અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/નેણ ના ઉલાળો

નેણ ના ઉલાળો

હરીન્દ્ર દવે

નેણ ના ઉલાળો તમે ઊભી બજાર
         અહીં આવે ને જાય લાખ લોક,
મરકે કો ઝીણું, કોઈ ઠેકડી કરે ને વળી
         ટીકીટીકીને જુએ કોક.

અમથા જો ગામને સીમાડે મળો તો તમે
         ફેરવી લિયો છો આડી આંખ,
આવરો ને જાવરો જ્યાં આખા મલકનો
         ત્યાં આંખ્યુંને કેમ આવે પાંખ!
લાજને ન મેલો આમ નેવે કે રાજ
         અહીં આવે ને જાય લાખ લોક.

નેણના ઉલાળામાં એવું કો ઘેન
         હું તો ભૂલી બેઠી છું ચૌદ લોક,
પગલાં માંડું છું હું તો આગળ, ને વળીવળી
         પાછળ વંકાઈ રહે ડોક,
આવી ફજેતી ના હોય છડેચોક
         અહીં આવે ને જાય લાખ લોક.