અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિકૃષ્ણ પાઠક/નેજવાંની છાંય તળે

Revision as of 10:12, 23 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નેજવાંની છાંય તળે

હરિકૃષ્ણ પાઠક

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મંન,
કરચલીએ કરમાયાં કાયાનાં હીર
તોય ફૂલ જેમ ખૂલ્યું છે મંન
આંગણામાં ઊગ્યો છે અવસરનો માંડવો
ને ફરફરતો તોરણનો ફાલ,
એવું લાગે રે ઘડી, ઊગી છે આજ ફરી
વીતેલી રંગભરી કાલ!
છોગાંની શંકાએ માથે ફેરીને હાથ
ખોળે ખોવાયેલું ગવંન.
ઠમકાતી મંદ ચાલ ઘરમાં ને બારણે
ને છલકાતું એ જ નર્યું રૂપ,
કંકુનાં પગલાંમાં મ્હોરી ગૈ વાત
જેને રાખી'તી માંડ માંડ ચૂપ!
સમણાંને સાદ કરી, હુક્કો મંગાવ્યો જરી,
ઘૂંટ ભરી પીધું ગગંન.
નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મંન.
(સૂરજ કદાચ ઊગે, પૃ. ૬)