અલ્પવિરામ/૧૫ ઑગસ્ટ ૧૯૪૯

૧૫ ઑગસ્ટ ૧૯૪૯

હે ‘આર્ય’ની અપમાનિતા, તું ક્યાં જશે?
તું માનવીનું સૃજન, તારું સ્થાન, મુક્તિ, સ્વર્ગમાં તો ના હશે!
કારાગૃહોને કુંજ માની
છાની છાની
ત્યાં રચી તવ પ્રેમની કેવી કથા,
ત્યાં અશ્રુથી જેણે ચૂમી તવ ચરણપાની
જોઈને તેં આજ એની રાજધાની?
આજ એને કેટલો ઉન્મત્ત અંધ વિલાસ ને તારે વ્યથા,
એ લુબ્ધ
કોઈ રાજલક્ષ્મી સંગ લીલામાં, નહીં દૃષ્ટિ, ન એને ર્હૈ શ્રુતિ,
ઉન્માદમાં ક્યાંથી હશે એને હવે તારી સ્મૃતિ?
હે ક્ષુબ્ધ,
આમ વિડંબનામાં શું ઊભી તું નત શિરે?
‘રે, ક્યાં જવું?’ એ પ્રશ્ન તું તવ પ્રાણને પૂછતી ધીરે?
પણ અહીં નહીં કો જ્યોતિ (ને ના અપ્સરાના તીર્થમાં તુજ વાસ),
કોઈ ન કાલિદાસ, ન કોઈ વ્યાસ;
આજ તો બસ આ ધરાને કહી જ દે તું (શી શરમ?):
‘દેહિ મે વિવરમ્!’