અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/ચરણ રૂકે ત્યાં કાશી

From Ekatra Wiki
Revision as of 10:00, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી, {{space}}ઝાકળનાં બિંદુમાં જોયો {{space}}{{space}...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

         જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી,
         ઝાકળનાં બિંદુમાં જોયો
                  ગંગાનો જલરાશિ.

જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર;

         થીર રહું તો સરકે ધરતી
         હું તો નિત્ય પ્રવાસી.

સ્પરશું તો સાકાર, ન સ્પરશું તો જે ગેબી માયા,
હું જ ઉકેલું, હું જ ગૂંચવું, એવા ભેદ છવાયા;

         હું જ કદી લપટાઉં જાળમાં
                  હું જ રહું સંન્યાસી.

હું જ વિલાસે રમું, ધરી લઉં છું જ પરમનું ધ્યાન;
કદી અચાનક રહું, જાચી લઉં કદી દુષ્કર વરદાન;
         મોત લઉં હું માગી, જે પળ,
                  લઉં સુધારસ પ્રાશી!