અષ્ટમોઅધ્યાય/આઇઝાક બાશેવિસ સિંગર


આઇઝાક બાશેવિસ સિંગર

સુરેશ જોષી

આઇઝાક બાશેવિસ સંગિરને આ વખતનું નોબેલ પારિતોષિક મળ્યું તેથી ઘણાને આશ્ચર્ય થયું હશે. ઘણાં વર્ષ પહેલાં યિદ્દીશ લેખકોની કૃતિઓનું એક સંકલન મેં ખરીદેલું. એમાં એમની વાર્તાઓ પણ હતી અને તે મને ગમેલી. ‘ગિમ્પેલ ધ ફૂલ’નો અનુવાદ ‘ક્ષિતિજ’માં છપાયેલો. જાણીતા અમેરિકી નવલકથાકાર ફિલિપ રોથે ‘ધ અધર યુરપ સિરિઝ’ નામે પૂર્વ યુરપમાં વસતા લેખકોની કૃતિઓની શ્રેણીનું સમ્પાદન પેન્ગ્વીન તરફથી શરૂ કર્યું. તેમાં બ્રુનો શુલ્ઝ અને આઇઝાક બાશેવિસ સિંગરની કૃતિઓ પણ પ્રકટ થઈ. સિંગરે બ્રુનો શુલ્ઝની કૃતિ ‘ધ સ્ટ્રીટ ઓવ્ ક્રોકોડાઇલ્સ’ને વખાણેલી. એ બન્ને લેખકો પોલેંડમાં જ જન્મેલા. શુલ્ઝ બાર વર્ષ મોટા. પોલેંડમાં જન્મેલા યહૂદીઓ પૈકીના કેટલાક પોલિશ ભાષામાં લખતા પણ સિંગર અને એમના મોટા ભાઈ યિદ્દીશ ભાષામાં જ પહેલેથી લખતા. પોલિશ ભાષામાં લખનારા આ લેખકો એમણે જાણે કશે મૂળ નહિ નાંખ્યાં હોય એવા અને આગવી સંસ્કૃતિ વિનાના લાગતા. જ્યારે પોલિશ ભાષામાં લખનારા લેખકો એમ માનતા કે યિદ્દીશ ભાષામાં લખનારા અભણ લોકો માટે, ગરીબો માટે લખે છે. આમ બન્ને એકબીજાને ધિક્કારતા. પોલિશ ભાષામાં લખનારા મોટે ભાગે સામ્યવાદ તરફ ઢળેલા હતા. એમાંના કોઈક સિંગરની ટીકા કરતાં કહેતા, ‘તમે યહૂદી ચોરો અને વેશ્યાઓ વિશે કેમ લખ્યા કરો છો?’ સિંગર જવાબ આપતા. ‘હું જેમને ઓળખું તેમને વિશે જ લખું.’ જેમને ક્યાંય મૂળ નથી હોતાં તેવા લેખકોને કટુ ઉપહાસ કે વ્યંગનો આશ્ચય લેવો પડે છે. સિંગર કાફકા વિશે એવું જ માને છે. પણ કાફકામાં ઊંચી કોટિની કળા છે માટે એ વ્યંગ પ્રચ્છન્ન છે. સિંગરને પોતાને એવી ‘નેગેટિવ’ અને ‘કટુ ઉપહાસ’વાળી શૈલી પ્રત્યે પક્ષપાત નથી. પણ કાફકામાં કપોલકલ્પિત દ્વારા કટુ વાસ્તવિકતાનો પ્રતિકાર થયો છે એમ એઓ સ્વીકારે છે. કાફકાએ તો એક સ્થળે બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે, ‘યહૂદીઓમાં અને મારામાં ક્યાં કશું સરખાપણું છે? અરે મારું તો મારી પોતાની જ જોડે ક્યાં કશું સરખાપણું છે? મને તો એક ખૂણામાં, કશા વિશેષ વિના ઊભા રહીને કોઈ શ્વાસ લેવા દે તોય ઘણું!’

