અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સંદીપ ભાટિયા/મારી નીંદરમાં વ્યાપ્યાં અંધારાં


મારી નીંદરમાં વ્યાપ્યાં અંધારાં

સંદીપ ભાટિયા

મારી નીંદરમાં વ્યાપ્યાં અંધારાં
મા મારી પાંપણની બારસાખે ટાંગી દે વારતામાં ટમટમતા તારા

આયખાના બંધબંધ ઓરડામાં મા મને એકલું જાવાને લાગે બીક
આંગળી ઝાલીને તારાં હાલરડાં ચાલતાં’તાં ત્યાં લગી લાગતું’તું ઠીક
મેળાની ભીડમહીં ખોવાયા મા હવે મારાં સૌ સપનાં નોંધારાં
મારી નીંદરમાં વ્યાપ્યાં અંધારાં.

લખભૂંસ છેકછાક એટલી કરી કે નથી ઊકલતો એક મને અક્ષર
પાસે બેસાડી તું એકડો ઘૂંટાવે એ આપ ફરી સોનાનો અવસર
ઝાઝેરું જાણવાની કેડીઓમાં મા હવે અટવાઈ ઊભા વણજારા
મારી નીંદરમાં વ્યાપ્યાં અંધારાં.
ઑગસ્ટ-સપ્ટેમ્બર, કવિતા