અષ્ટમોઅધ્યાય/કાલજયી સાહિત્ય


કાલજયી સાહિત્ય

સુરેશ જોષી

થોડે થોડે સમયે સાહિત્યિક પ્રવૃત્તિઓનું સરવૈયું કાઢતાં રહેવું એ પણ વિવેચનનું કર્તવ્ય છે. ગુજરાત સાહિત્ય સભાએ આ પ્રવૃત્તિ ઘણા સમય પહેલાં શરૂ કરેલી. પણ આજે તો એ સાવ નિષ્પ્રાણ થઈ ગયેલી લાગે છે. એમ તો જુદાં જુદાં સાહિત્યસ્વરૂપો વિશે જુદી જુદી સંસ્થાઓના આશ્રયે સંવિવાદો થતા રહે છે. પણ આ સંવિવાદોમાં હવે ઝાઝી ઊંડી અભ્યાસનિષ્ઠા વર્તાતી નથી એવી ફરિયાદો થવા માંડી છે. વાતાવરણમાં કોઈ નવાં સાહિત્યિક આન્દોલનના ભણકારા વાગતા નથી. વાસ્તવમાં ગઈ કાલના આન્દોલનના અગ્રણીઓ આજના રૂઢિચુસ્તો બની ગયા છે! તો શું એમ માનવું કે પરિસ્થિતિ હતાશ કરી મૂકે એવી છે? એક જુવાળ આવી ગયા પછીની મન્દતાનો આ ગાળો છે. વૈપુલ્ય ઘણું છે, ઉત્કૃષ્ટતાની માત્રા ઘટતી જાય છે. દરેક સર્જક સજ્જતાની અમુક કક્ષાએ પહોંચ્યા પછી અનુચિત સ્પર્ધાના કે કીતિર્પ્રાપ્તિની હોંસાતૂંસીના ક્ષેત્રની બહાર નીકળી જઈને, પોતાની સાધનાએ જ કેળવી આપેલી, વિવેકબુદ્ધિને વશ વર્તીને સર્જન કરતો હોય છે. પછી એ કશું તૂટકછૂટક રચતો નથી. આથી સર્વ રચનાઓમાં ક્રમશ: વિકસતી જતી અખણ્ડતા દૃષ્ટિગોચર થતી જાય છે. આજે આપણો પ્રશ્ન આ છે: આવી સજ્જતાવાળા કેટલા સર્જકો આપણી પાસે છે?

પ્રમાણમાં ગુજરાતનું લોહી ટાઢું છે. પ્રયોગશીલતા એને ઝાઝી સદતી નથી. બ.ક. ઠાકોરે ‘જુવો ઉઘાડું છે કમાડ’ એમ કહીને જે લોકપ્રિયતાને બહાર કાઢી મૂકેલી તેને આજે, સાહિત્યના ભોગે, આવકારનાર વર્ગ ઊભો થયો છે. સર્જક સાહિત્યને નહિ, પણ લોકોને નજર સામે રાખે છે. બિચારા લોકોની દયા ખાઈને એની વહારે જવા માટે એ સાહિત્યની ગુણવત્તાનો ભોગ આપતો નથી. લોકો સાહિત્યથી દૂર થતા જાય છે એ હકીકત લેખે સ્વીકૃત ગણી શકાય એવી વાત છે, પણ એનાં કારણોની તટસ્થ તપાસ કરવાને બદલે અનુચિત અભિનિવેશથી પ્રયોગશીલતાને ભાંડવાનું શરૂ થઈ ચૂક્યું છે.

કોઈ સર્જક ઝનૂની બનીને એમ નથી કહેતો કે લોકોથી એ ચાહીચલાવીને ઊફરો જવા માગે છે, જો એવા કશા સભાન આશયથી એ લખતો હોય તોય સર્જનની દૃષ્ટિએ તો એવું વલણ વિક્ષેપકારક જ નીવડે. ઊંચું સ્તર જાળવી શકે તેવી શક્તિ નહીં હોવાથી લોકો પ્રત્યેની કરુણાથી સાહિત્યની કક્ષાને નીચી ઉતારવાની વાત વાહિયાત છે. સાચી વાત તો એ છે કે આજે મોટા ભાગનો જનસમુદાય ભાષા પરત્વે જ ઉદાસીન બનતો જાય છે. સમૂહમાધ્યમોની જબરજસ્ત દખલગીરીને કારણે એનાં વલણો અને પ્રતિભાવોનું બંધારણ પણ સાવ બદલાઈ ગયું છે. આજે સંસ્કૃતિમાં રહેલા સ્તરભેદ વધારે ઉગ્ર બન્યા છે. જે ધનને જોરે સમાજના ઉપલા સ્તરે પહોંચી ગયા છે, તે સૂક્ષ્મ રસવૃત્તિ કે બૌદ્ધિક કુશાગ્રતા વિકસાવી શક્યા નથી. આમ છતાં ફૅશન દાખવી એ બધું નવું આવકારવા જાય છે. એથી અધિકાર વિના કળા સાહિત્યના ક્ષેત્રમાં એમની દખલગીરી વધતી જાય છે. એ શેખીખોરી કરીને સંગીતના જલસામાં જાય છે. પણ સંગીત સાથે એની ચેતના સમ્પૃક્ત નથી. એ નૃત્ય જુએ છે પણ એના કળાતત્ત્વની એને પરખ નથી. એ પુરાણી કળામય વસ્તુઓનો સંગ્રહ કરે છે, પણ એની કળા વિશે કોઈ પૂછે તો એ વિશે એને કશું કહેતાં આવડતું નથી. એ નવા ચિત્રકારોનાં ચિત્ર પણ ખરીદે છે, પણ એ ચિત્ર વિશે ભીંતને જેટલી ખબર હોય છે તેટલી જ એને હોય છે!

