અહો બત કિમ્ આશ્ચર્યમ્/નિદ્રા : હજાર પાંખડીવાળું પુષ્પ


નિદ્રા : હજાર પાંખડીવાળું પુષ્પ

સુરેશ જોષી

કોઈ વાર નિદ્રા હજાર પાંખડીવાળા પુષ્પની જેમ ખીલે છે. એની ગાઢ સૌરભનું ઘેન બધાં દુ:સ્વપ્નોના વિષને ઓગાળી નાંખે છે. સમય એ નિદ્રાના પુષ્પની પાંખડી પર નાના શા ઝાકળબિન્દુની જેમ ઝિલાઈને ચમકતો હોય છે. કોઈ વાર નિદ્રા સાવ છીછરી હોય છે. દિવસની વાસ્તવિકતા એની સર્વ છબિઓ સહિત એ નિદ્રામાં પારદર્શક આવરણ નીચે દેખાયા કરે છે. એ વાસ્તવિકતાનું રૂપાન્તર કરવા માટે જે ઊંડાણ જોઈએ તે ત્યારે હોતું નથી. આથી ઘણી વાર જાગૃતિની સપાટી પર આવી જવાય છે. કોઈ વાર નિદ્રામાં ઊંડાણ હોય છે ખરું, પણ તે નિબિડ અક્ષુણ્ણ અરણ્યનું. એ હંસિક પશુઓની ત્રાડથી ગાજતું હોય છે. એનો અન્ધકાર સૂર્ય-ચન્દ્રથી અસ્પૃષ્ટ હોય છે. જંગલી વેલો ગૂંચવાઈને અભેદ્યતા ઊભી કરે છે.

આથી જ રાત્રિનું આગમન પોતે જ રહસ્યમય બની રહે છે. એને કાંઠે ઊભા રહીને ડૂબકી મારતાં ક્યાં જવાશે તેનો કશો ખ્યાલ હોતો નથી. ત્યારે જ બધાં સંવેદનો, અનુભવો આપણાં હોવા છતાં છેતરામણાં લાગે છે. એક ક્ષણમાં જ ઝબકીને અદૃશ્ય થઈ ગયેલો કોઈ અનુભવ જાગૃત ચિત્તની સપાટી નીચે રહીને ક્યાંકથી પોષણ મેળવીને ભારે ગુરુત્વ ધરાવતો થઈ ગયો હોય છે તેની ખબર તો રાત્રિના પેટાળમાં ઝંપલાવી દીધા પછી જ પડે છે. આથી જ તો દિવસે અનુભવ લેતી વેળાએ સાવધ રહ્યા હોત તો સારું એવું લાગે છે, પણ વહેતા પ્રવાહમાં એવી સાવધાની કોણ રાખે?

પ્રભાત વેળાની નરવી હળવી સ્વચ્છતા આગળ આંખ ખોલતાં કેટલીક વાર સંકોચ થાય છે, દુ:સ્વપ્નોના ડાઘ, અજંપાના ઉઝરડા, અનિદ્રાને કારણે ચેતનાનું ચોળાયેલું પોત – આ બધું એ સ્વચ્છતા આગળ આપણને ભોંઠા પાડી દે છે. આથી દિવસની શરૂઆત જ અપરાધ કર્યો હોવાના ભાનથી થાય છે. ધીમે ધીમે દિવસ ખીલે તેમ માંડ એમાંથી છૂટી શકાય છે. પણ દિવસના પ્રારમ્ભે જ કશીક ગ્લાનિ મનમાં છવાઈ જતી હોય છે. આ ગ્લાનિની છાયામાં જ કેટલીક વાર આખો દિવસ વીતી જાય છે. કોઈ વાર એને હંફાવે એટલી પ્રસન્નતાની દ્યુતિ ભાગ્યમાં હોતી નથી. આવી ગ્લાનિની આડશે આપણું ધૂર્ત મન કેવાં કેવાં ષડયન્ત્ર રચ્યા કરતું હોય છે! કોઈક વાર એવું લાગે છે કે આપણી મનની ભૂગોળના નવા જ કટિબન્ધ પર આવી ચઢ્યા છીએ. ત્યાંથી વળી પરિચિત આબોહવાવાળા પ્રદેશમાં જવાનો માર્ગ એકદમ જડી જતો નથી.

