાયેલા ધ્રુવપદનું અનુસંધાન રચતી કવિતા છે. (‘પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016’)