અહો બત કિમ્ આશ્ચર્યમ્/કૃત્રિમ શરદ


કૃત્રિમ શરદ

સુરેશ જોષી

આ તો જાણે વર્ષા ઋતુના દિવસો જ નથી. સાચી નહીં પણ નકલી શરદનું રાજ ચાલતું હોય એવું લાગે છે. નકલી એટલા માટે કે શરદનું પારદર્શી નિર્મળ હાસ્ય નથી. દિવસનું મુખ તો મ્લાન જ છે, શરદનું અનારોગ્ય બધે દેખાય છે, પણ શરદની પ્રસન્નતા નથી, ગલગોટાનું સોનેરી હાસ્ય નથી, તનમનિયા અને ગુલબાસની રંગલીલા નથી. અત્યારે તો અવિરત જળધારા વરસતી હોય, મેઘમેદુર આકાશ દ્રવી જતું હોય, તૃણાંકુરનાં પુલકનો અશ્રુત ધ્વનિ સંભળાતો હોય. આ જળ વિનાનાં છતાં મલિન વાદળોને જોઈને મોર હવે ઠગાઈને કેકા કરતો નથી. છાપામાં દુકાળના ઓળાઓ દેખાવા માંડ્યા છે.

આ કૃત્રિમ શરદ મને સ્મિતની માયા લગાડી જાય છે. આ મ્લાન આકાશમાં, આ પીળાં પડીને સુકાઈ ગયેલાં તૃણાંકુરોમાં ખેતરમાં નિસાસા નાખતાં ધાન્યાંકુરોમાં એ સ્મિતને ક્યાં પામવું? નેતાઓ, ખંધા રાજપુરુષોની આંખમાં હાસ્ય છે. પણ એ બધું ધૂર્તતાભર્યું હાસ્ય છે. એ દુકાળને પણ પોતાના પક્ષના પ્રચાર અર્થે કેવી રીતે વટાવવો તેની ગણતરીમાં છે. શિશુની આંખોમાં હાસ્ય છે. પણ તે વાસ્તવિકતાથી અલિપ્ત છે. પછી એ જ શિશુઓના સુકાઈ કરમાઈ ગયેલા ચહેરાઓનાં મોટાં મોટાં પોસ્ટરો પરદેશ પાસેથી ભીખ ઉઘરાવવા માટે ચોંટાડેલાં દેખાશે. નદીઓ અત્યારથી જ કાંકરા ગણતી થઈ ગઈ છે. વૃક્ષો વૈશાખ જેઠની ધૂળ અંગ પરથી ખંખેરી નાખી શક્યાં નથી.

તો હાસ્યને ક્યાં શોધવું? ત્યાં સૂર્ય, મરુત વરુણથી છિદ્રિત થયેલા પથ્થરને જોઉં છું. એ છિદ્રોમાં એ થોડી થોડી શીતળતાનો સંચય કરી રાખે છે. એમાંથી ધીમે ધીમે જળ ઝમે છે. પથ્થરનું એ નિ:શબ્દ હાસ્ય હું સાંભળું છું. આ નિર્જળ ધૂસરતામાં, આ ધૃષ્ટ સૂર્યના અત્યાચારમાં, પવન પંખીના ટહુકાની પડછે મને આ સ્મિત સંભળાય છે.

