અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/પાનબાઈ!


પાનબાઈ

સુધીર પટેલ

જેમ જેમ ઊતરે છે ગહેરાઈ, પાનબાઈ!
એમ એમ પામે છે ઊંચાઈ, પાનબાઈ!

દીપ નથી તોય થઈ ગયું બધે અજવાળું,
ફૂલ વગર ફોરમ પણ ફેલાઈ, પાનબાઈ!

આમ જુઓ તો ટૂકડે ટૂકડા છે જગ આખું,
ને આમ સકળ દીસે અખિલાઈ, પાનબાઈ!

એ જ ક્ષણે જાત બચાવી લેવાની હોય–
જે ક્ષણ હોય કરમની કઠણાઈ, પાનબાઈ!

આઠે પહોર હવે મિલનની વેળા ‘સુધીર’,
જન્મારે ક્યાંય નથી જુદાઈ, પાનબાઈ!

(જળ પર લકીર)