અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હેમલતા ત્રિવેદી/કોરી કટ્ટાક હું તો કેવડાની તીજ


કોરી કટ્ટાક હું તો કેવડાની તીજ

હેમલતા ત્રિવેદી

કેવડાને વંન હું તો ગઈ’તી મોરી સૈયર
રંગ પીળો પાંપણે છાયો જી રે!
લીલો ચટ્ટાક નાગ સરક્યો કઈ ક્યારીએ
હું આવી, ઈ ઓરો ઓરો આયો જી રે!
કોરી કટ્ટાક હું તો કેવડાની તીજ
મારે ભીને અંબોડે લોભાયો જી રે!
સાવનરી ઘેરઘટા નીતરી રૈ નૈનથી
બબ્બે પારેવે છુપાયો જી રે!
આણું લઈ આવશે પરણ્યો પરેશથી
મારો તે માંયલો મુંઝાયો જી રે!
કોને રે દુભવું ને કોને રે રીઝવું
ચિત્તડાનો ચાટલો ચોરાયો જી રે!