અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ જોષી/અંધકાર

From Ekatra Wiki
Revision as of 17:01, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> આજે હું તારા અંધકાર સાથે બોલીશ. તારા હોઠની કૂણી કૂંપળ વચ્ચેનો આછ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આજે હું તારા અંધકાર સાથે બોલીશ.
તારા હોઠની કૂણી કૂંપળ વચ્ચેનો આછો કૂણો અંધકાર,
તારા કેશકલાપનો કુટિલ સંદિગ્ધ અંધકાર,
તારા ચિબુક પરના તલમાં અંધકારનું પૂર્ણવિરામ.
તારી શિરાઓના અરણ્યમાં લપાયેલા અંધકારને
હું કામોન્મત્ત શાર્દૂલની ગર્જનાથી પડકારીશ;
તારા હૃદયના અવાવરુ કૃપણ ઊંડાણમાં વસતા જરઠ અંધકારને
હું ઘુવડની આંખમાં મુક્ત કરી દઈશ;
તારી આંખમાં થીજી ગયેલા અંધકારને
હું મારા મૌનના ચકમક જોડે ઘસીને સળગાવી દઈશ;
વૃક્ષની શાખામાં ઓતપ્રોત અંધકારનો અન્વય
તારાં ચરણને શીખવીશ.
આજે હું અંધકાર થઈને તને ભેદીશ.

ઇતરા