અવલોકન-વિશ્વ/ચિત્રકળાનું ઊંડું સંશોધન – ગુલામમોહમ્મદ શેખ

ચિત્રકળાનું ઊંડું સંશોધન – ગુલામમોહમ્મદ શેખ


16-The-Spirit-of-Indian-Paintings-Cover.jpg


The Spirit of Indian Paintings – close Encounters
– B. N. Goswamy. Penguin Books, London, 2014
ભારતીય ચિત્રકળાના સંશોધનનું ક્ષેત્ર જેટલું વિશાળ તેટલું જ સીમિત છે. વિશાળ તે વિપુલ કહી શકાય તેવા ચિત્રસંગ્રહોના અભ્યાસની અપાર શક્યતાઓને કારણે, અને સીમિત તે સંશોધકોના ‘દુકાળ’ને કારણે. આજે અભ્યાસીઓમાં ભારતીય સંશોધકો આંગળીને વેઢે ગણાય તેટલાય જણાતા નથી – જોકે વિદેશી અભ્યાસીઓ થોડા વધ્યા છે. ઓગણીસમી સદીમાં આરંભાયેલા કળાના ઇતિહાસ-લેખનમાં ઈ. બી. હેવેલે કરેલી પહેલ પછી વીસમી સદીની વીસીના ગાળે આનંદકુમારસ્વામીએ પ્રતિબદ્ધતાપૂર્વક પરંપરાને સંયોજિત કરવાના પાયા નાખ્યા. પછીના દાયકાઓમાં ઓ. સી. ગાંગુલી, એન. સી. મહેતા, વિલિયમ જી. આર્ચર, કાર્લ ખંડાલાવાલા, મોતીચન્દ્ર અને એમ. એસ. રંધાવાએ અભ્યાસની સીમાઓ વિસ્તારી. મોટા ભાગનું સંશોધન અને લેખન હાથચિત્રો અને પોથીચિત્રો પર કેન્દ્રિત રહ્યું: ભીંતચિત્રો, પિછવાઈ અને કાપડકામ જેવી સંલગ્ન પરંપરાઓ થોડેઘણે અંશે સમાવાઈ.

આઝાદીનાં શરૂઆતનાં દશકોમાં સંશોધનનું ચિત્ર ઊપસ્યું તે આવું હતું. કુમારસ્વામીએ જાતિગત ધારણા હેઠળ રાજસ્થાન અને પહાડી પ્રદેશની ચિત્રકળાને ‘રાજપૂત’ના પલ્લે મૂકી હતી તે ભૌગોલિક ધોરણે વ્હેંચાઈ તેથી મેવાડ, બૂંદી, બિકાનેર, જયપુર, કિશનગઢ એવાં રાજસ્થાની રજવાડાંને નામે કલમો ઓળખાતી થઈ. એવું જ નામકરણ પહાડી કલમોનું કાંગડા,બશોલી, ચંબા, નૂરપુર રૂપે થયું. મુઘલ કળા ઐતિહાસિક તબક્કામાં વહેંચાઈ ત્યાં અકબરી, જહાંગીરી, પ્રાદેશિક મુઘલ જેવા વિભાગો થયા. મુઘલ કળા પહેલાંનો તબક્કો ‘સલ્તનત’ નામે ઓળખાયો અને એ અગાઉની કળાનું ‘જૈન’ કે ‘પશ્ચિમ ભારતીય’ એવું નામકરણ થયું. મધ્યપ્રદેશમાં પહેલાં માલવા અને પછી બુંદેલખંડ જેવા પ્રદેશો અભ્યાસનાં ક્ષેત્રો ગણાયાં અને ધીમે ધીમે રાજસ્થાનનાં નાનાં રજવાડાં દેવગઢ, સિરોહી અને ઉણિયારા જેવા ‘ઠિકાના’ઓની કળા પણ ઊપસી આવી. સંશોધનોના પરિપાક રૂપે થયેલાં પ્રકાશનોમાં કેટલાક પ્રદેશોની કળા પર પુસ્તકો થયાં, પણ અનેક પ્રદેશોની કળા હજુ સંશોધકોની રાહ જુએ છે.

