અહો બત કિમ્ આશ્ચર્યમ્/આળસની ભરતી


આળસની ભરતી

સુરેશ જોષી

શરીરની શિરાએ શિરાએ નર્યા આળસની ભરતી આવે છે. આંખ અર્ધી બિડાઈ જાય છે. અંગો આ સંકેત સમજી લઈને નિષ્ક્રિય બનતાં જાય છે. પણ મન એની ખટપટમાંથી છૂટતું નથી. એ વર્તમાનમાંથી બંને બાજુ કૂદકા મારે છે. મનને શાન્ત રાખવાનું આપણું ગજુ નથી. એ સાવ શાન્ત થઈ જાય તો આપણે કોઈ ભૂતિયા મહેલની નિર્જનતા વચ્ચે ઊભા હોઈએ એવું લાગે છે. આથી જ તો મનને આપણે સક્રિય રાખીએ છીએ. પણ એ સક્રિયતાનો ઘોંઘાટ આપણને એકાન્ત આપતો નથી. એ બધું ડહોળી નાખે છે. કશું સ્થિર સ્વચ્છ રૂપે જોઈ શકાતું નથી. શાન્તિ ગભરાવી નાખે છે. અશાન્તિ અકળાવી મૂકે છે, એકાન્ત અસહ્ય બની જાય છે, માનવીઓનો સમ્પર્ક એનાથી દૂર ભાગી જવા પ્રેરે છે. આથી પરમહંસને માટેનો માર્ગ આપણો નથી.

આ ગ્રીષ્મની બપોરે આવા વિચારો કરીને મારા અળવીતરા મનને ફોસલાવ્યા પટાવ્યા કરું છું. આમ ક્ષણો વીતે છે. પણ આપણા જેવા સામાન્ય માનવીને માટે તો એમ જ હોય એવું આશ્વાસન લઉં છું. આપણું મન નર્યું નિશ્ચિહ્ન, કશા ચેપ કે બગાડ વિનાનું હોય તો તેને કદાચ આપણે જ ઓળખી નહીં શકીએ. રિલ્કેએ પણ આવા ચિત્તની કલ્પના કરતાં ભય અનુભવ્યો છે. એ કહે છે કે ‘આવા બધા ચેપથી મુક્ત અને શુદ્ધ કરેલો જીવ તો કોઈ આસુરી ઉપદ્રવ જ થઈ પડે. એ તો કોઈ નિશાળિયાની નોટબૂકનું રાતી સહીથી સુધારેલું પાનું જ જાણે ન હોય! છતાં આપણું મન કળાને નામે વાસ્તવિકતા જોડે કેવાં ચેડાં કાઢે છે! નીત્શેએ તો કહેલું કે દરેક સર્જક નામે વાસ્તવિકતાનો શત્રુ હોય છે. એનો બધો જુલમ વાસ્તવિકતાના પર જ હોય છે, એને રોમેન્ટિક અભિનિવેશથી ઢાંકી દેશે. એના સીમાડાને ખેંચીને એ છેક અતિવાસ્તવિક અને કપોલકલ્પિત સુધી લઈ જશે, વાસ્તવિકતાની પાયારૂપ સંગતિને એ અસ્તવ્યસ્ત કરી નાખશે. જે જીવને સંવાદિતા કળાના ભયંકર અતિરેકમાંથી જ મેળવવાની રહે, જેને સમતોલપણું જાળવવું હોય, અતિરેકનાં અન્તિમો તરફ ખેંચાઈ જવું ન હોય તો મનનું સહેજ પણ અનુકરણ ન કરનારાઓના શરીરને શરણે જવું જોઈએ. શરીર નિયમોને વશ વર્તે છે, એ કશાય અતિરેક સામે બળવો પોકારે છે, પણ અવળચંડું મન આપણા શરીરની સુરેખ આકૃતિ તે જાણે ઠઠ્ઠાચિત્રની રેખા હોય એમ માનીને એની હાંસી ઉડાવે છે.

