અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વાડીલાલ ડગલી/સ્વામી આનંદ

સ્વામી આનંદ

વાડીલાલ ડગલી

ગુલાબના ગુચ્છ જેવું મોં, ભીંતની આરપાર જોતી
જળાળી આંખો, જિંદગીના વાવાઝોડામાં હિમાલયની
ટોચ સુધી ઊછળેલું અને વસઈની ખાડીમાં પછડાયેલું
પણ સારી પેઠે સાચવેલું રિટાયર્ડ રાજવી જેવું બાંધી
દડીનું સોહામણું શરીર એક ચાંપ દાબે તો મોંમાંથી
ગોળનું ગાડું છૂટે અને બીજી ચાંપ ચાબે તો જીભમાંથી
ડંગોરો નીકળે. વેશ એવો કે સાધુયે નહીં ને સંસારીયે
નહીં ીકી ટીકીને જોયા જ કરવાનું મન થાય. મૂંગા
બેઠા હોય તોય લાગે કે આ તો કયા મલકની માયા! બોલે
ત્યારે લોકડિક્ષનરીના શબ્દો ધામીની જેમ ફટફટ ફૂટવા
માંડે. મામસ એકલો; પણ સ્ટેઈજ વિના, લાઇટ વિના,
ડ્રેસ વિના અને બીજાં ઍક્ટર ઍક્ટ્રેસો વિના ગાંધી
મહાત્માના નાટકનાં દૃશ્યો દેખાડતો જાય. કામ પતાવી
વિદાય થાય તેપછી પણ ઓરડામાં બાંયો ચડાવેલી
ચેતનાના લિસોટા મેલતો જાય.