અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ દલાલ/તમે કહો તે સાચું વ્હાલમ!

Revision as of 10:06, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
તમે કહો તે સાચું વ્હાલમ!

સુરેશ દલાલ

તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!
ફાગણમાં શ્રાવણના જલને ઝીલી લ્યો અણધાર્યાં!

અમને એમ હતું કે તમને
વેણીનાં ફૂલો સંગાથે પ્રીતે ગૂંથી લેશું,
તમને એવી જિદ કે વનનો છોડ થઈને રહેશું;
તમને કૈંક થવાના કોડ,
અમને વ્હાલી લાગે સોડ;
જરીક તમારે સ્પર્શ અમે તો સાતે સ્વર ઝંકાર્યા,
તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!

અમને એમ હતું કે સાજન!
કલકલ ને કલ્લોલ ઝરે એ વ્હેણ થઈને વ્હેશું,
તમને એક અબળખા : એકલ કાંઠો થઈને રહેશું;
તમારાં અળગાં અળગાં વ્હેણ,
અમારાં એક થવાનાં ક્‌હેણ;
એકલશૂરા નાથ! અમે તો પળેપળે સંભાર્યા;
તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!