અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ અધ્વર્યુ/ઘટ છલક છલક છલકાય

From Ekatra Wiki
Revision as of 07:41, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}ઘટ છલક છલક છલકાય, છોળ ઊડે ને છાંટે મારો ઘૂંઘટપટ ભીંજાય: ઘટ. {{spac...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

         ઘટ છલક છલક છલકાય,
છોળ ઊડે ને છાંટે મારો ઘૂંઘટપટ ભીંજાય: ઘટ.

         પનઘટ પાણી ભરતાં ફરકી આંખ અચાનક મારી
         રાગે રણકો બજે, બેડલે કોણે કાંકરી મારી?
સરે સીંચણિયું, ગાગર અરધી અમથી ઢોળઈ જાય: ઘટ.

         બેડું અધૂરું તોય ભાર ક્યમ આજે ના ઊંચકાયો?
         વણઅણસારે વળી હાથ દેવા એ હસતો આયો;
માંડ ઈંઢોણી મૂકું મૂકું ત્યાં સાળુ સરકી જાય: ઘટ.

         અસ્થિર ડગલે હલે બેડલું; પીઠ પલળતી લાગે,
         કે નટખટ આંખોથી નવેલી નજરની છાલક વાગે?
મીઠું મહિયર મનમાન્યું પણ પગલાં પાછાં જાય. ઘટ.

(ગીતિકા, પૃ. ૨૩૮)