અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુંદરજી બેટાઈ/બંદર છો દૂર છે! (અલ્લા બેલી, અલ્લા બેલી)

From Ekatra Wiki
Revision as of 05:04, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


બંદર છો દૂર છે! (અલ્લા બેલી, અલ્લા બેલી)

સુંદરજી બેટાઈ

અલ્લા બેલી, અલ્લા બેલી,
         જાવું જરૂર છે,
         બંદર છો દૂર છે!

બેલી તારો, બેલી તારો,
         બેલી તારો તું જ છે,
         બંદર છો દૂર છે!

ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
         તારા હૈયામાં જો સાચી સબૂર છે,
         છો ને એ દૂર છે!

આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા;
         મધદરિયો મસ્તીમાં છો ને ચકચૂર છે;
         બંદર છો દૂર છે!

આંખોના દીવા બુઝાવે આ રાતડી,
ધડકે ને થડકે જે છોટેરી છાતડી;
         તારી છાતીમાં જુદેરું કો શૂર છે,
         છો ને એ દૂર છે!

અલ્લા બેલી, અલ્લા બેલી,
         જાવું જરૂર છે;
         બંદર છો દૂર છે!

બેલી તારો, બેલી તારો,
         બેલી તારો તું જ છે.
         બંદર છો દૂર છે!

(વિશેષાંજલિ, ૧૯૫૨, ૧૬૯-૧૭૦)