સાહિત્યમાં થતું આન્દોલન જૂની પેઢીને હડસેલીને આગળ આવવાના મર્યાદિત અને અસાહિત્યિક હેતુથી થતું હોય તો ક્ષણજીવી નીવડે તે દેખીતું છે. પ્રજાની સમકાલીન માનવસન્દર્ભ વિશેની અભિજ્ઞતા વિશદ અને તીવ્રતર બનાવવાનો આશય હોય તો આવાં આન્દોલનનું આખું સ્વરૂપ બદલાઈ જાય છે. તો એ જૂથબંધી, સંસ્થાપરાયણતા કે લોકારાધને ઊભી કરેલી મર્યાદાઓથી પણ મુક્ત રહે છે. સાહિત્યિક પ્રતિષ્ઠા અને એનું સામાજિક સમર્થન – આ બે વસ્તુને સાંકળવાનો લોભ આ જમાનામાં તો જતો કરવો જોઈએ એવું લાગે છે. જો એમ નહીં કરીએ તો પરિણામ આખરે એવું આવશે કે આ પ્રકારની પ્રતિષ્ઠા કે માન્યતાનાં ધોરણો સમાજનો આવો વગ ધરાવનારો વર્ગ જ ચલણી કરતો રહેશે. એને પરિણામે અમુક અખબારી જૂથોનો આશ્રય પ્રાપ્ત કરનાર કે અમુક પ્રકાશન સંસ્થાઓમાં વર્ચસ્ ધરાવનાર વર્ગ સાહિત્યની એક પ્રકારની અણછાજતી સેન્સરશિપ દાખલ કરી દેશે, એથી આ વર્ગની બહારના સમર્થ સર્જકોનું સાહિત્ય પણ અપ્રકાશિત રહેશે. પછી ત્રણસો વર્ષે કોઈ એનો ઉદ્ધાર કરે ત્યારે ખરું. દુર્ભાગ્યની વાત છે કે આજે આ અનિષ્ટનાં એંધાણ વર્તાવા લાગ્યાં છે. સંસ્થાઓના વહીવટને પોતાના હાથમાં લેવા માટે જે રીતે જુદાં જુદાં જૂથો સક્રિય થઈને ઔચિત્ય કે સલુકાઈભર્યા વ્યવહારને નેવે મૂકે છે તેનાથી આપણે સૌ ક્યાં પરિચિત નથી?