મોટાભાગનાં સંશોધનોમાં ચિત્રકારને કે એની વૈયક્તિક અભિવ્યક્તિને પ્રગટ કરતાં લખાણોની ઉણપ ધ્યાન ખેંચે તેવી હતી. આમ તો કળાકારોનાં નામ વિશેષત: મુઘલ ગ્રંથાગારનાં ગ્રંથાલયોએ ચિત્રોના હાંસિયામાં કરેલી

વિસ્તૃત નોંધ પરથી કે કેટલાંક રાજસ્થાની અને પહાડી ચિત્રોમાં થયેલા અછડતા ઉલ્લેખો દ્વારા મળ્યા હતાં પણ સામાન્ય રીતે એવું મનાતું રહ્યું કે ચિત્રપરંપરા મૂળે અનામી હતી. કુમારસ્વામી અને શિવરામમૂતિર્ જેવા વિશેષજ્ઞોને એ ‘અનામી’ વલણમાં અહમ્ને ઓગાળવાનો આધ્યાત્મિક આદર્શ દેખાયો, બીજા વિદ્વાનોએ સહિયારા ચિત્રણના પ્રભાવ હેઠળ વૈયક્તિકતા ગૌણ ઠેરવાયાનો વિકલ્પ રજૂ કર્યો.

ડો. બ્રજેન ગોસ્વામીને પહાડી ચિત્રકળાનું સંશોધન કરતાં અઢારમી સદીના ગુલેરવાસી કળાકારોની વંશાવળીનો ચિત્રાલેખ મળ્યો એટલે એનું ઐતિહાસિક પ્રમાણ સ્થાપિત કરવા એમણે યાત્રાધામોમાં પંડાઓ દ્વારા સચવાતી વહીઓની તપાસ આરંભી. શ્રાદ્ધ અર્થે જતા પરિવારોની સૂચિઓ શોધતાં હરિદ્વારની વહીઓના વીંટામાં તેમણે અઢારમી સદીના એ જ ગુલેરવાસી કળાકારની રેખાંકન-સમેત નોંધ શોધી કાઢી: ‘લખનાર નૈન (નૈનસુખ), સુથાર, ચિતારો, ગુલેરવાસી, સેઉનો દીકરો,હસ્નુનો પૌત્ર, ભરતુનો પ્રપૌત્ર અને પ્ર-પ્રપૌત્ર દાતાનો. સંવત 1820 [ઈ.સ. 1763]’. એમાં નૈનસુખની માના વંશજોની માહિતી પણ મળી. છેવટે એના મોટા ભાઈ માણકુના દીકરા ફત્તુ અને ખુશાલાનાં અને નૈનસુખના દીકરા કામા, ગૌધૂ, તિક્કા ને રાંઝાનાં પ્રમાણો મળ્યાં તે છેક વીસમી સદીના છેલ્લા વંશજ ચંદુલાલ લગીનાં – કળાકારોને મળતા પગાર, ઇલકાબ અને જાગીરની માહિતી પણ સંપન્ન થઈ. 1968ના ગાળે એ સંશોધનો-વિષયક નિબંધ ‘પહાડી પેઇન્ટીંગ: ફેમીલી એઝ ધ બેસીસ ઓફ સ્ટાઇલ’ વિખ્યાત કળાસામયિક ‘માર્ગ’માં પ્રગટ થયો. તેમાં પ્રચલિત માન્યતાઓથી તદ્દન વિપરીત એવાં તારણો નીકળ્યાં જેમાંથી ભારતીય ચિત્રકળાના સંશોધનને એક અપૂર્વ દિશા સાંપડી. પંડિત સેઉથી માંડીને ચાર પેઢી લગી ચિત્રકારી સાબૂત રહ્યાનાં એ પ્રમાણો દ્વારા કળાકારનું ‘ઘરાણું’ કળાના મૂળમાં રહ્યાની હકીકત પુરવાર થઈ. હવે રજવાડાને બદલે કળાકારના નામે કળાની કલમનું નામકરણ કરવાના રસ્તા ખૂલ્યા અને ‘અનામી’ કળા નામધારી પણ થઈ. અગાઉના સંશોધકોએ ચિત્રો જે સ્થળેથી મળ્યાં તે સ્થળના નામે કલમને નવાજી હતી પણ નવાં સંશોધને ફલિત થયું કે, ચિત્રપોથીઓ દાયજામાં દેવાતી હોઈ રાજકુંવરીની સાસરીને બદલે પિયરનું સ્થળ એનું ઉદ્ગમસ્થાન ગણવાનું ઉચિત મનાયું. એ ઉપરાંત એક કળાકારનાં ચિત્રો એક જ સ્થળે થયાં હોવાની માન્યતા પણ બદલાઈ કારણ કે ઘણીવાર કળાકારો જુદા જુદા સ્થળે અથવા જુદા જુદા આશ્રયદાતા માટે કાર્યરત રહેતા હતા એ પણ સાબિત થયું. રાજસ્થાની કળાકાર ચોઆ દેવગઢ અને ઉદેપુરના ફેરા કરતો હતો, પહાડી કૃપાલ અને દેવીદાસ નૂરપુર અને બશોલી બન્ને સ્થળે જુદા જુદા સમયે પ્રવૃત્ત રહ્યા હતા, એક રાજસ્થાની ઉસ્તાદે કોટાના મહારાવ કિશોરસિંહ અને નાથદ્વારાના દાઉજી માટે પણ ચિત્રો કર્યાં હતાં. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે બે સ્થળે કે બે આશ્રયદાતા માટે કામ કરતા કળાકારોની ‘શૈલી’માં ફેરફારો થતા રહ્યા હતા.

