અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ દલાલ/તમે કહો તે સાચું વ્હાલમ!

From Ekatra Wiki
Revision as of 11:46, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં! ફાગણમાં શ્રાવણના જલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!
ફાગણમાં શ્રાવણના જલને ઝીલી લ્યો અણધાર્યાં!

અમને એમ હતું કે તમને
વેણીનાં ફૂલો સંગાથે પ્રીતે ગૂંથી લેશું,
તમને એવી જિદ કે વનનો છોડ થઈને રહેશું;
તમને કૈંક થવાના કોડ,
અમને વ્હાલી લાગે સોડ;
જરીક તમારે સ્પર્શ અમે તો સાતે સ્વર ઝંકાર્યા,
તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!

અમને એમ હતું કે સાજન!
કલકલ ને કલ્લોલ ઝરે એ વ્હેણ થઈને વ્હેશું,
તમને એક અબળખા : એકલ કાંઠો થઈને રહેશું;
તમારાં અળગાં અળગાં વ્હેણ,
અમારાં એક થવાનાં ક્‌હેણ;
એકલશૂરા નાથ! અમે તો પળેપળે સંભાર્યા;
તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!