દૂર ક્યાંક પડેલા વરસાદથી મત્ત બનેલો પવન ધરતીની મહેંક લઈને, કૂણાં ધાન્યની કાચી કુમાશને લઈને રાત્રિના કોઈ ઉન્નિદ્ર પ્રહરે આવી ચઢે છે ત્યારે ચારે બાજુ બધું ચંચળ થઈ ઊઠે છે. મારું લાકડાનું બારણું વનનો કોઈ વૃક્ષરાજ બનીને ઝૂમે છે. બારીનો કાચ વન વચ્ચે થઈને વહેતાં પારદર્શી ઝરણાંની કાલી કાલી બોલી બોલતો થઈ જાય છે. મારી પથારીની ચાદર નીચે કપાસનાં કાલાંનો હિલ્લોળ આંદોલિત થઈ ઊઠે છે. ભીંત પરનું કેલેન્ડર સમયની વહેતી અસ્ખલિત ધારાનો એકધારો ઘોષ સંભળાવે છે. જોઉં છું તો ક્યાંય કશું જડ નથી, સ્થગિત નથી. બધું દ્રવીભૂત થઈ ગયું છે, બધું પ્રવહમાન છે. બધે ક્ષણેક્ષણે પરિવર્તન પામતી આકારોની માયાનું શૈલૂષીનૃત્ય જોઉં છું. ખૂણેખૂણે સંતાઈ ગયેલા રંગો બહાર આવીને ક્રીડા કરી રહ્યા છે. દૂર નિકટ જેવું કશું રહ્યું નથી. સમુદ્ર બારીના કાચમાં ઊછળે છે. સૂર્ય છીપલીમાં હસી રહ્યો છે. રેઢિયાળપણાનો પડદો ઊંચકાઈ જતાં એક આખું રહસ્યમય વિશ્વ પ્રગટ થઈ ગયું છે. નિસ્તબ્ધતાની આડશે છુપાયેલી એક આખી મંજુઘૌષ સૃષ્ટિ રણકી ઊઠી છે. તિમિર અને મૃત્યુ ઊજળાં અને મોહક બનીને મૃદંગ બજાવે છે.

વિશ્વની અનેકવિધ ગતિના ચંચળ હાસ્યને મારી મુગ્ધ સૃષ્ટિ અનુસરે છે. દૃષ્ટિ સૂક્ષ્મથી સૂક્ષ્મતર બનીને અત્યાર સુધી અપ્રકટ એવાં વિશ્વોની એંધાણી લઈ આવે છે. આ બધાંને અજવાળતો એક ઉજ્જ્વળ જ્યોતિ હું જોઉં છું. એમાં મનુષ્યાતીત પ્રેમની દીપ્તિ છે. આથી આજે સચરાચરના અણુએ અણુને મમત્વથી આલિંગીને અભિન્ન બની જવાનું સુખ પ્રાપ્ત થાય છે. હંસિક પશુ, દ્વેષી માનવ, કુટિલ સર્પ શાપમુક્ત થઈ શકે એવી આ એક માહેન્દ્ર ક્ષણ છે.

આ આનન્દથી રોમાંચિત સ્પન્દિત વિશ્વના અસંખ્ય પુલકોમાં ‘ત્વમસિ મે હૃદયં દ્વિતીયં’નો ધ્વનિ ઝંઝાવાત થઈ ઊઠ્યો છે. ઊંડી ગર્તાની ભયાનકતાને પણ એ આશ્લેષે છે. ઉચ્ચતમ ગિરિશૃંગના ઉન્નત દર્પને પણ એ આંબી શકે છે. આ તુચ્છ રજકણ પણ એના સ્પર્શથી આનન્દનો હિલ્લોળ જગાવે છે. એ રજકણના નેપથ્યમાં પ્રસન્ન વિમલ શતદલની પાંખડીઓ ખૂલી રહે છે. સમુદ્રના વિશાળ શ્વેત પુલિનો આશીર્વાદ માટે લંબાવેલ હાથની જેમ પ્રસરેલા છે. એક એક ક્ષુદ્ર જન્તુના ઉડ્ડયનમાં આજે વિરાટનો પદસંચાર સાંભળું છું.

આજે હસતા ગુલાબ નીચેના કાંટાને ચૂમી લેવાનું મન થાય છે. આ કરેણ અને કેનિયાના, ઝિણીઆ, મોતિયા અને ડહેલિયાના મખમલી પડદા ખસેડીને એની પાછળ રહેલા ઈશ્વરને મોઢામોઢ જોઈ લેવાનું મન થાય છે. આજે મારા ચરણ મૃદુ બને, એથી ક્યાંક કોઈ પથ્થર સરખો ઉઝરડાય નહીં એવી પ્રાર્થના મારાથી થઈ જાય છે.

કોઈ આકાશમાં ઇન્દ્રધનુષની માયાને સંગોપી રહ્યું છે. આ સંગોપનમાં જ કશુંક સંમોહન રહ્યું છે. આથી જ આ દિવસોની આછી અપ્રકટતાને હું દોષ દેતો નથી, આ મ્લાનતાને હું મીંઢી ગણતો નથી. તૃણાંકુરને કાન દઈને સાંભળું છું. કદાચ વર્ષાના આગમનનો સંદેશો એણે સાંભળ્યો છે.