સંસ્કૃતિ મનના અળવીતરાપણાની જ નીપજ છે એમ કહું તો મને કોઈ પ્રાકૃત અથવા વક્રદ્રષ્ટા કહેશે, પણ કોઈક વાર મને તો એવું જ લાગે છે. આપણી ઇન્દ્રિયો પ્રત્યક્ષ પ્રમાણો આપણને સંપડાવે, વાસ્તવિકતાને પ્રમાણભૂત રીતે આપણી આગળ રજૂ કરે તે પહેલાં તો મન એનાં તૈયાર કોષ્ટકો લઈને વચ્ચે કૂદી પડે છે. મનમાંથી કાંતી કાંતીને ઊભાં કરેલાં ફિલસૂફીના જાળાંમાં જગતને પૂરી દેવાનો મિથ્યા ઉદ્યમ જ બૌદ્ધિકોની એક મોટી પ્રવંચના બની રહે છે. સામેના વૃક્ષને, હાથમાંના પાણીના પ્યાલાને કે દર્પણમાં દેખાતા મારા ચહેરાને હું મનનાં ઊભાં કરેલાં જાળાંની ઓથેથી જ જોતો હોઉં છું. એનો અન્તરાય મને નડે જ છે. હું તાજમહાલ જોતો હોઉં કે ઓછા પગારવાળાઓની વસાહતનાં મકાનો જોતો હોઉં. મારું મન એની પાછળ રહેલા ભૌમિતિક આકારોનાં રેખાંકનો મારી આંખ સામે ધરી દે છે. આમ વસ્તુજગત સાથેનો મારો પ્રત્યક્ષ ઇન્દ્રિયગોચર સમ્બન્ધ એ બાંધવા જ દેતું નથી. મનની આ પ્રવૃત્તિને જ કદાચ શંકરાચાર્યે માયા કહી હશે.

ગ્રહનક્ષત્રોની દૂરતાને મન પરિમેયતાની સીમામાં ઘસડી લાવે છે અને આઠ દસ આંકડાની સંખ્યામાં એનું માપ કાઢી આપે છે. એથી દૂરતાનો જે આગવો સ્વાદ છે તે આપણે ખોઈ બેસીએ છીએ. માનવીએ ઉચ્ચારેલ એક શબ્દ, ખોટી જોહુકમીના કશા ઘોંઘાટ વિના મારી શ્રવણેન્દ્રિયનાં પરિમાણને વિસ્તારે છે. ચિત્તની રૂંધામણથી આપણે ગૂંગળાતા હોઈએ છીએ ત્યારે જ એકાએક કોઈનું હાસ્ય રણકી ઊઠે છે. એ હાસ્યની પારદર્શકતા હવાની જેમ કશો અન્તરાય ઊભો કર્યા વિના મારી આજુબાજુ વિસ્તરે છે. હું મને એક વિશાળ અવકાશની સમૃદ્ધિ વચ્ચે કોઈ ચક્રવર્તી સમ્રાટની જેમ ઊભેલો જોઉં છું. જન્મોજન્મની વાતની તો મને ખબર નથી, ઈશ્વરસાક્ષાત્કારનો મારો દાવો નથી, પણ આ મારા નશ્વર દેહે એની ઇન્દ્રિયો દ્વારા કેવી અદ્ભુત અનુભૂતિઓ મને કરાવી છે. દરરોજ કેવી અશક્ય લાગતી વસ્તુઓ એણે સિદ્ધ કરી આપી છે. તડકાથી ઝંખવાઈ જતી મારી આંખ, એના ઉષ્ણ સ્પર્શથી દઝાઈ જતી મારી ત્વચા એ અનુભૂતિના અપરોક્ષ સમ્પર્કમાં મને મૂકી દે છે. એનાં કેવાં તો અદ્ભુત પરિણામો આવે છે! આ દેશ સૂર્યના પ્રાચુર્યથી અભિશપ્ત નહીં, અભિષિક્ત દેશ છે. પણ સૂર્યને જોઈને મસ્તક નમાવી આંખો બંધ કરનારા કયા સૂર્યનું પ્રત્યક્ષ દર્શન કરે? એથી વેદકાળમાં જ્યારે ઇન્દ્રિય અને વસ્તુજગત વચ્ચે કશા પ્રત્યવાય નહોતા ત્યારે ગ્રીષ્મની બપોરનું સ્મૃતિચિત્ર આપણને મળે છે. પણ એ તડકાની કવિતા પછી ક્યાં છે? કેટલાં સૂર્યસ્તોત્રો લખાવા જોઈતાં હતાં! કળામાં સ્થાપત્યમાં તો સૂર્યમન્દિરો ઊભાં થયાં, સૂર્યના રથ મૂર્ત થઈ ઊઠ્યા. આ સદા ચલિષ્ણુ એવા જગતની ગતિ આ દોડતા રથ દ્વારા મૂર્ત થઈ, પણ કવિતાનું શું? વર્ષા એ આપણી એક બીજી વિશિષ્ટ ઋતુ છે. વેદમાં પર્જન્યસૂક્તો છે. પણ વર્ષાનાં બદલાતાં રૂપો, એની સાથે બદલાતી ચિત્તની આબોહવા – આ બધું કાંઈ થોડા ‘ઋતુસંહાર ’કે ‘મેઘદૂતો’માં સમાઈ જાય એટલું જ નથી.

