અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/શબદ


શબદ

હરીશ મીનાશ્રુ


સંતને સર્વનાં નિત્યનાં નોતરાં
પૂરવના પવન પ્રગટ્યા પરોણા બની
ગંધનાં પંથ ને ફૂલનાં ચોતરા

જેણે ઝાકળ વીંટેલી અગનપામરી
ઉર ધરી, પ્રિયને ઢોળી હો ચામરી
નયનનાં ભવન ત્યાં ઝળહળે સોંસરાં
એહને ઉંબરે સંતની ચાખડી
તાપ જેણે તપ્યા ચીતરા ઓતરા

સ્નેહ-સાકર ભળે જેમ કંસારમાં
સત્તસંગત : રૂડો સ્વાદ સંસારમાં

કોણ ફાકે કઠણ કાળના કોદરા
જે અમીકોળિયે નંદ પામે અતિ
પલકમાં પરહરિ ફંદ ને ફોતરાં

નવલખાં આંસુનાં બુંદ લોહ્યાં, અરે
ઓઘરાળા થકી મુખ સોહ્યા કરે

નામ પૂછી, પૂછી ગામ ને ગોંદરા
શેઠનો શેઠ તે ઠેઠ આવ્યો પછી
વેઠ શાને કરે વ્રેહવાણોતરા?

(ચૂંટેલી કવિતાઓઃ હરીશ મીનાશ્રુ)