સમસામયિક ઇતિહાસનો તકાજો પણ સાહિત્ય પર હોય છે. ઇતિહાસની વિગતો કળામાં રૂપાન્તર પામે એની પણ રાહ જોવાની ધીરજ સમાજ રાખતો નથી. પ્રાસંગિકતાને કારણે તત્પૂરતો એવા સાહિત્યનો જલદી સ્વીકાર થાય છે, એની બોલબાલા પણ થાય છે, પણ એનાં ભયસ્થાન ઘણાં છે. પ્રાસંગિકતામાંથી પણ સનાતનતાના તત્ત્વને ગ્રહી શકવું જોઈએ, એનું એવું જ નિરૂપણ થવું જોઈએ. નહીં તો થોડાક ઉદ્વેગો, અભિનિવેશો, ચિત્કારોથી કામ ચાલી જાય છે એવી ભ્રાન્તિ ઊભી થાય છે. સાહિત્યને વિદ્રોહનું પડઘમ કે રણશિંગુ બનાવવાનો લોભ પણ જાગે છે. આમાં સાહિત્યનું કાલજયી ગૌરવ ઘણી વાર ખણ્ડિત થાય છે. કટોકટીના ગાળામાં આવું બન્યું. તરત જ કાવ્યસંગ્રહો બહાર પડી ગયા. અખબારી છાપવાળું સાહિત્ય ઊભરાઈ ઊઠ્યું. સમસામયિક ઘટનાઓથી સર્જક અલિપ્ત રહી શકતો નથી; પણ એમાં રહેલાં ચિરંજીવી તત્ત્વોને પારખીને મૂર્ત કરવાનો એનો અધિકાર અબાધિત રહેવો જોઈએ, કેવળ તારસ્વરે બોલવાથી કે વિદ્રોહની ઘોષણા કરવાથી સાહિત્ય સિદ્ધ થઈ જતું નથી. એને એની આગવી શિસ્ત હોય છે, રાજકારણવાળાઓ સર્જકોને પક્ષકાર બનાવવાને હંમેશાં લલચાવતા રહે છે. સાચો સર્જક એવાં પ્રલોભનોને વશ થતો નથી. સાહિત્યના નવા આન્દોલનની શરૂઆતનો પ્રથમ અણસાર હંમેશાં કવિતામાં વર્તાય છે. આપણે ત્યાં શરૂ થયેલું નવું આન્દોલન, એક રીતે જોઈએ તો, સમાજ સામેનું હતું, કાવ્ય તો નિમિત્ત જ હતું. સંસ્કૃતિ અને રૂઢિ સામેનો એમાં વિરોધ હતો. સામાજિક શિષ્ટાચારના સકંજામાંથી મુક્ત થવાનો એમાં પ્રયત્ન હતો. મુક્ત અનિરુદ્ધ અભિવ્યક્તિને માટેનો એમાં રોમેન્ટિક અભિનિવેશ હતો. રૂપરચના અને એવી તેવી પળોજણની એને ઝાઝી પડી નહોતી. બુદ્ધિજન્ય સ્વસ્થતા એને મન નિષ્પ્રાણતાનો જ પર્યાય હતી. આ આન્દોલનમાંથી ગતિ મેળવીને પોતાની આગવી રીતે એનો વિનિયોગ કરી નૂતન આવિષ્કારને માટે મથતા થોડા સર્જકો એમાંથી બહાર આવ્યા તે આ આન્દોલનની સાર્થકતા. પ્રારમ્ભમાં ખ્યાતિ ને લોકપ્રિયતાની ઠેકડી ઉડાવ્યા પછી હવે ફરીથી ગીત, ગઝલ, શેરીનાટકો વગેરે દ્વારા આ સર્જકો લોકો વચ્ચે જઈને ઊભા છે. કાવ્યબાનીનું રેઢિયાળપણું, એમાં તળપદી રોમેન્ટિક અભિનિવેશવાળી, સંસ્કૃતમય અને અશિષ્ટ એવી બાનીનું વિલક્ષણ અને અવિવેકી મિશ્રણ પણ જોવા મળે છે. ભાષાનાં અનેક સ્તર છે. રસકીય પ્રયોજનને અનુરૂપ એ સ્તરોનો કવિ ઉપયોગ કરી શકે છે. પણ દરેક સ્તરની ભાષાને કાવ્યત્વના સ્તર સુધી લઈ જવાનું કવિકર્મ સિદ્ધ થયેલું હોવું જોઈએ. કલ્પનોનો ઢગલો ખડકવાથી કે કશા રસકીય હેતુ વિના ઇન્દ્રિયવ્યત્યયોથી કાવ્યને ખચી દેવાથી કાવ્યને લાભ થતો નથી. હવે આ આન્દોલનકારીઓમાં કૃતક દાર્શનિકતા પણ દેખાવા લાગી છે.

