અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિપાશા /એક કાવ્ય (મગજ ખીલે...)


એક કાવ્ય (મગજ ખીલે...)

વિપાશા

નોંધઃ મને ખબર હતી મારું મગજ બદલાતું’તું, એને મનગમતી દવાઓ નો’તી આપતી એ કારણે. કોક વાર મોજમાં હોય તો કોક વાર ચિડાય આ મારું મગજ. હું બેઠી જોતી’તી દવાવિહોણા મગજના ખેલો. હું જોયા કરત ને જીવ્યા કરત, મારી મેળે, મગજ અને દવાનાં રિસામણાં-મનામણાં જોતી. ક્યારેક તો બંધ થાત આ રિસામણાં. ત્યાં જ લોકોની નજર પડી અમારા પર. એ લોકો ના સમજ્યા કે આ વાત મારી ને મારા મગજ વચ્ચેની છે. એ લોકો મારા મગજની નકલ કરવા માંડ્યા. જ્યારે મારું મગજ રિસાય દવાવિહોણી સ્થિતિથી, ત્યારે એ લોકો મારાથી રિસાય, મારું ધ્યાન દવાઓ ને મગજનાં રિસામણાં-મનામણાં ઉપરથી હટાવવા. એ લોકોએ એમ પણ નક્કી કરી લીધું કે મને લોકો સાથે જીવતાં નથી આવડતું, એટલે એમણે મને જીવતાં શિખવાડવાનું બીડું ઉપાડી લીધું. હવે દવાવિહોણા રિસાયેલા કે માનેલા મગજ અને મને જીવન જીવવાનું શિક્ષણ આપવા આતુર લોકોની વચ્ચે આમથી તેમ દડ્યા કરું છું.
મગજ ખીલે કારણ વગર.
મગજ બિડાય કારણ વગર.
હું ખુશ રહું કે કારણ નથી.
લોકો મૂંઝાય
કારણ વગર,
જોઈ મારું મગજ
ખીલતાં
બિડાતાં
કારણ વગર.
લોકો કારણ ઊભાં કરે કારણ વગર.
હું વીફરું
કારણ વગરનાં
કારણ પર.
લકો છૂંદાય,
કારણ વગરનાં કારણ ઊભાં કરી.
હું છૂંદું
એ લોકોને, એ કારણોસર,
કારણ
વગર
ખીલતા
બિડાતા મગજને અકબંધ રાખવા.
એતદ્