શહેરથી દૂરના પ્રદેશમાંથી આવતા જુવાન લેખકને એકદમ સ્વીકૃતિ મળે કે એની કળાની કદર થાય એવા એ દિવસો નહોતા. ‘આ વળી કોઈ નવું ધતિંગ!’ એવો જ એને આવકાર મળતો! આમ છતાં તે સમયમાં યહૂદી લેખકોનો દોર ચાલતો. એઓ યહૂદી છે એ વાત એક ક્ષણ માટે પણ ભૂલી શકતા નહીં. એ પરત્વે એઓ હંમેશાં સાવધાન રહેતા. ઘણી વાર યહૂદી નામોને એ યહૂદી ન લાગે એવી રીતે વકીલો બદલી નાખતા. પણ જો લેખકો એવું કરે તો બિનયહૂદી સમાજ એમને સંભળાવી દેતો, ‘તમારે ને અમારે શી લેવાદેવા?’ અમેરિકામાં સોલ બેલોને કોઈ યિદ્દીશમાં લખવાનું કે ઇસ્ટ બ્રોડવે તરફ ચાલ્યા જવાનું કહેતું નથી. છતાં એવા લોકો સાવ નથી જ એવુંય નથી. પણ સિંગર પોલેંડમાં હતા ત્યારે તો યહૂદી લેખક હોવું અને યિદ્દીશમાં લખવું તે શરમાવા જેવું લાગતું હતું. યહૂદીઓ પોલેંડને વધારે સારી રીતે ઓળખતા હતા.

સીંગરે પોલેંડ 1935ની આસપાસ છોડ્યું. એ છોડવાનાં કારણો આપતાં એઓ કહે છે: ‘પહેલી વાત તો એ કે હું ઘણો નિરાશાવાદી હતો. એ અરસામાં જ હિટલર પોલેંડ પર હુમલો કરશે એવો ભય તોળાઈ રહ્યો હતો. ગોરિંગ જેવા નાઝીઓ શિકાર કરવા કે રજાનો સમય સુખચેનથી ગાળવા પોલેંડ આવતા થઈ ગયા હતા. હું યિદ્દીશ વર્તમાનપત્રમાં કામ કરતો હતો. એની પડતી દશા શરૂ થઈ ચૂકી હતી. મારે ભારે કરકસરથી અને વિટમ્બણા વેઠીને જીવવું પડતું હતું. મારા મોટાભાઈ અમેરિકા બે વર્ષ પહેલાં પહોંચી ગયા હતા, આમ મારે માટે અમેરિકા જવાને બધાં જ કારણો હતાં.’

પોલેંડ છોડ્યા પછી એક સર્જકને તો મૂળથી જ ઊખડી ગયાનો અનુભવ નહીં થાય? એનો સમાજ, એની સંસ્કૃતિ – એ બધું છોડ્યા પછી, એનાથી ખૂબખૂબ દૂર ફંગોળાઈ ગયા પછી એ લખે શાને વિશે? આવો ભય સિંગરે અમેરિકા આવ્યા પછી વધુ તીવ્રપણે અનુભવ્યો, અમેરિકામાં તો બધા અંગ્રેજી બોલે. ધામિર્ક સમારમ્ભમાં એઓ ગયા અને બધા ત્યાં તો યિદ્દીશ જ બોલશે એવી એમને આશા હતી. ત્યાં બસોએક જેટલી સ્ત્રીઓ ઉદ્ગાર કાઢતી હતી, ‘ડિલિશિયસ, ડિલિશિયસ’ – એમને તો કશું સમજાયું નહીં! સૌથી પહેલો અંગ્રેજી શબ્દ એઓ એ શીખ્યા. સિંગર કહે છે કે સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તો એ કોઈ નિકટનું સ્નેહી પરદેશ ગયું હોય એના જેવું લાગે. વર્ષો વીતે પછી એ નજીક ને નજીક આવતું જાય, પછી તો જાણે તમે એના સહવાસમાં જ જીવતા હો એવું લાગે. આવું કંઈક એમને પોલેંડ વિશે થયું. ‘અમેરિકામાં રહેવા છતાં અત્યારે પોલેંડ અને યહૂદીઓનું જીવન, ત્યારે હતું તેથીય, વધુ નિકટનું હોય એવું આજે લાગે છે.’

