અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કિસ્મત' કુરેશી /ખોઈ નાખ્યું

From Ekatra Wiki
Revision as of 17:00, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> તમારા પ્રણયનું ઝરણ ખોઈ નાખ્યું, અમીદૃષ્ટિનું આવરણ ખોઈ નાખ્યું....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

તમારા પ્રણયનું ઝરણ ખોઈ નાખ્યું,
અમીદૃષ્ટિનું આવરણ ખોઈ નાખ્યું.

ફળી એ રીત પણ ન દર્શનની આશા,
સ્વપ્ન શોધવા જાગરણ ખોઈ નાખ્યું.

ક્ષિતિજ પર હતાં ઝાંઝવાં લાલસાનાં,
મૂકી દોટ સુખનું હરણ ખોઈ નાખ્યું.

રતન પામવા ડૂબકી દીધી જળમાં,
ને નૌકાનું સુખભર તરણ ખોઈ નાખ્યું.

અશ્રદ્ધાએ તાવીજ મુજ લૂંટી લીધું,
મેં અણમોલ કંઠાભરણ ખોઈ નાખ્યું.

અવાચક પડ્યો છું જગત-ચોક વચ્ચે,
રટણ ખોઈ નાખ્યું, શરણ ખોઈ નાખ્યું.

નથી ખૂટતી વાટ જીવનની કિસ્મત,
કે જાણે અમે તો મરણ ખોઈ નાખ્યું!

(મકસદ, ૧૯૮૬, પૃ. ૨૨)