ડો. ગોસ્વામીના મૂળગામી સંશોધન અને ત્યારબાદનાં સંશોધનો દ્વારા આપણે સેંકડો કળાકારોને ‘તેમનાં’ ચિત્રો સાથે જોડતા થયા છીએ. 2011માં ઝ્યૂરિકના રાઇત્બર્ગ સંગ્રહાલયમાં ડો. ગોસ્વામી અને ડો. એબરહાર્ડ ફિશરની રાહબરી હેઠળ યોજાયેલા સીમાચિહ્ન જેવા પ્રદર્શન ‘માસ્ટર્સ ઓફ ઇન્ડિયન પેઇન્ટીંગ’ અને એ નિમિત્તે પ્રકાશિત થયેલા એ જ શીર્ષકના બે ગ્રંથોમાં હાથચિત્ર પરંપરાનાં અનેક ચિત્રો પર વિશેષજ્ઞો દ્વારા લખાયેલાં લેખો અને ટિપ્પણીઓ પ્રગટ થયાં છે. તેમાં અનેક કળાકારોનાં જીવન-કવનનો સુગ્રથિત હેવાલ મળે છે. કળાકારોના હાથ અને દૃષ્ટિને સમપિર્ત એ ગ્રંથો દ્વારા ચિત્રો અને ચિત્રપોથીકળાની ફેરતપાસ કરવાની અનેક તકો ઉદ્ભવી છે. આમ તો ડો. ગોસ્વામીએ ભારતીય ચિત્રકળાની અનેક પ્રણાલીઓ અને તબક્કાઓ પર વીગતે લખ્યું છે – પણ એમની શાખ પહાડી કળાના નિષ્ણાત તરીકે ઊપસી છે. ‘પહાડી માસ્ટર્સ(1992) અને ‘ગુલેરનો નૈનસુખ’(1977) ગ્રંથોમાં થયેલું પહાડી કળાનું અને એ દ્વારા ભારતીય કળા પરનું એમનું ઊંડું સંશોધન અભ્યાસીઓમાં ઉદાહરણીય મનાય છે.

છેલ્લે છેલ્લે,2014માં એમણે 101ચૂંટેલાં ચિત્રોનો અનન્ય એવો ‘ધ સ્પિરિટ ઓફ ઇન્ડિયન પેઇન્ટીંગ’ ગ્રંથ પ્રગટ કર્યો છે. જેમાં તેમના સમગ્ર જીવનના સંશોધન અને ચંતિનનો નિષ્કર્ષ સમાયેલો છે. હેતુ સ્પષ્ટ છે: એક તો પારંપરિક ચિત્રકળાનો ભાવકવર્ગ વ્યાપક રૂપ ધરે અને એ સંક્ષેપમાં ય પરંપરાના હાર્દને સ્પર્શવાની તક સાંપડે. આમ તો આપણી વિપુલતા-વિભિન્નતાઓથી વૈભવિત પરંપરાને સુપેરે પામવા જેટલાં ચિત્રો ચૂંટીએ તેટલાં ઓછા પડે, પણ આંકડો સીમિત કરતાં પરંપરાનાં અમુક લક્ષણો ઉપરાંત ચૂંટનારની દૃષ્ટિ સાક્ષાત્ થાય અને ભાવકને પોતાની રીતે ગમતાં ચિત્રોના પંડિ રચવાનો ઉત્સાહ વધે. અભ્યાસીઓને જાણીતાં એવાં ઘણાં ચિત્રો આમાં સમાયેલાં છે, પણ જેમ કોઈ ગાયકનો અમુક રાગ વારંવાર સાંભળવાનું મન થાય તેમ એ ‘માનીતાં’ ચિત્રોને ફરી માણવાનો લ્હાવો પણ અહીં મળે છે. ડો. ગોસ્વામીએ ચાર વિભાગમાં ચયન ગોઠવ્યું છે: દર્શન, નિરીક્ષણ, શૃંગાર અને ચંતિન. પરંપરાની સમગ્રતા ચાર અધ્યાયમાં કેટલી સંચિત થાય તે ખોળવાનો આ અખતરો વિચારપ્રેરક તો છે પણ પ્રભાવક પણ એટલો જ. ષડંગ અને રસવિચારને કેન્દ્રમાં રાખી ચિત્રોને ઐતિહાસિક પરિવેશમાં મૂલવતા ભાવક-સંશોધક બંનેને એમણે નજર સમક્ષ રાખ્યા છે. એમની આસ્વાદમૂલક રસવૃત્તિ ભાવકને ચિત્રનાં ગોપિત રહસ્યો ખોળવા અને નિહાળવા દોરે છે ત્યારે ય એમની ઐતિહાસિક પરિબળોની વાચના ઝંખવાતી નથી. ડો. ગોસ્વામીને વ્યાખ્યાન કરતા સાંભળીને કલાવિદ્ અને અનોખા કળા-સંગ્રાહક જગદીશ મિત્તલે કહ્યું હતું કે એ બોલે ત્યારે સરસ્વતી એમની જીભે બેસે છે. એમની રસાળ અંગ્રેજીને સંસ્કૃત-પ્રાકૃત, પહાડી પ્રદેશની તાક્રી બોલી તથા ફારસી-ઉર્દૂનો ઊંડો ઘરોબો સમૃદ્ધ કરે છે. વિશેષ તો એ બધી ભાષાઓની કાવ્યબાનીનો પ્રસાદ એમને ફળ્યો છે. એ કંઠસ્થ બાનીમાં ધારે ત્યારે શ્લોક કે શે’ર ટાંકવાનું સામર્થ્ય છે. આમ ચિત્રનો રસ-અંશ કાવ્યબાનીમાં ઘોળાય ત્યારે અદ્ભુત મોઢામોઢ થાય છે.

