અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/ધન્ય ભાગ્ય

From Ekatra Wiki
Revision as of 16:11, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન : અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન :
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્‌હાન!

ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ; આ તો માગત દાણ. — બાઈ રે
.
કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન. — બાઈ રે.

ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઈ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઈ!
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ! — બાઈ રે.