અહો બત કિમ્ આશ્ચર્યમ્/અપરિચિત નિર્જનતા


અપરિચિત નિર્જનતા

સુરેશ જોષી

સમય સમથળ વહેતો હોય છે ત્યારે એનો પ્રવાહ જ આપણને આસાનીથી આગળ લઈ જાય છે. ત્યારે દિવસો આપણે ગણતા નથી. એક દિવસ અને બીજા દિવસ વચ્ચે કશો સાંધો દેખાતો નથી. પણ બધા જ દિવસો એવા જતા નથી. કોઈક વાર સમય, દુશ્મનોએ છૂપી રીતે પાથરેલી સુરંગોના જેવો, બની જાય છે. એકાદ ક્ષણ એવી આવી ચઢે છે કે એના પર પગ મૂકતાં જ એવો તો ભયંકર સ્ફોટ થાય છે કે આપણા ફુરચેફુરચા ઊડી જાય છે. પછી બધું સાંધવાનું અઘરું થઈ પડે છે. જિન્દગીમાં એક વાર એવું બન્યા પછી સાવધાની, ભયભીતપણું એક વળગણરૂપ થઈ પડે છે. આંખ સાવધ રહે છે, કાન સરવા રહે છે. આ સાવધાનીની જામગીરી નિદ્રાના ઊંડાણમાં પણ ઘુમરાયા કરતી હોય છે.

આથી જ કશે કશી ગૂંચ ન રહે, બધું પારદર્શક, પ્રસન્ન અને હળવું બની રહે એવું હંમેશાં ઇચ્છું છું. સરળતા જ સૌથી અઘરી વસ્તુ છે તે સમજાઈ ગયા પછી જ સરળતાનું મૂલ્ય આપણે મન વધી જાય છે. આપણે કુટિલ થવા નથી ઇચ્છતા, પણ ક્યાંક અટપટી ભુલભુલામણી આવી ચઢે છે. એક ગૂંચ ઊભી કરી બેસીએ છીએ. માનવીનો મુખ્ય અપરાધ શો છે? સરળતાને સિદ્ધ કર્યા વિના સ્વીકારી લેવી તે? વ્યવહારમાં, સમ્બન્ધોમાં કશું સરળ નથી. વિશ્વાસ શ્રદ્ધા જરૂરી છે, પણ એથી ગૂંચ ઊકલી જતી નથી. માનવી દ્વિધાવશ પ્રાણી છે. દ્વિધામાં તો માત્ર બેનો જ ઉલ્લેખ થયો, પણ વાસ્તવમાં એથી વિશેષનો એને સામનો કરવો પડતો હોય છે. આથી જ જ્યારે સંગતિ, એકવાક્યતા કે એવી કશી સંજ્ઞાઓનો ઉપયોગ કોઈને ખૂબ આસાનીથી કરતાં જોઉં છું ત્યારે એના ભોળપણની મને દયા આવે છે. આપણા ભાગ્યમાં સંગતિ નથી. થોડેક આગળ જઈએ કે આપણામાંથી જ આપણો વિરોધી ઊભો થાય. બહારના વિરોધને તો હું સરાણનો પથ્થર ગણી લઈ શકું છું. એથી મારા વ્યક્તિત્વની ધાર નીકળે છે એમ પણ કહું. પણ અનુભવ અને એનાં પરિણામો એક ભાતમાં ગોઠવાતાં આવે તેમ તેમ મારા કાર્યનાં રૂપ પણ બદલાતાં જાય. આથી આજે જે કહું તેની વિરુદ્ધનું જ આવતી કાલે કહેવાનો વારો આવે. પ્રામાણિકતાનો ગુણ કેળવવો એટલે શું? પોતાની જાત સાથે સચ્ચાઈથી વર્તવું એટલે શું? કારણ કે ‘પોતાની જાત’ જેવી સ્થિર વસ્તુ આપણા નસીબમાં નથી. આથી વિના કારણે આપણે ગુનેગારની જેમ મૂંઝાતા ફરીએ છીએ. આપણા વર્તનનો હિસાબ સહેલાઈથી સમજાવી દઈ શકાતો નથી.

મને લાગે છે કે આ જ કારણે ન્યાય પ્રેમ વિના ન સમ્ભવી શકે. સહાનુભૂતિ કે દયા પ્રેમની અવેજીમાં મૂકી નહિ શકાય. આપણી ક્ષમતા કેટલી? આપણી ઉદારતા કેટલી? જુદાં જુદાં પરિમાણ ધરાવનારાઓ એક જ ચોકઠામાં કાર્યને જડબેસલાક બેસાડી દઈને એનો નિર્ણય કરવા જાય તો શું થાય? એમાંથી જ કરુણતા ઊપજે. એ કરુણતા અનિવાર્ય છે એમ દુનિયાડાહ્યા ઠંડે કલેજે કહેવાના જ. આ બધાંનો વિચાર કરું છું ત્યારે લાગે છે કે માનવી પાસે સમ ખાવા પૂરતુંય હૃદય કદાચ બચ્યું નથી. બુદ્ધિની કુશાગ્રતા એકલી કામમાં ન આવે, એની સાથે હૃદયનું ઔદાર્ય હોવું જોઈએ. તર્કને તો ગમે તે દિશામાં વાળી શકાય. આથી નરી તાકિર્કતાથી અંજાઈને ન જીવી શકાય. આ બધું હું જ પહેલી વાર કહું છું એવું નથી. છતાં દુર્યોધને આપણાં બધાંની વતી એકરાર કરેલો તે સાચો છે. ધર્મ શું છે તે જાણું છું, પણ તે પ્રમાણે આચરણ કરી શકતો નથી. અધર્મ શું છે તેય હું જાણું છું, પણ એમાંથી પાછો વળી શકતો નથી. આપણે માનવી છીએ માટે એમ જ થવાનું એવું કહીને આપણે આપણા મનને મનાવી લઈએ છીએ તે ઠીક નથી. માનવી હોવાને કારણે જ આપણને અમાનુષીપણે વર્તવાનો સ્વાભાવિક અધિકાર મળી જાય છે ખરો?

