અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘ધૂની’ માંડલિયા/લાજ રાખી છે


લાજ રાખી છે

‘ધૂની’ માંડલિયા

ભરી ખુશ્બૂ ફૂલેફૂલમાં બહારે લાજ રાખી છે,
અને ફૂલને મઢી મોતી તુષારે લાજ રાખી છે.

સુરાહી આંખમાં ઊલટી અને હું લડબડ્યો, કિન્તુ —
સમયસર મિત્ર! સાકીના સહારે લાજ રાખી છે.

નિહાળી રૂપ રજનીનું ગયો જ્યાં ચંદ્ર સંતાઈ,
બની શણગાર આકાશી સિતારે લાજ રાખી છે.

સમંદરની ઊછળતી ઊર્મિઓ પાગલ બની ભટકત,
પ્રબળ મોજાં ઝીલી એનાં કિનારે લાજ રાખી છે.

નહીં તો કોણ સૂરજના કિરણને દેત આલિંગન
પૂરી સિંદૂર સેંથીમાં સવારે લાજ રાખી છે.
(માછલી સાથે જ દરિયો નીકળ્યો, પૃ. ૭)