માનવીનાં મનને કારણે બધું હાસ્ય સંકુચિત અને દરિદ્ર બનતું ગયું છે. મન તો નોંધણીકારકુન છે. એ સર્વેસર્વા બની બેસે તો એ એક અત્યાચાર જ ગણાય. આને કારણે આપણું વસ્તુજગત આજે કોઈ પ્રાચીન ખણ્ડેર જેવું આપણે માટે બની ગયું છે. દરરોજ નવો સૂર્ય ઊગે છે તે આપણે ભૂલી ગયા છીએ. આથી તડકાને નામે થોડી ચબરાકી કરી શકાય. પણ એની અપરોક્ષ મૂતિર્ છબિઓ આંકવાનું અઘરું. વૈશાખ જેઠમાં પવનો દૂર દૂરથી આપણે આંગણે આવી ચઢશે. એમની સાથે કેટલાય ગિરિઓની ઉત્તુંગતા અને કેટલાંય આકાશોની વિશાળતા લાવશે. ઇન્દ્રિયો સાથે એનો પ્રત્યક્ષ સમ્પર્ક થવા દઈશું તો આપણાં પરિમાણો વિસ્તરશે.

પ્રેમ એ આપણી આવી જ એક અદ્ભુત અનુભૂતિ છે. એ આપણી જડ સીમાઓનું ઉલ્લંઘન કરવાનું સાહસ કરવાને પ્રેરે છે, જે અશક્ય છે તેને પામવાનું ઇંગિત એ જ આપે છે. કેવળ આત્મસન્નિષ્ઠ એવું આપણું હૃદય કેવું તો સાહસિક બની શકે છે. એનો એ આપણને પરિચય કરાવે છે. આવું સાહસ કરતાં પહેલાં જ વિચારોની બેડીથી જકડાઈ જનારાની કેવી દુ-ર્ગતિ થાય! તેમાંય વળી એવા દોઢડાહ્યાઓ કંઈક અદેખાઈથી ને કંઈક ખંધાઈથી જુવાન પેઢીને ઉપદેશના બે બોલ કહેવા બેસે ત્યારે એમને ક્ષમા કરવાનું કઠિન થઈ પડે, રિલ્કેએ આ પ્રેમના સમ્બન્ધને ફુવારાનાં ઉપરનીચેનાં બે પાત્ર જોડે સરખાવ્યો છે. નીચેના થાળામાંથી સંચિત થઈને પાણી ઉપરના થાળામાંથી ઊંચે ઊડે છે. પણ ઊંચે ઊડીને પાછું એ થાળામાં જ ઝિલાય છે. વળી પાછું એ ઊંચે ચઢીને ઊડે છે. આમ એકબીજાને અભિષિક્ત કર્યા કરવાની પ્રવૃત્તિ પ્રેમમાં છે. આ રીતે દરેક વખતે કેટલી બધી સમૃદ્ધિ આપણી આંગળી વચ્ચેથી છલકાઈને સરી પડે છે! પણ એ ઝીલી લેનાર કોઈક છે જ, જે આપણું છે. માટે જ કશું નષ્ટ થતું નથી. અત્યાચારથી સજીવન કરવાની સાધના આપણા સર્જકોએ કરવાની છે. આજે તો એ ડાહ્યાડમરા બનીને જીવનની વિફલતા, અસારપનો ઉપદેશ આપે છે, આ બોધપ્રધાન કવિતાનું સ્થાન વિસ્મયપ્રધાન કવિતાએ લેવાનું છે. અહો બત કિમાશ્ચર્યમ્ એવો ઉદ્ગાર કાઢનારો કવિ ક્યાં છે?

20-4-74