અહો બત કિમ્ આશ્ચર્યમ્/આંસુની ખીણ

From Ekatra Wiki
Revision as of 09:31, 7 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આંસુની ખીણ| સુરેશ જોષી}} {{Poem2Open}} હું મારા મનને ઉત્સવ માટે તૈય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આંસુની ખીણ

સુરેશ જોષી

હું મારા મનને ઉત્સવ માટે તૈયાર કરું છું. ઉત્સવ સુધી પહોંચવા માટે કેટલી આંસુની ખીણો ઓળંગવી પડે! ઉત્સવના દીપ પ્રગટાવવા માટે કેટલો અન્ધકાર ઉલેચવો પડે? પ્રકૃતિમાં તો જોતજોતાંમાં બધું જીર્ણ ખરી પડે છે, ક્યાંય એનો હાહાકાર સંભળાતો નથી, કશા દમામ વગર નવીનનો આવિર્ભાવ થાય છે. પણ આપણા જીવનમાં એવું નથી. બાળપણમાં આપણે કેવા હળવા હતા! સહેજ સરખો મન પર ભાર વરતાય કે ન વરતાય ત્યાં એ આંસુમાં ઓગળીને વહી જતો. આથી જેને મોટી વયે પણ આંસુ સુલભ છે તેની મને અદેખાઈ આવે છે. મારાં વર્ષોની હું સંખ્યા ગણતો નથી. પણ એ વર્ષોમાં જુદે જુદે સમયે વેદનાના જે ભાર ચંપાયા છે તેની ગણતરી કરું કે ન કરું એ ભારને કારણે જ આજે હું થોડો ઘણો ભારેખમ બની શક્યો છું, થોડાં વરસો સુધી તો આંસુમાં નહીં તો હાસ્યના ફુવારામાં એ ભાર બહાર વહાવી દેવાનો ઉદ્યમ પણ કરી જોયો, પણ હવે વેદનાના ગૌરવને બીજાઓ તરફથી માન્યતાઓ મળતી જાય છે, એ મારા વ્યક્તિત્વનો અંશ પણ બનતો જાય છે. એટલે મને પણ એની થોડી ઘણી માયા થતી જાય છે.

આથી જ તો ઉત્સવના દિવસો હું મારા ગૌરવ નીચે કચડાતા મનને ફોસલાવીને એની નહીં ઊગેલી પાંખો ફફડાવવાનું કહું છું ત્યારે મને માલાર્મેની કવિતાનો પેલો હંસ યાદ આવે છે. એ હંસ થીજીને બરફ થઈ ગયેલા જળમાં જકડાઈ ગયો છે. જળ છે પણ એમાં તરી શકાતું નથી, પાંખ છે, આકાશ છે, પણ ઊડી શકાતું નથી. કેવળ થોડા બરફમાં ધોળી પાંખોને અભિન્ન બનાવી દેવાનું સુખ છે.

મોટા સુખને આવકારવા જેટલો સમયનો અવકાશ મારી પાસે બચ્યો નથી. છતાં કેવળ આનન્દમયી કોઈ માયા મારે ઉમ્બરે આવીને ઊભી રહે એની આશા મેં છોડી નથી. કોઈ વાર હું આનન્દની અત્યન્ત નિકટ હોઉં એવું લાગે છે, પણ એવી જ ક્ષણે છદ્મવેશે છુપાયેલી વેદના એકાએક મારા પર ધસી આવશે એવો ભય મને અસ્વસ્થ બનાવી મૂકે છે. કોઈ વાર વેદનાને મૂળ સમેત ઉખેડી ફેંકવાનો પુરુષાર્થ કરવો ગમતો હતો, હવે મારા બે શ્વાસ વચ્ચેના પડમાં કોઈ વાર હર્ષનો રોમાંચ થાય એવું કશું અનુભવાય છે. ફરી અધીરી આંગળીઓ એની અન્ધતા છોડીને ચોક્કસ દિશામાં પ્રસરે છે તેનો મારે જગતને હિસાબ નથી આપવાનો કે એને વ્યક્ત કરવા કવિતાની બે પંક્તિ લખવાનો લોભ પણ નથી કરવો ગમતો.

આવું સુખ, અરવ પગલે ઘરમાં પ્રવેશતી છાયાના જેવું, અણજાણપણે સ્પર્શી જતી પવનની લહેરીના જેવું, અજાણી અનામી સુગન્ધના જેવું હજી જીવનમાં આવી ચઢે છે. એને લોભથી હું રોળીચોળી નાખવા નથી ઇચ્છતો, છતાં વર્ષોના થરને ભેદીને એકાએક નવાંકુરના જેવી કોઈ વાસના પ્રસ્ફુટિત થઈ ઊઠે છે.

આથી જ તો ઉત્સવને પ્રસંગે મારી વેદનાઓને પણ પ્રફુલ્લિત થતી જોઈને હું ખેદ અનુભવતો નથી. પ્રફુલ્લિત થયેલી એ વેદનાની પાંખડી પર આનન્દને ઝાકળના બિન્દુની જેમ ઝીલવાને હું ઉત્સુક છું, આ ઉત્સવના દિવસોમાં આપણા દેશની યુગજૂની યાતનાઓ સહન કરીને રીઢી બની ગયેલી પ્રજા સ્નેહહીન જીવનમાં પણ દીપ પ્રગટાવવાનું દુ:સાહસ કરે છે ત્યારે કેવળ મારી વેદનાને વહાલી ગણીને બેસી રહેવાનો મને શો અધિકાર?

આશ્ચર્યચકિત કરી દે એવી વાત છે પણ એક સાથે આખો એક જીવનભરના આનન્દોનો સમૂહ મારે ઉંબરે આવીને ઊભો રહે છે. આથી હું પણ દીપ પ્રગટાવીને થોડો પ્રકાશ પ્રસરાવવાનો આશાવાદ સેવું છું.

એક પ્રકારની સમજપૂર્વકની કૃતકૃત્યતાનો મને અનુભવ થાય છે. મને લાગે છે કે મારી સાથે વેદના પણ જોડાયેલી જ રહી છે. કેટલાંક મુખ વેદનાની અગ્નિશિખાને અજવાળે જ હું જોઈ શક્યો છું. આનન્દની ઊછળતી છોળમાં કેટલાક સાથે મેં મને પણ છલકાતો જોયો છે. આ નૂતન વર્ષે મારું હૃદય આભારની ભાવનાથી સભર છે.

હવે ખોટી આશા કે વન્ધ્ય નિરાશા મને ફોસલાવી શકે એમ નથી. વેદનાની છીપમાં આનન્દનું મોતી ક્યારે બંધાશે તેની પણ હું રાહ જોતો નથી. મારી સામે કેવળ આનન્દથી ચમકતી બે આંખોને જોઉં છું.

17-11-74