આજે તો જુદા જુદા ધર્મના, જુદી જુદી સંસ્કૃતિ ભૂમિકાવાળા લોકો એમની કૃતિઓ વાંચે છે. પોતે લોકપ્રિય છે એવું એઓ માનતા નથી. જે ભાષાઓમાં એમની કૃતિઓનો અનુવાદ થાય છે તે ભાષા બોલનારાઓને એમનું લખાણ ગમતું હશે. ‘સ્ત્રીને બિચારીને ખબર નથી પડતી કે કોઈ એને શા માટે ચાહે છે કે તિરસ્કારે છે. લેખકની સ્થિતિ કંઈક એવી જ છે!’ ખરી વાત તો એ છે કે ઊંડે ઊંડે મર્મ સુધી પહોંચતાં એક પ્રકારની નવી જ આત્મીયતાની ભૂમિકા રચાય છે. જાપાની ભાષામાં એમની લગભગ બધી જ કૃતિઓનો અનુવાદ થયો છે, ને અંગ્રેજીમાં એવું બન્યું નથી. 1974માં યિદ્દીશમાં પ્રગટ થયેલી ‘શોશા’ નામની નવલકથાનો અંગ્રેજીમાં હજી હમણાં અનુવાદ થયો છે. તો યોકોહામામાં બેઠેલો કોઈ જાપાની મને શા માટે વાંચે? બસ, એને મારું લખાણ ગમે છે એ સિવાય એનું બીજું શું કારણ કોઈ શકે?’ કોઈ બીજા દેશના લેખકે લખેલી કૃતિને ચાહવા માટે ત્યાં જવું કે ત્યાંના લોકોને ઓળખવા તે જરૂરી નથી. આખરે એઓ પણ આપણા જેવા જ માનવીઓ છે. કયો લેખક સત્ય કહે છે અને કયો બનાવટ કરે છે તે લોકો પારખી જતા હોય છે. એઓ તો કહે છે કે બીજા કોઈ ગ્રહમાં લખાયેલી કૃતિ અહીં આવે તો તેમાંય આપણને રસ પડશે.

એમનું નામ નોબેલ પારિતોષિક માટે સૂચવવામાં આવ્યું છે એવું કોઈકે એમને કહ્યું ત્યારે એમનો લાક્ષણિક જવાબ હતો, ‘તમે મને એટલો બધો મોટો માની બેઠા છો?’ એઓ કહે છે, ‘હું જ્યારે લખવા બેસું છું ત્યારે યહૂદી જીવનની વાર્તા લખવા બેઠો છું એવી સભાનતા મારામાં હોતી નથી. કોઈ ઘર બાંધે તો એ કેવળ ઘર જ બાંધતો હોય છે. એ ઘર ફ્રેન્ચ કે ઇંગ્લિશ ઘર હોતું નથી. હું યહૂદીઓને વધુ સારી રીતે ઓળખું છું અને યિદ્દીશ ભાષા મને વધારે સારી આવડે છે, આથી હું યહૂદીઓ વિશે યિદ્દીશ ભાષામાં લખું છું. બાકી મને જીવનમાં બીજા કોઈ જેવો જ રસ છે.’

લોકો એમને વિશે એમ માને છે કે એઓ ભૂતકાળની નષ્ટ થઈ ચૂકેલી સંસ્કૃતિના છબિકાર છે. પણ એઓ યિદ્દીશ ભાષાને મરી જતી અટકાવવાના સભાન હેતુથી લખતા નથી. જગતને સારું બનાવવા માટે કે પૃથ્વી પર શાન્તિનું અવતરણ કરાવવાને એઓ લખતા નથી. એઓ તો નમ્રતાપૂર્વક કહે છે, ‘મારી વાર્તા કોઈકનું અર્ધો કલાક મનોરંજન કરે તોય ઘણું’ પણ મનોરંજન વિશેનો એમનો ખ્યાલ જુદો છે. ટોલ્સ્ટોય, દોસ્તોએવ્સ્કી, ગોગોલ કે ડિકન્સ જે પ્રકારનો આનન્દ આપે છે તે એમને અહીં અભિપ્રેત છે;