વાડની મેંદી પર મંજરીઓ મહેંકે છે. એ મેંદીની કમનીય રેખાઓ પત્રલતાશાખા બનીને હથેળી પર એના ગુપ્ત રંગની માયાનો આલેખ લખી જાય છે. આષાઢી આકાશની ઘુંટાયેલી કજ્જલસ્નિગ્ધ શીતળતા એ હાથમાં અવતરે છે. એ હથેળીને આંખની પાંપણ પર દાબી દઈને એ શીતળતામાં નિ:શબ્દપણે સરી જવાનું સુખ ગમે છે.

સાંજ ઢળે પછી પવન અને લીમડા ગપ્પાં મારવા બેસે, ઘડીકમાં ખડખડ હસે, ઝૂમે, ડોલે. વાદળ અને ચન્દ્ર આકાશમાં વિહરે. આમ રાત ઘેરી થાય. ઘડીક પવન થંભે, ક્યાંકથી અનનુભૂત આનન્દની એવી લહેરખી આવે કે આ પૃથ્વીને ઢાંકતું આવરણ ઊડું ઊડું થઈ રહે. પોતાની માયા સરી પડશે કે શું એવી ચિન્તાથી ઈશ્વર હાંફળોફાંફળો દોડાદોડ કરે. એનો પદધ્વનિ હૃદયના ધબકારામાં સંભળાય. ત્યારે નિદ્રાનાં પૂરને ખાળીને હું એ સાંભળ્યા કરું. સવારે જાગીને જોઉં તો કોઈકના ચરણનો અળતો મારી આંખમાં લુછાઈ ગયેલો દેખાય. જોઉં છું તો શ્રીમાન દર્દુર ઓલિમ્પિક માટે કૂદકાની પ્રેક્ટિસ કરી રહ્યા છે, પતંગિયાંઓ ફૂલ જોડે રંગની અદલાબદલી માટે ગમ્ભીરપણે વાટાઘાટ ચલાવી રહ્યાં છે. બીજું એક કુતૂહલ જોયું. ગરમાળાનાં હાંડીઝુમ્મરો ફરીથી લટકતા જોયાં. કોઈકે કદાચ ખોટા સમાચાર આપ્યા લાગે છે. એમને કદાચ એમ છે કે ગ્રીષ્મ હજી પૂરી થઈ નથી. પારિજાત દ્વિધામાં છે. શ્રાવણ તો બેસશે, પણ વર્ષાએ ધરતીના હૃદયમાં સૌરભ વહાવી નથી; તો મહેંકવું શી રીતે?

મેદાનમાં ટિટોડીનો કકળાટ વધ્યો છે, એને પણ કદાચ આવી જ મૂંઝવણ છે. ઈંડાંની શી વ્યવસ્થા કરવી તે સમજાતું નથી. સુગરીઓએ પાંખા બની ગયેલા બાવળ પર માળો ગૂંથવાની શરૂઆત કરેલી, પણ હવે ઘાસ જ રહ્યું નથી. એટલે માળા અર્ધા ગૂંથીને રહેવા દીધા છે. સૃષ્ટિ આખી કામની અધવચ થાકીને સહેજ થંભી જતી ગૃહિણીની જેમ થંભી ગયેલી લાગે છે.

આ સૃષ્ટિમાંથી સ્વેચ્છાએ બહિષ્કૃત થઈને આજનો માનવી જીવી રહ્યો છે. એ નથી જોતો આકાશ સામે કે નથી જોતો ધરતી સામે. એની દૃષ્ટિને એણે સંકોચી નાંખી છે. એને પોતાના જ હૃદયમાં વાળવાની એ હિંમત કરી શકતો નથી. કદાચ મોટા ભાગના માનવીઓએ મનોમન આ ગ્રહની વિદાય લઈ લીધી છે. હવે આ ગ્રહ જોડે એમને કશી લેવાદેવા નથી. કદાચ હવે એઓ મંગળ પર કીટ થઈને જીવવા જશે, કદાચ શુક્ર પર કાંકરા થઈને જીવશે. પણ કીટ અને કાંકરાની નમ્રતા એનામાં છે ખરી?

પણ હું શા માટે એની ચિન્તા કરું? આ પૃથ્વી પર જન્મીને ઈશ્વરનો સાક્ષાત્કાર નહિ પણ માનવીનો સાક્ષાત્કાર કરવાની ઇચ્છા હતી. એ ફળશે ખરી?

4-8-72