આ ગ્રંથનાં 101રત્નોમાં સૂરદાસની મેવાડી કૃષ્ણલીલામાં વેશની અદલાબદલી કરતા રાધાકૃષ્ણનું અનેરું નિરૂપણ છે, માણકુની કલમે બળતા લાક્ષાગૃહનું સીઝેલા લાલની જ્વાળાઓમાં આલેખન છે. એક તરફ વસંતવિલાસનો સંભોગશૃંગાર અને બીજે દશરથની સિદ્ધપુરુષની ત્રણ સોનેરી આભામાં ઝળહળતી પ્રસ્તુતિ કે એકાકી દુખિયાનો,છાપરાના એકલા મોરની સાખે આપઘાત. નૈનસુખના વહાણમાં મહેલો, રાજવી અને સેના સાથે આખું શહેર ઉચાળા ભરે કે ચંદનના ઝાડે વીંટળાયેલા સાપ નર્તન કરે. એમાં ગીતગોવંદિ, રસમંજરી, અષ્ટસહસ્રિકા, પ્રજ્ઞાપારમિતાનાં રંગે રસળતાં પાનાં છે અને કલ્પસૂત્ર અને ભાગવત સાથે શાહનામા અને હમ્ઝાનામાની હેરતમંદ તસવીરો છે. અકબરશાહી રામાયણના અપૂર્વ ચિતેરા દસવંતની કથની ડો. ગોસ્વામી અબુલફઝલના શબ્દોમાં ટાંકે છે: ‘કહારનો દીકરો શહેનશાહની નજરે ચડ્યો ને એની પ્રતિભાનો પરચો થતાં એને ઉસ્તાદ ખ્વાજા અબ્દુસ્સમદની નિશ્રામાં મૂક્યો પણ વાઈના દરદે એની ઝળહળતી કારકિર્દીનો અંત આણ્યો.’ આવું તો ગ્રંથના પાને પાને છે.

દાયકાઓના પરિશીલનના પરિપાક સમો આ ગ્રંથ રસિકો અને સંશોધકો બન્નેને સમપિર્ત છે. એનો સુપેરે અનુવાદ ચિત્રો સાથે ભારતીય ભાષાઓમાં સુલભ થાય તો પરંપરાની ઉર્જાનો સ્પર્શ આજના શિક્ષણમાં પ્રવેશેલા દૃશ્યકળાના અજ્ઞાનને અજવાળે તો નવાઈ નહીં.

ડો. ગોસ્વામીનાં કેટલાંક જાણીતાં પુસ્તકો:

Essence of Indian Art, Asian Art museum, San Francisco, 1986;

Pahari Masters, Court Painters of Northern India, Artibus Asiae, 1992;

Nainshkh of Guler. Publ. ibid, 1997;

Masters of Indian Painting, Vol. 1, 1100-1650, Vol. 2: 1650-1900, publ. ibid, 2011

*

ગુલામમોહમ્મદ શેખ
કવિ, ચિત્રકાર.
કળા-ઇતિહાસના પૂર્વ-અધ્યાપક, મ. સ. યુનિવર્સિટી, વડોદરા.
વડોદરા.
gulamsheikh@yahoo.com

98240 85189
*