માનવીય ગૌરવ આખરે શું છે? હું કોની આગળ મારું ગૌરવ પુરવાર કરીશ? મારી ગુરુતા બીજાને કચડી મારે એવી તો ન જ હોવી જોઈએ. હું સૌ કોઈનું માન જાળવી શકું તો જ મારા સ્વમાનની કાંઈ કિંમત રહે, નહીં તો એ મારું મિથ્યાભિમાન બની રહે. આ બધું વિચારતાં આખરે એક જ વાત સાચી લાગે છે; સ્નેહાર્દ્ર હૃદય વિના જીવી શકાય નહીં. જ્યાં સ્નેહ નથી, કરુણા નથી, આર્દ્રતા નથી ત્યાં આસુરી વૃત્તિ અનેક રૂપે ફાલે છે. જ્યાં માનવી પ્રેમથી નથી જીવતો ત્યાં એ ભયથી જીવે છે, ઈશ્વરને નકારે છે, અસુરને આવકારે છે.

આ સમજણ આપણને ખપમાં આવે છે ખરી? ઝંઝાવાત આવે છે અને આપણે વરાળની જેમ ઊડવા લાગીએ છીએ. આથી દૃઢતા, સ્થિરતા – એ બધા શબ્દો શાન્ત આબોહવા પૂરતા જ સાચા છે. માનવીની આ ક્રૂર મશ્કરી છે. એને અહંકાર આપ્યો છે. એ પૂરેપૂરો વિસ્તરતો નથી; એને પ્રેમ આપ્યો છે, એને જીરવવાની શક્તિ આપી નથી; એને દૃષ્ટિ આપી છે, પણ એને સ્વચ્છ અને સ્થિર રાખવાની એનામાં સચેતતા નથી. આ બધી ગૂંચની પેલે પાર, કોઈ શૂન્યાવકાશને કલ્પીને, થાકેલો માનવી એને ઝંખે છે. એ શૂન્ય પણ એના પડછાયાથી ક્લુષિત થયેલું છે. એ વાત એ ભૂલી જાય છે. ત્રણ કાળના ગૂંચવાયેલા તન્તુઓ, સ્મૃતિવિસ્મૃતિના તાણાવાણા, કલ્પનાનું અળવીતરાપણું – આ બધું માનવીને માટે કશું સરળ રહેવા દેતું નથી. આવી પરિસ્થિતિને કારણે જીત કે હારની વાત કરવી માનવીને પોષાય એમ નથી. અર્જુનના રથના દોર કૃષ્ણે હાથમાં લઈ લીધા અને નિમિત્ત માત્ર બનવાનું કહી દીધું. અહંકાર આપ્યો, પણ એનું મર્દન કરવા માટે. આપણા જીવનનો કરુણ પણ ભવ્ય છે એમ કહીને આશ્વાસન લેવા જેવું રહ્યું છે ખરું?

આથી જ કોઈ વાર માનવીઓનાં ટોળાં વચ્ચે જતાં ગભરાટ થાય છે. એ કેવી ભયંકર અરાજકતાનો સાગર છે કે એનાં ઊંડાણમાં કેવાં ભયંકર વમળો છે! આથી જ તો પોતાની નરી સામાન્યતાને, સાધારણતાને, તરણોપાય માનીને બાઝી રહેલા માનવીઓને જોઈને કરુણા નીપજે છે. જાગૃતિ દરમિયાનના દસબાર કલાકની એઓ પાકી વ્યવસ્થા કરી રાખે છે. રોજ-બ-રોજનાં નિત્ય નૈમિત્તિક કાર્યોની એકધારી ઘટમાળ એ જ એમનો ટકી રહેવાનો આધાર છે. એઓ ક્યાંય પોતાનો પરિચય થાય તેવી તક ઊભી કરતા નથી, દુનિયાએ જે મહોરું પહેરાવ્યું હોય છે તેને મરણિયા બનીને બાઝી રહે છે. પોતાનું પોતાપણું જાળવવું, એને ઓળખવું એ જ બધી આફતનું કારણ છે. માટે જ તો ટોળામાં ખોવાઈ જવું, ચહેરો ભૂંસી નાંખવો, જીવતેજીવ મરણના પડછાયાની ઓથે સંતાઈ જવું – આવો જ, મોટા ભાગનાં માનવીઓની જિન્દગીનો, કાર્યક્રમ હોય છે.

ટોળાંથી છૂટા પડતાંની સાથે જ અત્યાર સુધી અપરિચિત રહેલી નિર્જનતા તેમને ઘેરી વળે છે. ત્યારે જ આપણે આપણો અવાજ શોધીએ છીએ અને એને ઉચ્ચારીને એ નિર્જનતાના સાથી તરીકે ખડો કરી દઈએ છીએ. આમ ધીમે ધીમે અવાજ, સ્પર્શ વગેરે દ્વારા આપણું પોતાપણું સાકાર થતું આવે છે. પડછાયાની ઓથ છોડી દઈને આપણે આપણી નગ્નતા લઈને પ્રકાશની પ્રખરતામાં ઊભા રહીએ છીએ. ત્યારે જ આપણી ઉપસ્થિતિની રેખાને દૃઢપણે અંકાતી જોઈ શકીએ છીએ. આટલી ઉપલબ્ધિ સિદ્ધ કર્યા વિના આપણે બીજું શું પામી શકવાના હતા?

3-9-71