અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/રદીફ-કાફિયા ૬૧ (જીવતર તો...)


રદીફ-કાફિયા ૬૧ (જીવતર તો...)

હરીશ મીનાશ્રુ

જીવતર તો નમણું મ્હેણું છે, તાળાકૂંચીમાં સાચવજો
લ્યો અટકળ એક ઘરેણું છે, તાળાકૂંચીમાં સાચવજો

કે હાથ વચોવચ નદી જડે
કે પળ સોંસરવી સદી જડે
પરભવનું લેણું દેણું છે, તાળાકૂંચીમાં સાચવજો

પંખીના દેશવટા તૂટ્યા
સગપણ ઝીણાં ઝીંગોર છૂટ્યા
મળવાનું આવ્યું કહેણું છે, તાળાકૂંચીમાં સાચવજો

આ તેજ-તિમિરમાં અણધારું
કૈં પસાર થાતું પરબારું
સપનું એની પદરેણુ છે, તાળાકૂંચીમાં સાચવજો