રોજ-બ-રોજનાં નિત્ય નૈમિત્તિક કાર્યોની તુચ્છતાનાં તરણાંને બાઝીને ઊગરી જવાનો પ્રયત્ન કરીએ છીએ. મરણિયા બનીને બધા જ પ્રકારની અસામાન્યતાને ટાળીએ છીએ. પણ ચેતના સહસ્રછિદ્ર હોય છે. એમાં ક્યાંકથી શું પ્રવેશ્યું હશે તેની ક્યાં કશી ખબર જ પડે છે! જાગૃતાવસ્થામાં અલગ પાડીને ગોઠવેલા કાળ જાગૃતિને તળિયે કોઈ વિરાટ વૃક્ષનાં મૂળની જેમ ભેગા ગૂંચવાઈને પ્રસરતા હોય છે. આથી જ તો ઘણી વાર સવારે આંખો ખોલવાની હિંમત એકદમ ચાલતી નથી. બહાર બધું પરિચિત રીતે ગોઠવાઈ જાય, બધી વસ્તુને સૂર્ય એનાં પરિચિત મહોરાં પાછા સોંપી દે, બધી રૂપરેખાઓ પરિસ્ફુટ થઈ ઊઠે, પછી આંખ ખોલવાનું સાહસ થઈ શકે. આમ નવા દિવસનું આગમન એક અસાધારણ ઘટના છે. કેલેણ્ડરના પાના પરના સાદાસીધા આંકડા જેવી સાદી વાત એ હોતી નથી. જીવનનો અમુક ગાળો વટાવી જઈએ પછીથી ભૂતળ બદલાય છે. ઊંડાં સરોવર આવે છે, ગાઢ અરણ્યો આવે છે, અજાણ્યા અન્ધકારો ભેટે છે. અનેક ભુલભુલામણીમાં થઈને ગતિ કરવાની રહે છે. કોઈ વાર નરી અગતિકતામાં થંભી ગયા હોઈએ એવું લાગે છે. ત્યારે જ સાથે ચાલનારાઓનો સાથ છૂટી જાય છે. દૂરથી એમના પરિચિત અવાજ સંભળાતા પણ બંધ થઈ જાય છે. ત્યારે એક નવા જ પ્રકારની નિ:સંગતાનો અનુભવ થાય છે. ટેવની આંગળી ઝાલીને પ્રવૃત્તિઓ ચાલુ રાખીએ છીએ, પણ એ પ્રવૃત્તિનું જાળું આપણને ગૂંચવે છે, કશું રક્ષણ આપતું નથી.

સવારે મેદાનમાં ધુમ્મસ છવાયેલું હોય છે. વિદાય થતાં થતાં રાત્રિ થોડો વિષાદ અહીં ભૂલી જાય છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે એ આવરણ બનીને થોડી વાર સુધી ટકી રહે છે. પછી સૂર્યના સ્પર્શમાં પ્રત્યક્ષતા આવે છે. પણ સૂર્યને અભ્યન્તરમાં ઊંડે સુધી લઈ જવાનું હંમેશાં શક્ય બનતું નથી. એવા ખૂણાઓ છે જ્યાં સૂર્યને પ્રવેશવાની કેડી જ જાણે પડી નથી. જીવનમાં એવી ઘટનાઓ બને છે જે સુરંગની જેમ લંબાઈને ખૂબ ઊંડા પડને ભેદી નાખે છે. ત્યારથી જ જીવનમાં ભયસ્થાન ઊભાં થાય છે. ત્યાં અજાણતાં પગ મૂકી દેવાય તો કદાચ પાછા વળવાનો રસ્તો ન મળે એવું થાય. ત્યારે આપણી અનુપસ્થિતિમાં સમયનો પુંજ એકઠો થતો જાય, એની સાથે આપણે ઢંકાઈને અદૃશ્ય બની જઈએ. હેમન્તના આ દિવસોમાં પૃથ્વી પણ જાણે દૂર દૂરના પોતાના બાલ્ય કાળની સ્મૃતિમાં ધૂંધળી દૃષ્ટિએ અન્યમનસ્ક બનીને બેઠી હોય એવું લાગે છે. હેમન્તની રાત્રિની નીરવતા વધુ ગાઢી હોય છે, એનું એકાન્ત વધુ તીક્ષ્ણ હોય છે. શિશિરમાં પવન વાચાળ બને છે, ખરેલાં પાંદડાં પણ થોડો ઘોંઘાટ કરે છે. હેમન્તના રાત્રિ વેળાના આકાશમાંની તારાની હીરાકણી જાણે અવકાશને કાપતી હોય એવું લાગે છે. હેમન્ત બારીબારણાં બંધ કરાવી દેતી નથી.

