અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વાડીલાલ ડગલી/વર્ષા પછી દલ સરોવર

વર્ષા પછી દલ સરોવર

વાડીલાલ ડગલી

સંધ્યાવાયુની મંદ ફરફરે
સ્થિર દલ સરોવરમાં
ભરત ચીતર્યું.

વાયુનું આ જળશિલ્પ
કહી જાય છે કે અહીં સરોવર છે.

વર્ષાવેળાએ
હિમાલયમાં જામેલા નવા બરફ પર
જતા સૂર્યનો પ્રકાશ ચમકે છે.

હમણાં હજુ રૂમઝૂમ નાચતી હતી
તે પરીઓ સરોવરોમાં ચાલી ગઈ.

સરોવરકાંઠે
ભીંજ્યો દેહ સંકોચીને
એક કબૂરત બેઠું છે,
પાંખ જળ તરફ,
મોં ધરતી તરફ,
જતાં જતાં
એની ચાંચ
લાવણ્યની ચણ ચણી રહી છે.