કથાસાહિત્યમાં નવું આન્દોલન ઝાઝું ટકી શકે એવી આપણી પાસે કશી ભૂમિકા નથી. પ્રયોગશીલતાનો એક અલ્પજીવી તબક્કો આવ્યો ન આવ્યો ત્યાં લોકપ્રિયતાને નામે એને ભાંડવાનો આરમ્ભ થઈ ગયો. આ પ્રયોગશીલતાએ ઘણી શક્યતા પ્રકટ કરી હતી. પણ પ્રતિકૂળ વાતાવરણ, ઉદાસીન વિવેચન અને રસિક સહૃદયોના પ્રતિભાવનો અભાવ, કથાસાહિત્ય પાસે લોકરંજનની જ રખાતી અપેક્ષા – આ બધાંને કારણે આપણા યુગનું સૌથી વધારે પ્રતિનિધિરૂપ ગણાતું આ સાહિત્યસ્વરૂપ આજે તો સૌથી નિ:સત્વ બની ગયેલું લાગે છે. ફરીથી આપણો નવલકથાકાર ભૂતકાળના ઇતિહાસના ખંડેરમાં સામગ્રી શોધવા લાગ્યો છે, સમકાલીન રાજકીય પરિસ્થિતિ વિશે દસ્તાવેજી નવલકથાઓ લખવા લાગ્યો છે. જે પ્રયોગશીલ નવલકથાકારો એક બે નવલકથાઓ લખીને અટકી ગયા છે તેઓ થંભી ગયા છે એમ આપણે ન માનીએ; તેઓ હજી પ્રયત્નશીલ હશે જ એવી આશા રાખીએ. ટૂંકી વાર્તા ઢગલાબંધ લખાય છે. પણ નવી પેઢીમાંથી ઊંચું કાઠું કાઢે એવો કોઈ સર્જક બહાર આવ્યો નથી. એ સાહિત્યસ્વરૂપની નવી શક્યતાઓને તાગવાને બદલે હવે અમુક વર્ગ તરફથી મળતી માન્યતાને સ્વીકારીને એ ધાટીની વાર્તાઓ લખવાનું વલણ દેખાવા લાગ્યું છે. નવીન વાર્તાકારોની રચનાઓ sporadic લાગે છે; એમાં કશું અનુસ્યૂત થઈને રહેલું સળંગ સૂત્ર દેખાતું નથી. વિજ્ઞાને આપેલા fragmented universeમાંથી કળાનું અખણ્ડ વિશ્વ રચવાનો ઉદ્યમ વાર્તાકાર કરતો હોય છે. લોકપ્રિયતાના આશયથી જ લખાયેલી નવલકથાઓના મોટા જથ્થા સામે હવે શુદ્ધ સાહિત્યિકતાનો આગ્રહ રાખતું પ્રયોગશીલ કથાસાહિત્ય ટકી રહેવા ઇચ્છુક હશે તો એણે નવા પડકારો ઝીલવા માટેની સજ્જતા કેળવવાની રહેશે.

નાટકના સર્જક માટે વર્તમાન માનવસન્દર્ભ એક ફળદ્રુપ ભૂમિ છે. માનવીય પરિસ્થિતિની એની અભિવ્યક્તિ જો તીવ્ર હશે તો નાટકમાં એ એનાં વસ્તુલક્ષી પ્રતિરૂપો શોધવા પ્રેરાશે જ. પણ એનો અભિગમ શોધનો હોવો જોઈએ, બોધનો નહિ. કેટલાંક પ્રચલિત પૂર્વગ્રહો, આવેગો અને ઉદ્ગારોની આજુબાજુ એ થોડું નકશીકામ કરીને ઇતિકર્તવ્યતા માને તે નહીં ચાલે. પ્રેક્ષકોનો સારો એવો સમજદાર વર્ગ હવે ઊભો થયો છે. ભજવણીની તેમ જ રંગમંચની સજ્જતાની ટેકનિકે સારો એવો વિકાસ સાધ્યો છે. અભિનયપટુ યુવક-યુવતીઓનો વર્ગ ઉત્સાહપૂર્વક આગળ આવી રહ્યો છે. ઓછામાં ઓછા ઉપસ્કરના પરિગ્રહથી પણ ઉત્તમ નાટકો સર્જી શકાય છે તે પુરવાર થઈ ચૂક્યું છે. હવે રંગમંચ વિધિનિષેધોની પકડમાંથી મુક્ત છે. આજે પ્રતિભાશાળી નાટ્યકાર માટે એક સુવર્ણસન્ધિ છે. ગુજરાત હજી એવા નાટ્યકારની રાહ જોઈ રહ્યું છે.

લલિત ગદ્ય ગુજરાતમાં ઝાઝું વિકસ્યું નથી. હંમેશાં મૌલિક નહિ એવા, ચિન્તનના ભારથી એ લદાઈ ગયું હતું, પછી બહુશ્રુતતા અને વિદગ્ધતાનો ભાર ચંપાયો. કવિતાઈ અને અલંકૃતતાનો ગાળો પણ આવી ગયો. ચબરાકિયાપણું, દેખાડો, ચાકચિક્ય, સપાટી પરની ચમત્કૃતિ – આ દોષો પણ દેખાવા લાગ્યા છે. છતાં આ પ્રકારના ગદ્યની માવજતની વૃત્તિ દૃઢમૂળ બનતી દેખાય છે એ એક સારું ચિહ્ન છે.

સર્જકોની સહકારી પ્રકાશન સંસ્થા સ્થાપવાનું શમણું હજી શમણું જ રહ્યું છે. સામયિકો રાજકારણના ઓછાયા નીચે આવી ગયાં છે. શુદ્ધ સાહિત્યિક સામયિક હજી ગુજરાતમાં સ્થિર થઈ શકતું નથી. વિદ્યાપીઠમાં સાહિત્યનો અભ્યાસ ક્રાન્તિકારી પરિવર્તન માગી લે છે. ભવિષ્યનો ગાળો ગુજરાતી સાહિત્યને માટે કસોટીનો છે. એમાંથી આપણે સફળતાપૂર્વક બહાર આવીશું એવી આશા રાખીએ.