આ દિવસોમાં આપણી ભાષા પર થોડીક નીરવતાની ઝાંય વળે છે. શબ્દોના સ્પર્શ બદલાઈ જાય છે. શબ્દોના અન્વયમાં થોડી વિરક્તતા રહી જાય છે. અને તેથી જ ગમે ત્યારે શબ્દો છૂટા પડીને સરી જશે એવું લાગ્યા કરે છે. વિભક્તિના પ્રત્યયો કે ઉભયાન્વયી અવ્યયોના સાંધા બરાબર બેસાડી શકાતા નથી. વાક્યોના આદિઅન્ત ચક્રાકારે ઘૂમીને સ્થળાન્તર પણ કરી લે છે. અર્થનાં ચોસલાંની જડ રેખાઓ દ્રવવા માંડે છે. કોઈક વાર શબ્દો વાદળી જેવા બનીને બધો ભેજ એકઠો કરે છે. એવા શબ્દોને છેક ગ્રીષ્મ આવે ત્યારે બહાર કાઢી શકાય. કેટલાક શબ્દોમાંનું નિરર્થકતાનું પોલાણ આ ઋતુમાં વધુ ઊંડું બને છે. ઘણાખરા શબ્દો ઉદ્ગારની સ્થિતિમાંથી પૂરો દેહ ધારણ કરીને બહાર આવ્યા હોતા નથી.

પ્રકૃતિ આપણી સહચરી છે, તો સમસ્યા પણ છે. પર્વત અને સમુદ્રમાં એકવિધતા છે. એને સૂર્યચન્દ્ર અને વાદળપવન તોડવાના પ્રયત્ન કરે છે. પણ વનસ્પતિમાં વિવિધતા છે. કોઈ વાર પંખી બનીને જ પ્રકૃતિ વચ્ચે રહી શકાય, તો કોઈક વાર ઝંઝાવાત બનીને પ્રકૃતિ સાથે ઝઘડવાનું મન થાય. પાંદડાં ખરે છે, ફૂલ કરમાય છે, છતાં પ્રકૃતિમાં એક પ્રકારની અપરિવર્તનશીલ શાશ્વતતા રહી હોય છે. આપણાં વયપરિવર્તનો સ્પષ્ટ છે. વૃક્ષનો કેટલાય દાયકાઓનો ઇતિહાસ એટલો પ્રકટ હોતો નથી. આથી જ કોઈક વાર પ્રકૃતિ વિષાદ પ્રેરે છે. આપણું જે ખરી જાય છે તે પાછું વિકસતું નથી. વળી પરિવેશ વિશેની સંભાવના માનવીમાં છે. એને જ સમ્બન્ધ બાંધવો પડે છે. સંગતિ જાળવવી પડે છે. જે કવિઓ આ બધાંથી દૂર જાય છે તેમને પ્રકૃતિ સાથેનો સમ્બન્ધ જ ફાવે છે. કારણ કે પ્રકૃતિ તરફથી પ્રતિભાવમાં કશો પ્રત્યવાય ઊભો થતો નથી.

માનવપ્રકૃતિ જટિલ છે. એની અપ્તરંગી લીલા વિશે કશું ભવિષ્ય ભાખી શકાતું નથી કે એને કેવળ તટસ્થ બનીને જોઈ રહેવાનુંય બની શકતું નથી. જાણ્યેઅજાણ્યે સમ્બન્ધોની તન્તુજાળમાં આપણે ફસાતા જઈએ છીએ, સંઘર્ષોની નાગચૂડમાં ભીંસાતા જઈએ છીએ. આ બધા ઉધામાને અન્તે રાખ થઈને ઊડી જઈએ છીએ ને તેય પવનની ઇચ્છા પ્રમાણે!

પણ વિષાદનોય યોગ હોવો ઘટે. કેટલાક સમ્બન્ધોને વિષાદ જ દ્વાર ખોલી આપે, કેટલીક લાગણીઓ વિષાદની આબોહવામાં જ ખીલે. અરે, પ્રસન્નતા પણ વિષાદની પડછે દીપી ઊઠે છે, છતાં વિષાદને સામે જઈને કોઈ વધાવતું નથી. હા, કવિઓને એવી શીખ આપવામાં આવે છે ખરી! સંસાર વિષાદની સામગ્રી આપે, કવિએ એનું રૂપાન્તર કરીને શોકનો શ્લોક રચી આપવાનો. એથી કવિચિત્તના શોકનો હંમેશાં મોક્ષ થાય છે ખરો?

13-11-71