અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શ્રીકાન્ત શાહ/એક બંધ મુઠ્ઠીનો વૃદ્ધ


એક બંધ મુઠ્ઠીનો વૃદ્ધ

શ્રીકાન્ત શાહ

એક વખત બસ! આખ્ખેઆખ્ખા દિવસને લઈ
મુઠ્ઠીમાં હું...
તને કહું કે ચાલ! આપણે સૂરજ થઈને
તડકો થઈને
વહેતા વહેતા
એકબીજાના ઝાંખા-પાંખા ઘરડા ચહેરે
એકબીજાને ઝળહળ-ઝળહળ લીંપી દઈએ.
બોખું બોખું સાવ અમસ્તું હસતાં હસતાં
ભીંજી જઈએ
રીઝી જઈએ.
એક વખત બસ! થોડાં આંસુ, થોડાં ડૂસકાં, થોડા ટહુકા
થોડા થોડા એકબીજાના છણકા-મણકા
થોડી ચણભણ
થોડી અનબન
થોડી થોડી ઉજાગરાની કલબલ-કલબલ
થોડા થોડા હિસ્સા-કિસ્સા
થોડા મારા... થોડા તારા એકલદોકલ શ્વાસો લઈને
થોડી તું ને થોડો હું ને થોડું થોડું
મરક મરકતું ઘર ને થોડો
અડસટ્ટો અસબાબ અને આ
ચડ્યા-ઊતર્યા ખૂણે પડેલા જોડા.
એક વખત બસ! એક વખત તો...
ચાલ આપણે...
થોડા થોડા એકબીજામાં જીવી લીધાના
સરવાળા લઈ...
ખાલીપાના ખૂણે પડેલા
ખાલીપાને...
માલીપાથી ભરીએ.
પરબ, મે ૨૦૧૪