અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/સાતમો કોઠો

સાતમો કોઠો

`ઉશનસ્' નટવરલાલ પંડ્યા

સ્ટીલની થાળીમાં રોજ
હું જે ચોખા વીણા આપું છું આ લોકોને
તેની ખાતી વખતે મારા ભાણામાં એક દાણોય
કેમ દેકાતો નથી?
(ચોખાના દાણા જે વીણતા વેરાયા’તા
તે કીડીના દરમાં, ને ચકલીની ચાંચમાં...પણ...)
તગારા ઊંચકી ઊંચકીને મેં જ
આ ઘરનું છાબું ભર્યું છે, મેં ને મારા ધણીએ
મારા પેટનું તગારું તો તડાતડ, તોય.
પણ આ પેટમા ં છે એના માટે હજી
અમારે આ લોક જેવું ઘર કેમ નથી?
અલ્યા, કોઈ મને આલોને નગારું કે પાદરે જઈને વગાડું
અમે જ વણ્યું છે વળી આખાયે સમાજનું
પાની ઢંક ઊજળું વસ્ત્ર, અમેસ્તો...
ક્યાં ગયા એ બધા આખા તાકાના તાકા,
અમારા જ વણેલા?
કોણ દુઃશાસને ભરી સભામાં અમારું છેલ્લુંય
લજ્જાવસ્ત્ર અંગ ઉપરથી ઉતારી લીધું છે?
હું મારા પેટમાં એક અભિમન્યુને ઉછેરું છે.
એને મેં આવડતા’તા તે તમામ
છયે છ કોઠા-પ્રારબ્ધના સ્તો-પેટમાં પઢાવી દીધા છે
પણ નવો પાઠ, સાતનો કોઠો
મને લાગે છે કે હજી બીજી સાત પેઢી તો આમ જ...



આસ્વાદ: દ્રૌપદી–ઉત્તરાનો વિરલ સંગમ – રાધેશ્યામ શર્મા

કવિ જેટલો ‘કમિટેડ ટુ પોએટ્રી’ હોવાની અપેક્ષા રખાય છે એટલી ‘એક માનવીને લેખે’, ‘કમિટેડ ટુ હ્યુમેનિટી’ હોવાની અપેક્ષા આવકાર્ય બનવી ઘટે. આધુનિક માનદંડો અને સર્જનાત્મક ધોરણો વિશે એવા કૃતક ખ્યાલો પ્રવર્તે છે કે જે ‘કમિટમેન્ટ’ સાથે લખે એને કળાના પ્રદેશમાંથી દેશનિકાલ આપવો! પણ જો–કમિટમેન્ટ–પ્રતિબદ્ધતા માત્ર નિષેધરૂપ મનાતી હોય તો કવિતા પ્રત્યેનું નકરું ‘કમિટમેન્ટ’ પણ ઉપાદેય ના મનાય.

‘કમિટમેન્ટ’ જીવન કે કવિતા સાથેનું હોવાથી જ તે કવિતાકૃતિ કાંઈ કળાકૃતિ બની જતી નથી. કળા, આદિકાળથી સ્વ–તંત્ર, આત્મનિર્ભર અને બહુવિધ આકારો લઈ વીજઝબકારા વેરી જતી છટકિયાળ છબીલી વસ રહી છે! આમ કરવાથી કે તેમ કરવાથી તે હસ્તગત થશે એવી નિશ્ચિત આગાહી નહીં થઈ શકે. આવી રસકીય અનિશ્ચિતતા(Aesthetic Contingency)ના કારણે પ્રસ્તુત પ્રદેશમાં અનંત સંભાવનાઓ, સર્જકમાત્ર માટે ઉઘાડી બારી રાખી આવકારવા આતુર ખડી છે!

અહીં કમિટમેન્ટ પોતે જ કન્ટેન્ટ છે. પ્રતિબદ્ધતા સ્વયં સામગ્રી છે. સામગ્રીને સાકાર કરવા કવિએ કઈ ટેક્નિકનો વિનિયોગ કર્યો છે? શીર્ષકથી જ (‘સાતમો કોઠો’) ખ્યાલ આવશે. પૌરાણિક ઉલ્લેખો (mythical allusions)ની ગૂંથણીરીતિથી પોતાના વિષયવસ્તુને મૂર્ત કરવા કર્તૃત્વપ્રતિભા પ્રવૃત્ત છે. ગદ્ય–કવિતા પણ પ્રભાવક પરિણામ લાવી શકે, અભિધા પણ પ્રકર્ષક કળારૂપ લઈ શકે એનું આ ઉજ્જ્વળ ઉદાહરણ બને.

