અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/રદીફ-કાફિયા ૫૪ (એ ધનુષ ને...)


રદીફ-કાફિયા ૫૪ (એ ધનુષ ને...)

હરીશ મીનાશ્રુ

એ ધનુષ ને એ જ ટંકારો ફરી
આજ ઘેરાયો છે જન્મારો ફરી

એક ક્ષણને વેર જૂનાં સાંભર્યાં
ઊડવાની આજ તલવારો ફરી

પ્રેમનું પીંજણ તે ઝાઝું શું કરું
મનમાં પેઠો એક પીંજારો ફરી

હંસને સરપાવમાં સરવર મળે
જ્યાં ફટકિયાં મોતીનો ચારો ફરી

કૈ સદીથી બંધ દરવાજો ખૂલ્યો
દે નવી રીતે એ જાકારો ફરી

આટલું ચાતકને કહેજો સાનમાં
ચંદ્ર થઈ ઊગ્યો છે અંગારો ફરી

બે ઘડી આડાં પડ્યાં કે થઈ રહ્યું
આદર્યો છે જાણે સંથારો ફરી

આજ દર્પણનો તને ભેટો થશે
કેટલો વસમો છે વર્તારો ફરી

જેને કોઈ ના કથે કે ના સૂણે
એ કથાને ભણવો હોંકારો ફરી

હાથમાં ઝાલી કલમ એ કારણે
ગીરવે મૂક્યો છે કેદારો ફરી