આ પૈકીના ઘણા સામયિક કે વર્તમાનપત્રમાં ધારાવાહિકરૂપે નહોતા લખતા? સિંગર પણ યહૂદી વર્તમાનપત્ર ‘ફોરવર્ડ’માં ધારાવાહિક રૂપે નવલકથાઓ લખે છે. આથી એઓ દરેક હફતે સ્વયંસમ્પૂર્ણ લાગે એવી એક ઘટનાનું, દૃશ્યનું, નાટ્યાત્મક રીતે નિરૂપણ કરે છે. એમાં ઝડપી ગતિએ આગળ વધતું વસ્તુ હોવું જરૂરી છે. વાર્તા અટપટી નહીં હોવી જોઈએ. એમાં પાત્રોના જીવનમાં અણધાર્યા ભાગ્યપલટાઓ આવે તો વધુ રસપ્રદ બને; પાત્રોનું આલેખન ઝીણવટથી કરવાનો અવકાશ ઓછો. એક વિવેચકે કહ્યું છે, ‘સિંગરને વાંચતા હોઈએ ત્યારે એવું લાગે છે જાણે આપણે સોલ બેલોની કોઈ નવલકથાની આછી રૂપરેખા વાંચી રહ્યા છીએ. એમાં સોલ બેલોમાં હોય છે તેવા પ્રતિભાના ચમકારા ઝાઝા નથી હોતા.’ સિંગર પત્રકારત્વની ચૂડમાંથી છૂટતા નથી. આથી એઓ સપાટી પરથી જ નિરૂપણ કરે છે, ઝાઝા ઊંડાણમાં ડૂબકી મારતા નથી. એમની શૈલીમાં ઋજુતા છે, પ્રાંજલતા છે; વર્ણન પરત્વે પણ એઓ અમુક ચોક્કસ સૂત્રને અનુસરતા લાગે છે. એઓ વાચકને પોતાની કથનરીતિથી પરવશ કરી દે છે; અને ઉત્તેજિત કરતા નથી કે વધુ શિક્ષિત બનાવતા નથી.

કથાલેખન પરત્વે એઓ કહે છે, ‘વાર્તા લખવા માટે માત્ર ત્રણ આવશ્યકતા: એક તો વસ્તુ. તમે કથા વગર કથા લખી શકો નહીં. જીવનના એકાદ ખણ્ડને લઈને કારીગરી કર્યા કરો તેથી કામ ચાલે નહિ, એવું કોઈકવાર થઈ શકે ખરું. બીજી મહત્ત્વની વાત એ કે વાર્તા લખવાની મારી દાનત હોવી જોઈએ; એને માટેની કશીક અદમ્ય ઇચ્છા હોવી જોઈએ. ત્રીજી વાત એ કે મને એમ લાગવું જોઈએ કે આ વાર્તા હું લખી શકું, મારા સિવાય બીજો કોઈ લખી ન શકે એવી મને પ્રતીતિ હોવી જોઈએ.’

પ્રેમની વાત લખો તો દગાની, દ્રોહની વાત પણ લખવી જ રહી. એના વિનાનો પ્રેમ ક્યાં હોઈ શકે છે? એમને અપરાધનિરૂપણમાં રસ છે. બાર વર્ષની વયે એમણે ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’ વાંચેલી. ત્યારે એક મહાન કૃતિ છે તેનો એમને અણસાર મળેલો. રાસ્કોલનિકેવ મેજિસ્ટ્રેટને કશુંક કહેતાં કહેતાં ઊભો થઈને જાણે ચાલ્યો જવા જાય છે ને તરત જ પાછો બેસી જાય છે. આ વાત એમને ત્યારે બહુ અદ્ભુત લાગેલી. જો લોકો મશીનગન અને સંહારક શસ્ત્રો બનાવવાનું શીખી ગયા છે તો એમની કૃતિઓ શી રીતે રચાય છે તે ઓળખવામાં રસ શા માટે નહીં લે? નૈતિક દૃષ્ટિએ જોનારા ચોખલિયાઓનો એમને સામનો કરવો પડે છે. કાફકા જેવા પ્રતિભાશાળી માટે એમને બહુ માન છે. સોલ્ઝેનિત્સીન ટોલ્સ્ટોયનું અનુકરણ કરીને લખે તેનો એમને વાંધો નથી; પણ કાફકાનું અનુકરણ કરે તો મર્યો જ જાણવો!