અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/પ્રવીણ જોષીને અલવિદા

Revision as of 08:24, 16 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રવીણ જોષીને અલવિદા|સિતાંશુ યશશ્ચંદ્ર}} <poem> ક્યાં ચાલ્યો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રવીણ જોષીને અલવિદા

સિતાંશુ યશશ્ચંદ્ર

ક્યાં ચાલ્યો તું સાહ્યબા આમ સૂનો મૂકી મ્હેલ રે,
હજી તો અધવચ દૃશ્ય ખેલંદા હજી તો અડધો ખેલ રે.

સુહૃદ, ન પૂછ્યું ના કહ્યું અને આમ અધવચ બદલી વાટ રે,
ઉફરાંટો તને લઈ ગયો કહે દિલનો કયો ઉચાટ રે?

ઉચાટ અજંપા યોજના અરમાન યત્ન સંકલ્પ
મબલક તારાં સોણલાં, તને રાત મળી, નટ, અલ્પ.

અમે તો સૂતાં રહ્યાં જ ગાફિલ નીંદ-પછેડો ઓઢ રે,
અરે મસ્તક ફોડી પેટાવ્યું તેં લાલ રંગનું પરોઢ રે.

ઝાઝા વેશ કરીને, મદભર તેં ખુટાડી રાત રે,
પણ આમ લોહીના સૂરજથી રે નો’તું કરવું પ્રભાત રે.

મસ્ત, છબીલો, દુલ્લો રાજા, મોહક, મનનો મીણ રે,
હોઠ-ખૂણે સ્મિત, નેન-ખૂણે વીજ, રંગરાજવી પ્રવીણ રે.

તોરભરી નારંગી હડપચી, ભમર પે લીલું જ્ઞાન,
આંખ માંહે નર્યાં આસમાન – એ છે આજની એની પહેચાન.

ઝલમલ ઝલમલ પ્રભાત થાતું ત્યાં જ તું ડૂબ્યો ભાણ રે,
હવે કોણ મને કરશે રે નાટક લખવા ઝાઝી તાણ રે?

એ તખ્તો ભરી તારું હોવું, તારા પડદાના પાડ-ઉપાડ રે,
અરે હવે નબાપા શબ્દોને કોણ કરશે મનભર લાડ રે?

એ તારી મદભર મહેફિલો, એ તારાં મોકળાં હસવાં રે,
અરે નવા લોકનાં નવાં નાટ્યને ફરીને ઇજન એવાં મળવાં રે.

તારી ચેહની લાગી ઝાળ સાહ્યબા, હવે ઊપટ્યો મનનો રંગ રે,
મન, પડદો પાડો, ચલો હવે નેપથ્યે કરશું સંગ રે.
૧૯-૨૦ જાન્યુઆરી ૧૯૭૯