શ્રીમંત સમૃદ્ધ ઘરો બાંધવામાં આર્થિક ભીંસની પર-વશતાથી જોતરાયેલી નારીનાયિકા અહીં કામવાળી બાઈ તરીકે સ્વગત ઉક્તિઓ અને ઉદ્ગારો વેરે છે. કામ કરનાર વર્ગની સ્ત્રી સામાન્ય પૌરાણિક સંદર્ભોથી સજાણ હોય તોયે અહીં કવિની જ ભાષાશૈલી ઓઢીને ઘૂમી વળી છે! ઘરકામ કરતી બાઈની ભાષાનો કબજો અહીં કર્તાની સફાઈબંધ ગરવી ગિરાએ લઈ લીધો છે. કામવાળી સાથે આવું (અભિવ્યક્તિલક્ષી જ માનવું ને?) ગાઢ તાદાત્મ્ય સ્વીકારીને જ ભાવક પંક્તિપથે અકલેશ પરવરી શકશે…

ભાવોપચયની પ્રક્રિયા સરળ છે. રસબદ્ધિ કાવ્યનાયિકાની ધારદાર મનઃસ્થિતિ અને અકાપ્ય તર્ક પ્રશ્નશ્રેણીમાં થયે જાય છે.

આમ જોવા જઈએ તો ‘રોટી–કપડા–મકાનની અસામાન્ય અ–સમાન વહેંચણીની સામ્યવાદપક્ષી સમસ્યા કૃતિમાં પ્રસ્તુત થઈ લેખાય.

ક્રમ આવો છે. પ્રથમ પાંચ પંક્તિમાં અન્નના દાણા (રોટી) અંગેનો સવાલ, પછીની સાત પંક્તિમાં મકાન–ઘરનો સવાલ, અનુગામી પાંચ પંક્તિમાં કપડાને લક્ષતો સવાલ – આમ ત્રણ સવાલોમાં, અ–ભાવગ્રસ્ત કામદાર વર્ગોની સળગતી સમસ્યાઓ કેપ્સૂલ રૂપે વ્યક્ત થઈ છે.

કર્તાનો રમણીય કાકુ પાંચમી-છઠ્ઠી લીટીમાં તંતોતંત વ્યક્ત થયો, ‘ચોખાના દાણા.. ચકલીની ચાંચમાં…પણ…’ મનુજના ભાણામાં દાણો સમખાવા જોગો નથી. આવતો, પણ સમૃદ્ધોનો વધ્યોઘટ્યો દાણો–દાનધર્મ પુણ્યકર્મની પ્રાપ્તિ અર્થે સ્તો–કીડિયારાં પૂરવામાં કે ચબૂતરાના ચણમાં પહોંચી જાય છે! ઉક્તિની ધાર ‘દાણા જે વીણતા વેરાયા’તા’ પંક્તિમાં વાગી જાય એ રીતે સજાવાઈ છે.

મકાન–અંશમાં, તગારાની કાળી મજૂરી સાથે ‘મારા પેટનું તગારું તો તડાતડ’ (અમારી પા ‘તડપડ’ નહિ, ‘તડોતડ’ જેવો પ્રયોગ સાંભળવા મળે છે) કહી ભાવિ પેઢીની અનિકેત–અવદશાનું સૂચન છે.

‘અલ્યા, કોઈ મને આલોને નગારું કે પાદરે જઈને વગાડું’ – પંક્તિ ગુન્ટર પ્રાસની ‘ટીન ડૂમ’ કૃતિ (પતરાનું પડઘમ) કે બ્રેખ્તની લોકજાગૃતિ માટે બહાર પડતી નાયિકાની યાદ ઝળકાવે.

અન્યાય સામેનો આક્રોશ કેવળ સરકારી કે સામાજિક સિસ્ટમ પૂરતો જ હોત તો કર્તાની વાચાળતા નિર્વાહ્ય ના બનતે, પણ આગળ વધીને ‘પ્રારબ્ધ’ પર્યંત છેલ્લી પંક્તિઓમાં વિસ્તરેલ હોવાથી નિયતિ સામેનો અવાજ પણ વ્યાપક પરિમાણ ધારણ કરે છે.

છેલ્લી સાત પંક્તિમાં કૃતિશીર્ષક ‘સાતમા કોઠા’નું પુરાણગત સન્ધાન છે. અહીં બે નાયિકાઓનો વિરલ મનાય એવો કલાત્મક સંકર કર્તાના સંકલન (editing) કૌશલનો નમૂનો ઠરે. દુઃશાસનના ઉલ્લેખથી દ્રૌપદી અને પેટમાં અભિમન્યુ ઉછેરનાર માતા લેખે ઉત્તરા – અહીં એક કામદારી નાયિકાન્ત ચરિત્રમાં ‘મોન્ટાજ’ રીતિએ મુકાઈ છે! (ઉત્તરા ઉપરાંત પુત્રને પાઠ ભણાવતા કૃષ્ણની ભાવપ્રતિમા પણ સુજ્ઞ ભાવકને સાંભર્યા વિના ના રહે.)

રચનાના અંતે, સાતમા કોઠામાં ‘બીજી સાત પેઢી તો આમ જ…’ એમ ટપકાંના ચિહ્નમાં વિષમ વાસ્તવને મૂકી ભવિષ્યની પેઢીઓની અવદશાનો તાદૃશ્ય ચિતાર સૂચવવા બદલ કવિશ્રી ઉશનસ્‌ને ધન્યવાદ. (રચનાને રસ્તે)